હિરાસર એરપોર્ટ તરફના માર્ગ પર વધતી અવરજવર વચ્ચે ટોલનાકું શરૂ થયા બાદ ટ્રાફિક સમસ્યા વધશે
રાજકોટથી હિરાસર એરપોર્ટ તરફ જતા માર્ગ પર ટોલનાકું હજુ શરૂ પણ નથી થયું તે પહેલાં જ ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે ટોલનાકું કાર્યરત થયા બાદ વાહનોની લાઇનો અને ટ્રાફિકનું ભારણ વધવાની શક્યતા વચ્ચે રાજકોટવાસીઓ હવે જાગે તે જરૂરી છે. ખાસ કરીને હિરાસર એરપોર્ટ તરફ જતા મુસાફરો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓને ભવિષ્યમાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેવી સ્થિતિ ઉભી થશે. સ્થાનિક લોકોનો સવાલ છે કે હાલ ટોલનાકું શરૂ પણ થયું નથી અને અત્યારે જ જો આટલો ટ્રાફિક જોવા મળી રહ્યો છે તો ટોલ વસૂલાત શરૂ થયા બાદ વાહનોની અવરજવર અને ટ્રાફિક વ્યવસ્થાની સ્થિતિ કેવી રહેશે? ટોલનાકા પર વાહનો રોકાશે, ટોલ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે અને તેના કારણે ટ્રાફિકની ગતિ ધીમી પડશે તો એરપોર્ટ જતા મુસાફરો માટે સમયસર પહોંચવાનો પ્રશ્ન પણ ઊભો થઈ શકે છે.
- Advertisement -
હિરાસર એરપોર્ટ રાજકોટથી થોડે અંતરે હોવાથી એરપોર્ટ પહોંચવા માટે મુસાફરો અગાઉથી સમયનું આયોજન કરે છે. પરંતુ રસ્તા પર ટ્રાફિક જામ સર્જાય અથવા ટોલનાકા પાસે વાહનોની લાંબી લાઇનો લાગે તો મુસાફરોને એરપોર્ટ પહોંચવામાં વિલંબ થઈ શકે છે. પરિણામે મહત્વની ફ્લાઇટ ચૂકી જવાની પણ શક્યતા ઊભી થશે. સ્થાનિક લોકોનું કહેવું છે કે એરપોર્ટ તરફ જતા માર્ગ પર ટ્રાફિકનું યોગ્ય આયોજન કરવામાં નહીં આવે તો મુસાફરો માટે આ સમસ્યા રોજિંદી બની શકે છે. એક તરફ ફ્લાઇટના સમયનું દબાણ અને બીજી તરફ ટોલનાકા પર વધતી વાહનોની લાઇનો મુસાફરોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. આ મુદ્દે સંબંધિત નેતાઓ અને તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી. લોકોનું કહેવું છે કે માત્ર રજૂઆતો પૂરતી નથી, પરંતુ સ્થળ પરની વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કરીને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવું પણ તેટલું જ જરૂરી છે. રાજકોટવાસીઓને જાગૃત થવા અપીલ કરતા સ્થાનિક લોકોનું કહેવું છે કે આ મુદ્દે અત્યારે જ અવાજ ઉઠાવવાની જરૂર છે. ટોલનાકું શરૂ થયા બાદ સમસ્યા ગંભીર બનશે.




