ધોરણ 6-8ના પુસ્તકોમાં ગંભીર ક્ષતિઓનો કોંગ્રેસનો આક્ષેપ : શિક્ષણ મંત્રીના રાજીનામાની રાજકોટ કોંગ્રેસની માંગ
જૂના ભૂલવાળા પુસ્તકો પર 2026ના સ્ટીકર લગાવી વિદ્યાર્થીઓને અપાયાનો રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા દાવો કરાયો
- Advertisement -
વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય સાથે ચેડા : રાજકોટ શહેર કોંગ્રેસ
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) દ્વારા તૈયાર કરવામાં આવેલા ધોરણ 6 અને 8ના સંસ્કૃતના પાઠ્યપુસ્તકોમાં ગંભીર ક્ષતિઓ હોવાના આક્ષેપને લઈને
રાજકોટ શહેર કોંગ્રેસે રાજ્ય સરકાર સામે મોરચો ખોલ્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં ધોરણ 6ના સંસ્કૃત પુસ્તકમાં 52થી વધુ અને ધોરણ 8ના પુસ્તકમાં 100થી વધુ ગંભીર ભૂલો હોવાનો આક્ષેપ
કરી આ સમગ્ર મામલાને વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય સાથે ચેડા સમાન ગણાવવામાં આવ્યો હતો. રાજકોટના જાગૃત નાગરિક ડૉ. ભરતકુમાર કોયાણી દ્વારા લાંબા સમયથી આ મુદ્દે પુરાવા સાથે વિવિધ તબક્કે રજૂઆતો
કરવામાં આવી હોવાનો કોંગ્રેસે દાવો કર્યો હતો. કોંગ્રેસના જણાવ્યા મુજબ, વારંવાર રજૂઆતો અને આરટીઆઈ બાદ તંત્રએ કેટલીક ક્ષતિઓ સ્વીકારી હતી અને સુધારાઓ વેબસાઇટ પર મૂક્યા હતા, પરંતુ મૂળ પાઠ્યપુસ્તકોમાં
સમયસર સુધારો કરવામાં આવ્યો નહોતો.
પત્રકાર પરિષદને સંબોધતા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ માંગ કરી હતી કે સરકારી તેમજ ખાનગી શાળાઓમાંથી ધોરણ 6 અને 8ના સંસ્કૃતના ભૂલભરેલા પુસ્તકો તેમજ 2026ના સ્ટીકર લગાવેલા જૂના
પુસ્તકો આગામી 20 દિવસમાં તાત્કાલિક પાછા ખેંચવામાં આવે. તેમણે વિદ્યાર્થીઓને વિના મૂલ્યે સાચા અને સુધારેલા પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવા પણ માંગ કરી હતી. જો સરકાર દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં પુસ્તકો
પાછા ખેંચીને નવા પુસ્તકો આપવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સાથે જ સમગ્ર મામલે એફઆઈઆર નોંધી ત્વરિત અને કડક તપાસ કરવામાં આવે તથા
દોષિત અધિકારીઓ, કર્મચારીઓ અને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
- Advertisement -
રાજકોટ શહેર કોંગ્રેસે જણાવ્યું હતું કે ડૉ. ભરતકુમાર કોયાણી દ્વારા એક વર્ષથી વધુ સમયથી કરવામાં આવતી રજૂઆતો અને કાયદાકીય લડતમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ સતત સાથ આપ્યો હતો.
કોંગ્રેસના દાવા મુજબ, સતત રજૂઆતો, આરટીઆઈ અને પુરાવાઓના આધારે તંત્રને અંતે ભૂલો સ્વીકારી સુધારેલા પુસ્તકો તૈયાર કરવાની ફરજ પડી હતી. હવે પ્રશ્ન માત્ર ભૂલો સુધારવાનો નહીં પરંતુ જૂના પુસ્તકોના વિતરણની
જવાબદારી નક્કી કરવાનો પણ બની ગયો છે. વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખોટી માહિતી ન પહોંચે અને સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે માટે સમગ્ર પ્રક્રિયાની પારદર્શક તપાસ જરૂરી હોવાની માંગ કોંગ્રેસે ઉઠાવી છે.
પત્રકાર પરિષદમાં ડૉ. રાજદીપસિંહ જાડેજા ઉપરાંત ડૉ. ભરતભાઈ કોયાણી, નીતિન ભંડેરી, વૈશાલી શીંદે, અર્જુનભાઈ ચૌહાણ, આદિત્યસિંહ ગોહિલ, ગૌરવ ખીમસુરિયા અને બ્રીજરાજસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા.
એક વર્ષથી વધુ સમયથી રજૂઆતો છતાં તંત્રની કામગીરી સામે સવાલ
ડૉ. ભરતભાઈ કોયાણીએ પ્રથમ વખત 15 એપ્રિલ 2025ના રોજ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના નિયામક/કાર્યવાહક પ્રમુખને ધોરણ 8ના સંસ્કૃત પુસ્તકમાં રહેલી ક્ષતિઓ અંગે લેખિત જાણ કરી હતી. રજૂઆતનો
સંતોષકારક જવાબ ન મળતાં તેમણે 17 સપ્ટેમ્બર 2025ના રોજ આરટીઆઈ હેઠળ માહિતી માંગી હતી. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, 24 સપ્ટેમ્બર 2025ના આરટીઆઈના જવાબમાં તંત્રએ ક્ષતિઓ સ્વીકારી હતી અને સુધારાઓ
મંડળની વેબસાઇટ પર અપલોડ કર્યા હતા. જોકે, બજારમાં ઉપલબ્ધ પાઠ્યપુસ્તકોમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 7 નવેમ્બર 2025ના રોજ ડૉ. કોયાણીએ ધોરણ 6 અને
ધોરણ 8 બંનેના સંસ્કૃત પુસ્તકોમાં રહેલી ક્ષતિઓ અંગે પાઠ્યપુસ્તક મંડળ ઉપરાંત શિક્ષણ મંત્રીને પણ લેખિત રજૂઆત કરી હતી. તેમ છતાં પ્રશ્નનું નિરાકરણ ન આવતાં 5 ફેબ્રુઆરી 2026ના રોજ ફરી આરટીઆઈ કરવામાં આવી
હતી. 18 ફેબ્રુઆરીએ મળેલા જવાબ બાદ આખરે 5 માર્ચ 2026ના રોજ પાઠ્યપુસ્તક મંડળે સુધારેલા પુસ્તકોની ફોટોકોપી મોકલ્યાનો દાવો કોંગ્રેસે કર્યો હતો.
રાજકોટની રૈયા ગ્રામ અને જુનાગઢની ઝાંઝરડા ગામની સરકારી શાળાની મુલાકાતમાં જૂના પુસ્તકો અપાયાનું ધ્યાને આવ્યું
કોંગ્રેસે આક્ષેપ કર્યો કે 2026માં સુધારેલા પુસ્તકો બજારમાં ઉપલબ્ધ હોવા છતાં જૂના અને ક્ષતિગ્રસ્ત પુસ્તકોનો જથ્થો પણ વિતરણમાં રહ્યો હતો. 12 જુલાઈ અને 12 ઓગસ્ટ 2026ના રોજ રાજકોટની સરકારી સ્કૂલ નંબર 93
તેમજ રાજકોટ-જુનાગઢ વિસ્તારની રૈયા ગ્રામ અને ઝાંઝરડા ગામની સરકારી શાળાઓની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને 2025ના જૂના પુસ્તકો આપવામાં આવ્યા હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું. કોંગ્રેસના આક્ષેપ મુજબ, જૂના
પુસ્તકો પર 2026નું સ્ટીકર અથવા સાલ લગાવીને તેને નવા પુસ્તકો તરીકે વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. જો આ દાવો સાચો સાબિત થાય તો તે માત્ર વહીવટી બેદરકારી નહીં પરંતુ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સરકારી
તંત્ર સાથેની ગંભીર છેતરપિંડીનો મુદ્દો બની શકે છે.
19 જુલાઈથી 12 ઓગસ્ટ: CPથી લઇ CM સુધી 24 દિવસમાં 6 વખત રજૂઆત
આ મામલે ડૉ. ભરતકુમાર કોયાણીએ 19 જુલાઈ 2026ના રોજ રાજકોટ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી હતી. ત્યારબાદ 23 જુલાઈના રોજ મોટા મવા પોલીસ ચોકી ખાતે તેમનું નિવેદન નોંધાયું હતું. 27 જુલાઈના રોજ
તેમણે સમગ્ર મામલાની જાણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ લેખિતમાં કરી હતી. કોંગ્રેસના જણાવ્યા મુજબ, ત્યારબાદ પણ પ્રશ્નનું સંપૂર્ણ નિરાકરણ ન આવતાં 10 ઓગસ્ટે ફરી પાઠ્યપુસ્તક મંડળને આરટીઆઈ કરવામાં આવી
હતી. 12 ઓગસ્ટે મંડળને પત્ર લખીને સરકારી શાળાઓમાં આપવામાં આવેલા જૂના પુસ્તકો તાત્કાલિક બદલી આપવાની માંગ કરવામાં આવી હતી. એ જ દિવસે રાજકોટ પોલીસ કમિશનરને ફરી રજૂઆત કરીને સમગ્ર મામલાની
તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી.
જવાબદાર અધિકારીઓ તથા સભ્યો સામે તપાસની માંગ
રાજકોટ શહેર કોંગ્રેસે પુસ્તક તૈયાર કરવા માટે નિયુક્ત કરવામાં આવેલા લેખકો, સંપાદકો અને કન્વીનરોને ચૂકવવામાં આવેલી ફી અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે લાખો રૂપિયાની ફી ચૂકવ્યા બાદ પણ
પ્રાથમિક કક્ષાના પાઠ્યપુસ્તકોમાં 150થી વધુ ગંભીર ભૂલો રહી જાય તો પુસ્તક નિર્માણ અને ચકાસણીની સમગ્ર પ્રક્રિયાની જવાબદારી નક્કી થવી જોઈએ. કોંગ્રેસે માંગ કરી છે કે પુસ્તક નિર્માણ અને સંપાદન કમિટીમાં જવાબદાર
અધિકારીઓ તથા સભ્યો સામે ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે. છાપકામ પાછળ થયેલા ખર્ચ અને ચૂકવાયેલી ફીની પણ જવાબદારી નક્કી કરીને જરૂરી હોય ત્યાં વસૂલાત કરવામાં આવે.
રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાના રાજીનામાની માંગ
રાજકોટ શહેર કોંગ્રેસે સમગ્ર મામલે રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાની જવાબદારી નક્કી કરવાની માંગ સાથે તેમના રાજીનામાની માંગ કરી છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે વારંવાર રજૂઆતો છતાં વિદ્યાર્થીઓ સુધી ભૂલવાળા
પુસ્તકો પહોંચતા રહ્યા, જેના કારણે સરકારની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. કોંગ્રેસે માંગ કરી છે કે જવાબદારી નક્કી કરીને શિક્ષણ મંત્રી સામે કાર્યવાહી કરવામાં આવે અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ
કરાવવામાં આવે.




