નિરંજન શાહ સ્ટેડિયમમાં 6 વિકેટે જીત, કેપ્ટન લક્ષ્ય રાયચંદાણીની અણનમ 110 રનની સદી
સૌરાષ્ટ્રના મોહિત ઉલવા-આર્યન સવસાણીનું શાનદાર પ્રદર્શન
- Advertisement -
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંડર-19 યુથ વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં ભારતીય ટીમે શાનદાર વિજય મેળવ્યો છે. ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવીને ત્રણ મેચની સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કરી લીધો હતો. ભારતીય ટીમની જીતમાં કેપ્ટન લક્ષ્ય રાયચંદાણીની અણનમ સદી મુખ્ય આકર્ષણ બની હતી. લક્ષ્યે 110 રનની અણનમ ઇનિંગ રમીને ટીમને લક્ષ્ય સુધી પહોંચાડી હતી. રાજકોટ-જામનગર રોડ પર આવેલા નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ 49.3 ઓવરમાં 254 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેના કારણે ભારતને જીત માટે 255 રનનો પડકાર મળ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર ઝેડ હોલીકે શાનદાર બેટિંગ કરતાં 88 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 87 રન બનાવ્યા હતા. જ્યારે નીલ પટેલે 71 બોલમાં 51 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જોકે, ભારતીય બોલરોએ વચ્ચેની ઓવરોમાં વળતો પ્રહાર કરીને ઓસ્ટ્રેલિયાની રનગતિ પર અંકુશ મૂક્યો હતો.
ભારત તરફથી સૌરાષ્ટ્રના મોહિત ઉલવાએ ઘરઆંગણે યાદગાર બોલિંગ કરી હતી. મોહિતે 9.3 ઓવર બોલિંગ કરીને એક મેડન સાથે માત્ર 43 રન આપ્યા હતા અને ઓસ્ટ્રેલિયાની ત્રણ મહત્વની વિકેટ ઝડપી હતી. તેની સાથે મનલ ચૌહાણે પણ ત્રણ વિકેટ ઝડપી ઓસ્ટ્રેલિયાની ઇનિંગને 254 રનમાં સમેટવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રાજકોટ માટે ખાસ ક્ષણ ત્યારે બની જ્યારે સૌરાષ્ટ્રના અન્ય ખેલાડી આર્યન સવસાણીએ ભારત માટે અંડર-19 વનડેમાં ડેબ્યુ કર્યું. પોતાની પ્રથમ જ આંતરરાષ્ટ્રીય યુથ મેચમાં આર્યને 6 ઓવરમાં 39 રન આપી એક વિકેટ ઝડપી હતી. 255 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને કેપ્ટન લક્ષ્ય રાયચંદાણીએ શરૂઆતથી જ મજબૂત પાયો આપ્યો હતો. લક્ષ્યે ધીરજ અને આક્રમકતા સાથે બેટિંગ કરતાં 106 બોલમાં અણનમ 110 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થયો હતો. લક્ષ્યની સદીના કારણે ભારતીય ટીમે 41.2 ઓવરમાં જ 4 વિકેટ ગુમાવી 255 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ સાથે ભારતે 6 વિકેટે ભવ્ય વિજય મેળવીને સિરીઝમાં 3-0થી ઓસ્ટ્રેલિયાનો સફાયો કર્યો હતો. લક્ષ્યને બેટિંગમાં અન્ય ખેલાડીઓનો પણ સારો સાથ મળ્યો હતો. આર્યવીર સહેવાગે 31 બોલમાં 34 રન, કુશાગ્ર ઓઝાએ 53 બોલમાં 45 રન અને રજત બાઘેલે 34 બોલમાં 44 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. શાનદાર અણનમ સદી બદલ લક્ષ્ય રાયચંદાણીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
આ મેચ રાજકોટ અને સૌરાષ્ટ્રના ક્રિકેટપ્રેમીઓ માટે ખાસ રહી હતી. નિરંજન શાહ સ્ટેડિયમને પોતાનું હોમ ગ્રાઉન્ડ માનતા મોહિત ઉલવા અને આર્યન સવસાણીને ભારતીય અંડર-19 ટીમમાં સ્થાન મળ્યું હતું. બંને ખેલાડીઓએ પોતાના ઘરઆંગણે મળેલી તકનો લાભ ઉઠાવીને નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. મોહિતે ત્રણ વિકેટ ઝડપી બોલિંગમાં પોતાની અસર છોડી હતી, જ્યારે ડેબ્યુ કરનાર આર્યન સવસાણીએ એક વિકેટ મેળવીને પોતાની પ્રથમ મેચને યાદગાર બનાવી હતી. સ્થાનિક ક્રિકેટપ્રેમીઓ માટે બંને ખેલાડીઓનું ભારતીય ટીમની જર્સીમાં પોતાના શહેરના મેદાન પર રમવું પણ ગૌરવની ક્ષણ બની રહ્યું હતું. અંડર-19 યુથ વનડે સિરીઝની ત્રણેય મેચ જીતી ભારતે ઓસ્ટ્રેલિયા સામે પોતાની શ્રેણી 3-0થી પૂર્ણ કરી છે. હવે બંને ટીમો વચ્ચે આગામી 27થી 30 સપ્ટેમ્બર દરમિયાન નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે યુથ ટેસ્ટ મેચ રમાવાની છે. વનડે સિરીઝમાં ભારતીય ટીમના શાનદાર પ્રદર્શન બાદ હવે રાજકોટના ક્રિકેટપ્રેમીઓની નજર આગામી ટેસ્ટ મુકાબલા પર રહેશે.




