યમુના એક્સપ્રેસ-વે પર દુર્ઘટના, 35 મુસાફરો સવાર હતાઃ PM મોદીએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખની સહાયની જાહેરાત કરી
UPના નોઈડામાં યમુના એક્સપ્રેસ-વે પર ખાનગી સ્લીપર એસી બસમાં આગ લાગી ગઈ. અકસ્માતમાં ૯ મુસાફરોના જીવતા સળગી જતા મોત થયા. બસમાં ૩૫ મુસાફરો સવાર હતા. કેટલાક મુસાફરોએ બારી તોડીને કૂદકો મારીને પોતાનો જીવ બચાવ્યો. અકસ્માત બુધવારે રાત્રે ૧૨ વાગ્યે થયો હતો. બસ નોઈડાથી મહોબા જઈ રહી હતી. બસ રાજ કલ્પના ટ્રાવેલ્સની હતી. અકસ્માતની જાણ થતાં ફાયર બ્રિગેડની ૫ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ૪૫ મિનિટમાં આગ બુઝાવવામાં આવી, પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળી ગઈ હતી. મૃતકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જોકે, બે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. પહેલી શોર્ટ સર્કિટ અને બીજી ફટાકડા. હકીકતમાં, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આગ લાગ્યા બાદ બસમાંથી વારંવાર ફટાકડા ફૂટે તેવા અવાજો આવી રહ્યા હતા. પીએમ મોદીએ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું. સાથે જ મૃતકોના પરિવારજનોને ર-૨ લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી.બસ મુસાફર રિંકી રાજપૂતે જણાવ્યું- હું નોયડાથી બસમાં બેઠી હતી. હું ઊંઘી રહી હતી. કોઈએ મને જગાડીને કહ્યું કે બસમાં આગ લાગી ગઈ છે. બસમાં અફરાતફરી મચી ગઈ હતી. બધા એકબીજાને ધક્કો મારી રહ્યા હતા. અંદર ધુમાડો ભરાઈ ગયો હતો અને સૌનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. ડ્રાઈવર જ્યાં બેઠો હતો, ત્યાંથી જ આગ લાગી હતી. ઘણા લોકો બસની અંદર જ રહી ગયા હતા.
- Advertisement -
બસના 19 મેમા, દોઢ લાખથી વધુનો દંડ
પોલીસે જણાવ્યું કે બસના ૧૯ મેમા થઈ ચૂક્યાં છે. કુલ ૧ લાખ ૭૫ હજાર ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બસમાં મુસાફરોને બેસાડવાની સાથે-સાથે માલ લઈ જવાના મામલે સૌથી વધુ મેમા ફટકારવામાં આવ્યાં છે. આ ઉપરાંત લાઇસન્સ અને પરમિટ વિના પણ મેમા ફટકારવામાં આવ્યાં છે. બસનું પહેલું ચલણ વર્ષ ૨૦૨૪માં થયું હતું. અત્યાર સુધી દંડની રકમ જમા કરવામાં આવી નથી.




