શ્રાવણ માસના પ્રથમ સોમવારે યોજાશે ઐતિહાસિક અને ભવ્ય ધાર્મિક કાર્યક્રમ
પવિત્ર શ્રાવણ માસના આગમન સાથે રાજકોટ શહેરમાં શિવભક્તિ અને ધાર્મિક ભાવનાનો અનોખો માહોલ સર્જાવા જઈ રહ્યો છે. રાજકોટના ગ્રામદેવતા તરીકે પૂજનીય સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં ત્રિપાંખ સાધુ સમાજ, રાજકોટ દ્વારા એક ઐતિહાસિક અને ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા એકસાથે ૧૧ ધ્વજા સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવના શિખર પર ચડાવવામાં આવશે. ત્રિપાંખ સાધુ સમાજના વિવિધ પાંખો એટલે કે રામાનંદી સાધુસમાજ, અતીત સાધુસમાજ, માર્ગી સાધુસમાજ એકસાથે જોડાઈને આ પ્રકારનો ધાર્મિક કાર્યક્રમ યોજી રહ્યા છે, જે સમાજના ઈતિહાસમાં પ્રથમ વખત બનનાર વિશેષ પ્રસંગ હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે.
- Advertisement -
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે તા. ૧૭-૮-૨૬ બપોરે ૩-૦૦ કલાકે કાર્યક્રમનો પ્રારંભ થશે. બડા બજરંગ હનુમાનજી મહારાજના મંદિર, રામનાથપરા ખાતેથી ત્રિપાંખ સાધુસમાજના સંતો-મહંતો, સાધુ-સંતો, સેવકો તથા શિવભક્તો પરિવાર સાથે એકત્રિત થઈને વાજતેગાજતે, હર્ષ અને ઉલ્લાસભેર સ્વયંભૂ રામનાથ મહાદેવના ધામ તરફ પ્રસ્થાન કરશે. મહાદેવના શિખર પર એકસાથે ૧૧ ધ્વજા ચડાવવામાં આવશે. આ ઐતિહાસિક આ સમગ્ર ધાર્મિક યાત્રા દરમિયાન ભક્તિમય વાતાવરણ વચ્ચે ભગવાન શિવની આરાધના કરવામાં આવશે. ત્યારબાદ ધાર્મિક વિધિવિધાન અને ભક્તિભાવ સાથે સ્વયંભૂ શ્રી રામનાથ પ્રસંગે મોટી સંખ્યામાં શિવભક્તો તથા સાધુસંતોની ઉપસ્થિતિ રહેવાની અપેક્ષા છે.
આ પ્રસંગે સ્વયંભૂ રામનાથ મહાદેવના મહંત પરિવારનું ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવશે. રામનાથ મહાદેવની પરંપરા, સેવા અને ધાર્મિક વારસાને સન્માનિત કરવાનો આ પ્રસંગ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની રહેશે. આ ભવ્ય ધાર્મિક આયોજનમાં રામાનંદી અતીત માર્ગી સાધુસમાજ તેમના સેવકગણ, સંતો-મહંતો, મંદિરના પૂજારીઓ, સેવકો, સામાજિક અગ્રણીઓ તેમજ શિવભક્તોને વિશેષ ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો આ ધાર્મિક પ્રસંગમાં જોડાઈ તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે. આ પ્રસંગે ત્રિપાંખ સાધુસમાજના સંતો-મહંતો ઉપરાંત વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, મંદિરના પૂજારીઓ અને સેવકો, સામાજિક આગેવાનો તેમજ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ રહેશે.
ત્રિપાંખ સાધુસમાજના આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ સમાજની એકતા, ધાર્મિક પરંપરાનું જતન અને ભગવાન શિવ પ્રત્યેની અખંડ શ્રદ્ધાને વધુ મજબૂત કરવાનો છે. એકસાથે ૧૧ ધ્વજા ચડાવવાનો આ અવસર રાજકોટના ધાર્મિક અને આધ્યાત્મિક ઈતિહાસમાં યાદગાર બની રહે તેવી ભાવના આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજરોજ ‘ખાસ-ખબર’ કાર્યાલયે ચેતનભાઈ ગોંડલીયા, એસ. એસ. ગોસાઈ, ગૌતમભાઈ ગોસ્વામી, જીજ્ઞેશભાઈ રામાવત, અનંતભાઈ નેનુજી, ઉજસભાઈ દેસાણી, સંજયગિરિ ગોસ્વામી વગેરે આવી કાર્યક્રમની વિગત આપી હતી.




