સિધ્ધાર્થ રાઠોડ : પરિપ્રેક્ષ્ય
પ્રસ્થાન : સૌથી બહાદુર એવા જીવને પણ ચાલકી અને કિસ્મત સામે નમવું પડે છે : ઑડિસિયસ
- Advertisement -
પુરાણું એટલે બહુ જૂનું, પ્રાચીન કે ઇતિહાસ શરૂ થતો હોય તેના કરતાં પણ પહેલાનું. ભારત હોય કે વિદેશ લોકોને પૌરાણિક કથાઓ હમેશા આકર્ષે છે. હાલમાં જ હોલિવૂડના લબ્ધપ્રતિષ્ઠિત સર્જક ક્રિસ્ટોફર નોલાને ગ્રીક મહાકવિ હોમરના મહકાવ્ય ઓડિસી પરથી બનાવેલી ફિલ્મ રીલીઝ થઈ અને ભૂતકાળની અમુક યાદો તાજી થઈ તો પહેલા તેને વાગોળીએ. નાનપણમાં પપ્પાએ ચાંદામામા વાંચવાની ટેવ પડાવેલી કે જેથી કરીને સત્વશીલ બાળસાહિત્ય પણ નજરમાં રહે, બાકી હું મોટેભાગે કોમિક્સ જ વાંચતો. હવે એ સમયથી લઈને તે બંધ થયું સુધી ચંદામામામાં ધારાવાહિક વાર્તાઓ આવતી રહી હતી. એ સમયે મહાભારત, ગણેશપુરાણ, વિક્રમ વેતાળ જેવી સિરીઝોની હારોહાર એક બીજી શ્રેણી ઓન આવતી કે જે મને ત્યારે બહુ ગમતી – રૂપધરની યાત્રાઓ. ત્યારે કટકે કટકે તે બહુ વાંચી અને મને બહુ મજા પડી પણ બધા અંકો તો મારી પાસે થોડા હોય! થોડા મોટા થયા પછી જયારે પુસ્તકો વસાવવાનું શરૂ કર્યું ત્યારે મનમાં બહુ પ્રશ્ન થતો કે આ રૂપધર એટલે કોણ? ગ્રીક કથા હતી અને તેની પહેલા ભુવન સુંદરી નામે અન્ય એક ગ્રીક કથાની શ્રેણી આવતી એ ખબર પણ તેની મૂળ કથા વિશે કંઈ ખબર નતી.
એકવાર બક્ષીનો લેખ વાંચીને ખબર પડી કે ગ્રીક પુરાણોમાં એક ઓડિશિયિસ નામે એક યોદ્ધા આવે છે કે જે ટ્રોઝન યુદ્ધમાં લડવા માટે ઘરેથી નીકળી ત્યારે જ ભવિષ્યવાણી થાય કે તે હવે ૨૦ વર્ષ પછી જ ઘરે આવશે. હવે આ વાત વાંચીને દિમાગમાં બત્તી જલી કે આ વાતતો પેલા રૂપધરની યાત્રાઓમાં પણ વાંચી હતી. તે યોદ્ધા વિશે પણ એ જ પ્રોફેસી થઈ હોય છે. પછી આખું ચિત્ર સ્પષ્ટ થયું કે જે ભુવન સુંદરી શ્રેણી તેની પહેલા આવતી તે ઇલિયડ અને તેના બાદ રૂપધરની યાત્રાઓ એટલે ઓડિસી. બંને મહાકાવ્ય હોમરે રચેલા હતા.
સિંદબાદની સાત સફર તો પછી આવી. તેની પહેલા ઓડિશિયસ હતો કે જે અજીબોગરીબ જગ્યાઓએ ફંસાઈ જઈને પછી પોતાના સાહસ, બુદ્ધિ અને કુશળતાનો ઉપયોગ કરીને આબાદ બચી નીકળતો. એક આંખવાલો દૈત્ય સાઈક્લોપ્સ, નાગકન્યાઓ, વિચિત્ર આદિવાસીઓ આ બધા વિશે વાંચવાની મજા બહુ આવી છે.
- Advertisement -
હવે વાત કરીએ ફિલ્મની તો તે કેવી બની છે. ફિલ્મનું ટ્રેલર આવ્યું ત્યારનો બધાએ ઉપાડો લીધો હતો કે નોલાને વોક ફિલ્મ બનાવી છે. હેલન ઓફ ટ્રોય તરીકે અશ્વેત એક્ટ્રેસ લુપિતા ન’યોનગોએ રાખી. ટોમ હોલેન્ડ, ઝેન્ડેયા જેવા કલાકારોને રાખ્યા. ફિલ્મ જોયા બાદ એટલું સમજાય છે કે કોઈ ગમે એટલી દલીલ કરે પણ આખરે સર્જકને પોતાની રીતે સર્જન કરવાની સ્વતંત્રતા છે જ. હ, અમુક વાંધા ખૂંચ્યા ખરા – જેમ કે નોલાને બહુ લાંબી વાર્તાને ૩ કલાકની ફિલ્મમાં પરોવવા ઘણી કાપણ કૂંપણ કરી તો અમુક જગ્યાએ ફાલતુ ખેંચી એવું લાગ્યું. આમ તો ૨ કે ૩ ફિલ્મ બનાવી હોત તો સારું હતું. ત્યારે કદાચ આ આ મહાકથાને ન્યાય આપી શકાત. બીજું એ કે નોલાન પોતાની ફિલ્મોમાં ફિલસૂફી ગૂંથવા માટે જાણીતો છે તો આમાં તેનું ફોકસ પણ એ જ વાત પર લાગ્યું પણ એ કરવામાં ફેટેસીના તત્વનો ભોગ લેવાઈ ગયો. સાયકલોપસ દૈત્ય હોય કે નાગના માથા જેવા સ્કાયલ્સ હોય બધુ ગાંધીવાદી સાહિત્યની જેમ નીરસ ભાસે છે. આપણી અંદરના એક બાળકને જે ઉત્કંઠા હોય તેની પરિપૂર્તિ ન થઈ. પોતાની સિગ્નેચર નોન લિનિયર સ્ટોરીલાઇન ચલાવવામાં સામાન્ય દર્શક કે જે સોર્સ મટિરિયલથી અજાણ હોય તેને સમજાય નહીં એવી ફિલ્મ બનાવી નાંખી. સંક્ષિપ્ત કરવાના લીધે ઘણા મજાનાં પ્રસંગો છૂટી ગયા. જોકે, તેની સામે ફિલ્મમાં ઘણા સારા પસાઓ છે જેમ કે મેટ ડેમનની એક્ટિંગ, સીનેમાટોગ્રાફી અને સૌથી જોરદાર લુડવીગ ગોરાનસનનું સંગીત. ઘણા બધા પ્રસંગો મોટા પડદે જોવા ગમે એવા નિરૂપેલા છે. કૂલ મિલાકે સાવ ખરાબ અને અતિ ઉત્તમની વચ્ચે રહે એવી આ કૃતિ છે કે જે મોટા પડદે જોવી જોઈએ.
પૂર્ણાહતિ : ગ્રહો ક્યારેય જૂઠું નથી બોલતા પણ તેમના આધારે બોલનારા (વરતારો કરનારા) નજૂમીઓ જૂઠું બોલે ખરા. -હોમર




