ઝેરી દારૂકાંડ સામે રાજકોટ શહેર કોંગ્રેસ મેદાને
ઝેરી દારૂની ઘટનાને લઈને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર અને DCPને આવેદન, ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ સામે વિશેષ ઝુંબેશની માંગ
- Advertisement -
ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને હેરફેરની પ્રવૃત્તિઓ અટકતી ન હોવાના આક્ષેપો વચ્ચે તાજેતરમાં ઝેરી દારૂ પીવાથી અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યાની ઘટનાએ
રાજ્યભરમાં ચિંતા જગાવી છે. આ સમગ્ર મામલે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ હવે સરકાર અને પોલીસ તંત્ર સામે સવાલો ઉઠાવી ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મોરચો ખોલ્યો છે.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઝેરી દારૂની ઘટનાની ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી
હતી. કોંગ્રેસે આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ ગેરકાયદેસર દારૂના વેપારને પ્રોત્સાહન આપતા તત્વોની ભૂમિકા તપાસવામાં આવે તેવી માંગ કરી હતી.
કોંગ્રેસ દ્વારા રજૂઆતમાં માત્ર ગેરકાયદેસર દારૂના વેપારીઓ સામે કાર્યવાહી પૂરતી ન રાખી, પરંતુ જો કોઈ અધિકારીની બેદરકારી અથવા મિલીભગતના કારણે આવા ગેરકાયદેસર ધંધાને વેગ મળ્યો હોય તો તેમની પણ
જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવી હતી. રાજ્યભરમાં દારૂના ગેરકાયદેસર અડ્ડાઓ સામે વિશેષ અભિયાન ચલાવી સઘન તપાસ અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસે
જણાવ્યું હતું કે દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં જો ગેરકાયદેસર રીતે દારૂ ઉપલબ્ધ થઈ રહ્યો હોય અને તેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા હોય તો સમગ્ર વ્યવસ્થાની અસરકારકતા સામે ગંભીર પ્રશ્નો ઊભા
થાય છે. તેથી માત્ર બનાવ બન્યા બાદ કાર્યવાહી કરવાને બદલે ગેરકાયદેસર દારૂના સપ્લાય, વેચાણ અને હેરફેરના મૂળ સુધી પહોંચીને નેટવર્કને તોડી પાડવાની જરૂરિયાત છે.
આ ઉપરાંત રાજકોટ શહેરમાં પણ ગેરકાયદેસર દારૂના વેપાર અને બૂટલેગરોની પ્રવૃત્તિઓ સામે કડક પગલાં ભરવાની માંગ સાથે રાજકોટના ડેપ્યુટી પોલીસ કમિશનર (DCP)ને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શહેરના
વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા કથિત ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ સામે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવે, દારૂના વેપાર સાથે સંકળાયેલા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને શહેરને નશામુક્ત
બનાવવા માટે અસરકારક પગલાં લેવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.
- Advertisement -
આ પ્રસંગે ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર નહીં પરંતુ જમીન પર પણ દેખાવા જોઈએ. ઝેરી દારૂના કારણે નિર્દોષ લોકોના મોત અત્યંત દુઃખદ છે અને આ માટે જવાબદાર તમામ
તત્વો સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં અવારનવાર હત્યા, હુમલા, લૂંટ, મારામારી અને ગુંડાગીરી જેવી ઘટનાઓ સામે આવી રહી છે. અસામાજિક તત્વોનો ત્રાસ દિવસેને દિવસે
વધતો હોવાના કારણે સામાન્ય નાગરિકોમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાઈ રહી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. ડૉ. જાડેજાએ પોલીસ તંત્રને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા તથા અસામાજિક તત્વો
સામે કડક અને અસરકારક કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો. શહેરની પ્રજાને સુરક્ષિત વાતાવરણ મળે અને કાયદાનો ભય જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા વધુ અસરકારક પગલાં લેવાની તાતી જરૂરિયાત હોવાનું
તેમણે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં ડૉ. રાજદીપસિંહ જાડેજા ઉપરાંત જસવંતસિંહ ભટ્ટી, ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી, સંજય અજુડીયા, તુષાર નંદાણી, ગોપાલ અંદડકટ, ડી.પી. મકવાણા, નરેન્દ્ર સોલંકી, વૈશાલીબેન શિંદે, અર્જુનભાઈ ચૌહાણ,
દિપ્તીબેન સોલંકી, ઇબ્રાહીમભાઈ સોરા, મેહુલભાઈ મકવાણા, ગૌરવભાઈ પૂજારા, અલ્પેશ સાધરીયા, હિરલબા રાઠોડ, જયદીપ મયાત્રા, નિલેશભાઈ મારુ, મેપાભાઈ કણસાગરા, હાર્દિકભાઈ રાઠોડ, ઠાકરશીભાઈ ગજેરા, કેતનભાઈ
તાળા, દીપભાઈ ભંડેરી, નરેન્દ્રભાઈ પટેલ, મુકુંદ ટાંક, અલ્તાફભાઈ મેમોન, યોગીતાબેન વાડોલીયા, અમિતભાઈ ઠાકર, જીતુભાઈ ઠાકર, જગદીશસિંહ જાડેજા, નયનાબા જાડેજા, રાજુભાઈ આમરણીયા, શૈલેષભાઈ સાકરીયા,
ભરતભાઈ કોયાણી, અહેસાનભાઈ ચૌહાણ, રાજુભાઈ બાબીયા, રાજુભાઈ કાચા, સલીમભાઈ કારિયાણીયા, ભાવેશભાઈ વાઘેલા, આર્યનભાઈ કુરેશી, કરીનાબેન કુરેશી, અરમાનભાઈ સૈયદ, રમેશભાઈ જુંજા, મથુરભાઈ માલવી,
યજ્ઞેશભાઈ દવે, રાજુભાઈ ચાવડા, જીતુભાઈ રાઠોડ, સુરેશ ગેરૈયા, મનસુખભાઈ જાદવ, બબીતાબેન ગઢીયા, પરેશભાઈ ગઢીયા, મુકેશભાઈ મકવાણા, વિજયસિંહ જાડેજા, અબ્દુલભાઈ શેખ સહિતના કોંગ્રેસના હોદ્દેદારો અને
કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રજાના જીવન અને સુરક્ષાના પ્રશ્ને કોંગ્રેસ મૌન નહીં રહે
ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રજાના જીવન અને સુરક્ષાના પ્રશ્ને મૌન નહીં રહે. રાજ્યમાં તેમજ રાજકોટ શહેરમાં ગેરકાયદેસર દારૂના વેપારને નાથવા માટે તંત્રે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી
કરવી જરૂરી છે. સાથે જ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં પણ સુધારો લાવવાની જરૂરિયાત હોવાનું તેમણે જણાવ્યું હતું. કોંગ્રેસની આ રજૂઆતમાં ઝેરી દારૂકાંડની નિષ્પક્ષ તપાસ, ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામે
રાજ્યવ્યાપી કાર્યવાહી, બૂટલેગરો સામે કડક પગલાં, જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવા સહિત રાજકોટ શહેરમાં વિશેષ પોલીસ ઝુંબેશ ચલાવવાની માંગને કેન્દ્રસ્થાને રાખવામાં આવી હતી.




