ગીર પંથકની શર્મસાર કરતી ઘટના : કૌટુંબિક મામાએ જ મહિલાની છેડતી કરી બળાત્કારનો પ્રયાસ કર્યો
વેરાવળની ફેડ બેંકમાં કામ કરતી 25 વર્ષીય પરિણીતાની ફરિયાદના આધારે BNS 75, 76 તથા 351(3) હેઠળ કાર્યવાહી
- Advertisement -
મહિને 25 હજારથી 2.50 લાખ, ગાડી પણ આપીશ કહી શારીરિક સંબંધની માંગ ; જાનથી મારી નાખવાની ધમકી
વેરાવળમાં ફેડબેંકના ગોલ્ડ લોન વિભાગમાં નોકરી કરતી 25 વર્ષીય પરિણીત મહિલાએ પોતાના કૌટુંબિક મામા સામે છેડતી, શારીરિક અડપલા, શારીરિક સંબંધ માટે દબાણ તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે BNSની કલમ 75, 76 અને 351(3) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
ફરિયાદ મુજબ, મહિલાની ઓળખાણ આરોપી સાથે કૌટુંબિક સંબંધની છે. આરોપીએ ગોલ્ડ લોનના ગ્રાહકો આપવાની વાત કરી મહિલાને પોતાની ઓફિસે આવવા જણાવ્યું હતું. તા. 14 સપ્ટેમ્બરના રોજ આરોપી પોતાની કારમાં મહિલાને બેંકની ઓફિસેથી લઈ જતો હતો ત્યારે રેયોન કંપની રોડ પર બજાજ શોરૂમ પાસે જાહેર રસ્તા પર મહિલાના સાથળ પર હાથ મૂકી શારીરિક છેડતી કર્યાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યાર બાદ આરોપી મહિલાને સોમનાથ-જૂનાગઢ હાઈવે પર મહાદેવ માર્બલ પાછળ આવેલા પોતાના ફાર્મહાઉસ જેવી જગ્યાએ લઈ ગયો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યાં ગોલ્ડ લોનના ગ્રાહકો આવવાના હોવાનું કહી મહિલાને બેસાડી રાખી, પૈસા કમાવવાની લાલચ આપી અને ત્યાર બાદ તેની સાથે શારીરિક અડપલા શરૂ કર્યાનો આક્ષેપ છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીએ શારીરિક સંબંધ બાંધવા બદલ શરૂઆતમાં દર મહિને રૂ. 25 હજાર આપવાની ઓફર કરી હતી. મહિલાએ સ્પષ્ટ ના પાડતાં રૂ. 50 હજાર, ત્યારબાદ રૂ. 1 લાખ અને ગાડી આપવાની વાત કરી હોવાનું તથા બાદમાં વધુ મોટી રકમની લાલચ આપ્યાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. મહિલાએ વિરોધ કરવા છતાં આરોપીએ તેની સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો અને કિસ તથા શારીરિક સંબંધ માટે દબાણ કર્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.ફરિયાદ મુજબ, ઘરે પરત ગયા બાદ મહિલાએ સમગ્ર ઘટનાની જાણ પોતાના દિયર તથા પરિવારના સભ્યોને કરી હતી અને ત્યારબાદ પરિવારજનો સાથે પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર ઘટનામાં આરોપી દ્વારા ખરેખર મહિલાને ક્યાં લઈ જવાઈ હતી, ફાર્મહાઉસ/ઓફિસ ખાતે શું બન્યું, રસ્તામાં તથા અન્ય સ્થળોના CCTV કેમેરા, વાહનની અવરજવર, મોબાઈલ કોલ-લોકેશન, સોશિયલ મીડિયા પોસ્ટ્સ તથા ફરિયાદમાં જણાવાયેલા અન્ય સાક્ષીઓ સહિતના મુદ્દાઓ પોલીસ તપાસમાં મહત્વના બની શકે છે હાલ સમગ્ર મામલે મહિલાની ફરિયાદના આધારે આરોપો નોંધાયા છે.
- Advertisement -
“મોટા માણસો સાથે મારી પહોંચ છે” કહી ધમકી આપ્યાનો આક્ષેપ
ફરિયાદનો સૌથી ગંભીર ભાગ એ છે કે મહિલાએ આરોપની વાત કોઈને ન કરવા કહેતાં આરોપીએ પોતાની પહોંચ મોટા માણસો સુધી હોવાનું કહી ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો છે. “આ વાત કોઈને કહીશ તો તને અને તારા ખાનદાનને જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપ્યાનું મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.ખાસ કરીને ફરિયાદમાં જ આરોપીએ “મારી પહોંચ મોટા માણસો સાથે છે” અને તેઓ તેના ધંધાકીય ભાગીદાર હોવાનો ઉલ્લેખ કરીને મહિલાને ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હવે પોલીસ તપાસમાં આ દાવામાં કેટલી હકીકત છે, આરોપીની કોની સાથે વાસ્તવિક વ્યવસાયિક કે અન્ય પ્રકારની ભાગીદારી છે કે માત્ર પ્રભાવ જમાવવા માટે આવી વાતો કરવામાં આવી હતી તે પણ તપાસનો વિષય બની શકે છે.
સોશિયલ મીડિયામાં નેતાઓ સાથેની ઓળખનો રોફ ?
આ મામલે વધુ એક ચર્ચાસ્પદ પાસું સામે આવ્યું છે. ફરિયાદી પક્ષના જણાવ્યા મુજબ, આરોપી તથા તેનો પુત્ર વિસ્તારના વિવિધ મોટા રાજકીય નેતાઓ સાથેના ફોટા-વીડિયો અને રીલ્સ સોશિયલ મીડિયામાં મૂકતા રહે છે. જેના કારણે વિસ્તારમાં પોતાની મોટા નેતાઓ સાથે સીધી ઓળખ અને પહોંચ હોવાનો રોફ જમાવવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષેપ ફરિયાદી પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે.




