સ્વચ્છતાને જનઆંદોલન બનાવવા કમિશનરની અપીલ: રેસકોર્સથી એરપોર્ટ રોડ સુધી સ્વચ્છતા વ્યવસ્થાનું સઘન નિરીક્ષણ
રાજ્ય સરકાર દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન ચલાવવામાં આવી રહેલા “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશને વેગ આપવા રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આ અભિયાન અન્વયે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ મોડી રાત્રે શહેરના ધમધમતા વિસ્તારોમાં સરપ્રાઈઝ વિઝિટ કરી ખાણી-પીણીના ધંધાર્થીઓ અને જાહેર માર્ગો પર સ્વચ્છતા વ્યવસ્થાની સઘન ચકાસણી હાથ ધરી હતી.કમિશનરે મહિલા કોલેજ અંડરબ્રિજથી કિશાનપરા ચોક, બાલભવન ચોક તેમજ રેસકોર્સ રિંગ રોડથી એરપોર્ટ તરફ જતા માર્ગો પર અચાનક પહોંચી જઈ રાત્રિના સમયે ચાલતા ખાણી-પીણીના સ્ટોલ્સ અને લારી-ગલ્લાની આકસ્મિક તપાસ કરી હતી. આ દરમિયાન ધંધાર્થીઓ દ્વારા ગ્રાહકો માટે ડસ્ટબિન રાખવામાં આવ્યું છે કે નહીં, જાહેર રોડ પર એઠવાડ કે કચરો ફેંકવામાં આવે છે કે નહીં તેમજ કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા છે કે નહીં તેની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. કમિશનરના આ ઓચિંતા ચેકિંગથી નિયમોનો ભંગ કરતા ધંધાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી. તેમણે તમામ વેપારીઓને પોતાના સ્થળની આસપાસ સ્વચ્છતા જાળવવા અને ગંદકી ન કરવા તાકીદ કરી હતી.આ મુલાકાત દરમિયાન મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા એ માત્ર મહાનગરપાલિકા કે સફાઈ કર્મચારીઓની જવાબદારી નથી, પરંતુ શહેરના પ્રત્યેક નાગરિકની સક્રિય ભાગીદારીથી જ તે જનઆંદોલન બની શકે છે. તેમણે શહેરીજનોને અનુરોધ કર્યો હતો કે જાહેર સ્થળોએ કચરો ન ફેંકી, ગંદકી અટકાવી મહાનગરપાલિકાને સહયોગ આપે, જેથી સૌના સહિયારા પ્રયાસોથી રાજકોટ સ્વચ્છ અને સુંદર બની રહે. સ્વચ્છ રાજકોટના સંકલ્પને પૂર્ણ કરવા મનપા દ્વારા દિવસ-રાત સતત સફાઈ કામગીરી અને કડક મોનિટરિંગ ચાલુ રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.




