નાગાલેન્ડ અને આસામના પૂર બાદ જીવનરક્ષક સારવાર માટે દેશમાં પ્રથમ વખત હાથિણનું એર ટ્રાન્સપોર્ટ
નાગાલેન્ડ અને આસામમાં આવેલા વિનાશક પૂર દરમિયાન તણાઈ ગયેલી અને ગંભીર રીતે ઘવાયેલી ૫૩ વર્ષીય માદા હાથી ‘જોયમોતી’ને તાત્કાલિક તેમજ અદ્યતન પશુચિકિત્સા સારવાર આપવા માટે વિમાન મારફતે
એરલિફ્ટ કરીને જામનગર સ્થિત વનતારા ખાતે લાવવામાં આવી છે. ભારતમાં ગંભીર સારવાર માટે કોઈ હાથિણને હવાઈ માર્ગે એરલિફ્ટ કરવામાં આવી હોય તેવી આ પ્રથમ ઐતિહાસિક ઘટના છે.
- Advertisement -
ગત જુલાઈ માસના બીજા સપ્તાહમાં નાગાલેન્ડમાં પૂરના ભારે વહેણમાં જોયમોતી તણાઈ ગઈ હતી. સરકારી એજન્સીઓ અને સ્થાનિક સમુદાયના સહયોગથી તેને બચાવી લેવાઈ હતી, પરંતુ આ હોનારતમાં તેના કપાળ, જમણા
કાન, પૂંછડી, ડાબી જાંઘ અને પેટના ભાગે ગંભીર ઘા થયા હતા. બાહ્ય અંગોમાં જીવાત પડી ગઈ હતી અને જમણી આંખ ક્ષતિગ્રસ્ત થતાં તેણે દૃષ્ટિ ગુમાવી દીધી છે. ભૂતકાળમાં લોગિંગ (લાકડાં ખસેડવાના કામ) દરમિયાન
થયેલા અસ્થિભંગને કારણે તેનો પાછલો ડાબો પગ પણ લંગડાય છે, જેથી તેને હલનચલનમાં ભારે યાતના ભોગવવી પડી રહી હતી. સ્થાનિક સ્તરે પ્રાથમિક સારવાર અપાયા બાદ વધતી ઉંમર અને ગંભીર સ્થિતિને જોતાં
વિશિષ્ટ હોસ્પિટલ કેરમાં ખસેડવી અનિવાર્ય બની હતી.
જમીન માર્ગની લાંબી મુસાફરીનો શારીરિક થાક અને જોખમ ટાળવા માટે જોયમોતીને એરલિફ્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો. હવાઈ મુસાફરી દરમિયાન તબીબી તપાસ, ફ્લાઈટ મોનિટરિંગ અને ઉચ્ચતમ સુરક્ષા પ્રોટોકોલનું
પાલન કરવામાં આવ્યું હતું. વનતારા પહોંચ્યા બાદ નિષ્ણાત તબીબો દ્વારા તેની આંખ, ઘા અને ફ્રેક્ચરની સઘન સારવાર સાથે પોષણયુક્ત આહાર પૂરો પાડવામાં આવશે.
આ કિસ્સો વન્યજીવ આપત્તિ વિસ્તારો નજીક અદ્યતન સારવાર કેન્દ્રોની જરૂરિયાત દર્શાવે છે. વનતારા દ્વારા
આસામમાં વન્યજીવો અને હાથીઓ માટે ત્રણ વિશેષ પશુચિકિત્સા કેન્દ્રો સ્થાપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેનું સંચાલન આસામ વન વિભાગ કરશે. જોયમોતીનું વનતારા આગમન કાયમી સ્થાનાંતરણ નથી, પરંતુ તેને
જીવતદાન આપવા માટેનું તાત્કાલિક મેડિકલ ટ્રાન્સફર છે.
- Advertisement -
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત ‘વનતારા’ અદ્યતન વિજ્ઞાન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નિષ્ણાતોની મદદથી પ્રાણીઓનું રેસ્ક્યુ, પુનર્વસન અને સંરક્ષણ કરે છે.
વનતારા ખાતે પ્રાથમિકતા જોયમોતીને જીવનરક્ષક સારવાર આપી ઝડપથી સ્વસ્થ કરવાની અને તેને સુરક્ષિત તેમજ સન્માનજનક જીવન પૂરું પાડવાની છે.




