સામાન્ય બાબતે કાકા-ભત્રીજાને ટોળાએ દુકાનમાં ઘૂસી માર મારતાં લોહીલુહાણઃ હિંસક હુમલાથી વેપારીઓ એકજૂટ
અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ઢાલગરવાડ કાપડ બજારમાં વાહન સાઇડમાં લેવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીની અદાવતમાં ૧૦થી વધુ લોકોના ટોળાએ વેપારીની દુકાનમાં ઘૂસી તોડફોડ કરી હુમલો કર્યો હતો. આ ઘટનામાં કાકા-ભત્રીજા સહિત બચાવવા આવેલા મિત્રને ઇજાઓ પહોંચતાં જટક હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અસામાજિક તત્વોના હુમલાના વિરોધમાં આજે (૨૫ સપ્ટેમ્બર) અમદાવાદ સૌથી મોટા કાપડ બજાર ઢાલગરવાડમાં સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યો છે. ૧૦૦૦થી વધુ દુકાનો બંધ રાખીને વેપારીઓએ બેનરો સાથે એકઠા થઈ આકરો વિરોધ નોંધાવ્યો છે. અસામાજિક તત્વો સામે આકરા પગલાં લેવાની માંગ સાથે આજે આ સમગ્ર કાપડ બજાર સંપૂર્ણપણે બંધ રહેશે. શોએબભાઈ મન્સૂરી નામના વેપારીએ જણાવ્યું કે, કેટલાક લોકો દ્વારા ચાલુ બજારમાં આવીને વેપારી સાથે મારામારી કરવાની ઘટના બને જે ચલાવી લેવાય નહીં. અમે આ ઘટનાને વખોડી કાઢીએ છીએ. ફરીથી આવો કોઈ હુમલો થાય નહીં તેવી પોલીસ તરફથી અમે અપેક્ષા રાખીએ છીએ. પોલીસ દ્વારા અમને ખાતરી આપવામાં આવી છે કે આજ પછી હવે કોઈ આવી ઘટના બનશે નહીં.
દિવસ દરમિયાન બનેલી આ ઘટનાને લઈને કારંજ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે. ભર બજારમાં મારામારીની ઘટના બની હતી. સ્થાનિક વેપારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, પટવા શેરીના કેટલાક લોકોએ વર્ષોથી આ વિસ્તારમાં સામ્રાજ્ય જમાઈને રાખ્યું છે અને ડરનો માહોલ પણ ઉભો કરતા હોય છે. આવી ઘટનાને વેપારીઓ દ્વારા વકોડી કાઢવામાં આવી છે. સીસીટીવી ફુટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ટોળું દુકાનમાં ઘૂસી સગીરને ઢસેડીને મારી રહ્યા છે, જ્યારે આસપાસના વેપારીઓ બચાવવા પડે છે છતાં ટોળું હુમલો ચાલુ રાખે છે. હુમલામાં માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં મોહમંદ અમીન અને અમાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફરિયાદી મોહમંદ અમીનના જણાવ્યાનુસાર, હુમલો કરનારા મુખ્ય પાંચ શખસોની ઓળખ ઇરફાન વલીભાઇ ઘાંચી, રીયાજ વારીશ નુર એહમદ શેખ, નુર મોહમદ અબ્દુલ રશીદ શેખ, ઇરફાન યાસીનભાઈ શેખ અને ઇકબાલ યાસીનશેખ તરીકે થઈ છે.




