નસરીન મુન્ની કબીર લિખિત ‘Zakir Hussain: A Life in Music’ પુસ્તકમાં શાસ્ત્રીય સંગીતના સુવર્ણ યુગની ગાથા
પરેશ રાજગોર
- Advertisement -
ગુજરાતના ડાયરા કલાકારો બે દશકો જૂના જોક્સ કહી લોકોને હસાવવા પ્રયત્ન કરતાં હોય છે અને આવા જૂના ચવાયેલા જોક્સ ઉપર લોકો પેટ પકડીને હસતા જોવા મળે છે. કારણકે તેમનો શ્રોતા વર્ગ પણ ચાની લારી
ચલાવનારો, પ્લમ્બર કે શેરડીનો રસ વેચવાવાળો હોય છે. આવા ડાયરા કલાકારો બેસૂરા રાગડા ખેંચતા ખેંચતા કેટલીક વિવાદાસ્પદ ટીપ્પણીઓ પણ કરતા હોય છે. જેથી તેમને રોજના છાપાઓમાં મફતની પ્રસિદ્ધિ મળી જાય.
સોશીયલ મિડિયામાં તેમના નામ ઉછળે અને એવા જ શ્રોતાઓનો એમના ચાહકોમાં વધારો થતો જાય.
આજે મારે એવા સેલીબ્રીટીની વાત કરવી છે. જેના દેશવિદેશમાં થતા સંગીતના કોન્સર્ટ જોવા બીજા સેલીબ્રીટી લાઈન લગાવતા. ભારતીય શાસ્ત્રીય સંગીતની દુનિયામાં જ્યારે તબલાંનું નામ લેવામાં આવે છે, ત્યારે સૌપ્રથમ જે
ચહેરો યાદ આવે છે તે છે ઉસ્તાદ ઝાકિર હુસેન. તેમણે માત્ર તબલાંને એક વાદ્ય તરીકે જ નહીં, પરંતુ અભિવ્યક્તિના વૈશ્વિક માધ્યમ તરીકે સ્થાપિત કર્યું. તેમની આંગળીઓમાંથી જન્મતો દરેક તાલ, દરેક લય અને દરેક પ્રસ્તુતિ
સંગીતપ્રેમીઓ માટે એક અનોખો અનુભવ બની રહેતી. તેઓ એવા કલાકાર છે જેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતને વિશ્વના દરેક ખૂણે પહોંચાડવામાં અસાધારણ યોગદાન આપ્યું છે. તેમની વાહ તાજ વાળી ચાની જાહેરાત આજે
ત્રણ દશકો પછી પણ લોકો યાદ કરે છે.
હમણાં નસરીન મુન્ની કબીરનું લખેલું અંગ્રેજી પુસ્તક Zakir Hussain: A Life in Music મારા જોવામાં આવ્યું. આ પુસ્તક તેમની જીવનકથા સ્વરૂપે નથી લખાયું. નસરીન મુન્ની કબીરે ૨૦૧૬-૧૭નાં બે વર્ષના ગાળામાં ઝાકિર હુસેન
સાથે મુંબઈ, લંડન, એન્ટવર્પ જેવાં સ્થળોએ પંદરથી વધુ મુલાકાતો કરી ૩૦-૪૦ કલાક જેટલું રેકોર્ડીંગ કર્યું હતું. આખું પુસ્તક આ વાર્તાલાપને આધારે જ લખાયું છે. આખું પુસ્તક પ્રશ્નોતરી સ્વરૂપે જ છે. નસરીન મુન્ની કબીર
પ્રસ્તાવનામાં સ્વીકારે છે કે કેટલાય પ્રખ્યાત ફિલ્મી કલાકારોના ઇંટરવ્યુ કર્યા હોવા છતાં તેનો ઝાકીર હુસેન સાથે મુલાકાત કરતાં પહેલા ખૂબ જ નર્વસ હતાં. તેમને શાસ્ત્રીય સંગીત અંગે ઊંડુ જ્ઞાન ન હોવા છતાં તેમણે આ
મુલાકાતો પૂર્વે ઘણી તૈયારી કરી હતી.
ઝાકિર હુસેનનો જન્મ એવા પરિવારમાં થયો જ્યાં સંગીત જીવનનો અભિન્ન ભાગ હતું. તેમના પિતા ઉસ્તાદ અલ્લા રખા ભારતીય શાસ્ત્રીય સંગીતના અગ્રણી તબલાવાદકોમાંના એક હતા. ઘરમાં સવારથી સાંજ સુધી રિયાઝ, તાલ
અને સંગીતની ચર્ચા થતી. આવા વાતાવરણમાં ઉછરેલા બાળક માટે સંગીત શીખવું કોઈ અલગ પ્રવૃત્તિ નહોતી. તે તો જીવનનો સ્વાભાવિક હિસ્સો હતું. બાળપણમાં જ ઝાકિર હુસેનમાં અદભૂત સંગીતપ્રતિભાના સંકેતો દેખાવા
લાગ્યા. પરંતુ માત્ર પ્રતિભા પૂરતી નહોતી. તેમના પિતાએ તેમને કઠોર શિસ્ત, નિયમિત અભ્યાસ અને પૂર્ણ સમર્પણનું મહત્વ સમજાવ્યું. કલાકાર બનવાનો માર્ગ પ્રતિભા કરતાં વધુ મહેનતથી બને છે. આ પાઠ તેમને ખૂબ નાની
ઉંમરે મળી ગયો હતો.
ભારતીય શાસ્ત્રીય સંગીતની સૌથી મોટી વિશેષતા ગુરુ-શિષ્ય પરંપરા છે. ઝાકિર હુસેનનું ઘડતર પણ આ જ પરંપરામાં થયું. અહીં માત્ર તાલ અને બોલ શીખવાતા નથી. સાથે સાથે જીવનમૂલ્યો પણ શીખવવામાં આવે છે. ગુરુનો
આદર, નમ્રતા, ધીરજ અને સતત અભ્યાસ, આ બધા ગુણો ઝાકિર હુસેનના વ્યક્તિત્વમાં સ્પષ્ટ જોવા મળતા. તેઓ અનેક પ્રસંગોએ પોતાના પિતાને પોતાના પ્રથમ અને શ્રેષ્ઠ ગુરુ તરીકે હંમેશા યાદ કરતા.
તેમની દરેક સિદ્ધિ પાછળ ગુરુના આશીર્વાદ અને માર્ગદર્શનનો મહત્વપૂર્ણ હિસ્સો રહ્યો. ઝાકિર હુસેન માટે તબલાં માત્ર સંગીતનું સાધન નથી. તેમના માટે તે લાગણીઓ વ્યક્ત કરવાની ભાષા હતી. તેઓ જણાવતા કે તાલ પણ
શબ્દોની જેમ વાત કરી શકે છે. એક સારો તબલાવાદક માત્ર ગતિથી નહીં, પરંતુ સંવેદનાથી પણ વગાડે છે. તેમની પ્રસ્તુતિ સાંભળનારને માત્ર શાસ્ત્રીય સંગીતની સચોટતા જ નહીં, પરંતુ આનંદ, ઉત્સાહ, શાંતિ અને ઊર્જાનો પણ
અનુભવ કરાવે છે. આ જ તેમની કળાની સૌથી મોટી વિશેષતા છે. તેમના સંગીતમાં ભારતીય શાસ્ત્રીય પરંપરાની ઊંડાઈ છે, પરંતુ રજૂઆતમાં વૈશ્વિક દૃષ્ટિકોણ જોવા મળે છે. કદાચ આ કારણસર વિશ્વભરના સંગીતપ્રેમીઓ તેમને
સમાન આદર આપે છે.
- Advertisement -
સફળતા ઘણીવાર માણસને અહંકાર તરફ લઈ જાય છે, પરંતુ ઝાકિર હુસેનનું વ્યક્તિત્વ તેનો અપવાદ છે. વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત મંચો પર પ્રસ્તુતિ આપ્યા પછી પણ તેઓ પોતાને સતત શીખતો વિદ્યાર્થી માનતા હતા. તેઓ
દરેક સંગીતકારનો આદર કરે છે, પછી ભલે તે નવોદિત હોય કે મહાન ઉસ્તાદ. તેમની આ નમ્રતા તેમને માત્ર મહાન કલાકાર જ નહીં, પરંતુ મહાન મનુષ્ય પણ બનાવે છે. આજીવન કોઇ પણ પ્રકારનો વિવાદ આપણને જોવા
મળશે નહીં. આમ, તો તબલાં વાદકોના ફાળે અન્ય સંગીતકારો સાથે તાલ મીલાવવાનું જ આવતું હોય છે. સ્વતંત્ર સંગીતકાર તરીકે તેમને નામના મળવી અઘરી હોય છે. પણ ઝાકીર હુસેન એક એવી પ્રતિભા છે જેમણે વિશ્વના
સંગીતકારો સાથે તાલ મીલાવી ભારતીય સંગીતનું નામ વિશ્વમાં ગાજતું કર્યું છે. પોતાના સંગીત વારસાને આગળ ધપાવવા તેમણે અનેક યુવાનોને સંગીત શિખવા માર્ગદર્શન પણ આપ્યું. ડિસેમ્બર ૨૦૨૫માં તેમનું અવસાન થયું
હતું. ભારતીય સંગીતના આ અણમોલ સિતારાએ પોતાની આત્મકથા તો લખી હોય એવું મારા ધ્યાનમાં નથી. પણ તેમના જીવન પરનું આ પુસ્તક લોકોએ ખાસ વાંચવુ રહ્યું.




