ધ્રાંગધ્રામાં બે કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ
સુરેન્દ્રનગરના નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
- Advertisement -
લખતરના 4થી વધુ ગામો સંપર્કવિહોણાઃ ખેડા પાણી-પાણી
ખાસ-ખબર ન્યૂઝ । રાજકોટ
આજે સવારે ૬થી ૧૨ વાગ્યા સુધીમાં ગુજરાતના ૨૦૦ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરના વઢવાણમાં ૬.૧૮ ઇંચ તો છેલ્લી બે કલાકમાં ધાંગધ્રામાં ૪.૪૧ ઈંચ વરસાદ ખાબક્યો છે. લખતરમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. લીલાપુર ગામમાં એકબાજુ ઉમઈ નદીના પાણી અને બીજી તરફ રેલવે અંડરવિજ પાણીમાં ગરકાવ થઈ જતાં સંપર્કવિહોણું બન્યું છે. લીલાપુર ગામ મુખ્ય માર્ગ પર હોવાથી માર્ગ બંધ થતાં આગળ આવેલા કારેલા, ઇંગરોળી અને સવલાણા સહિતના ગામોનો પણ તાલુકા મથક લખતર સાથેનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે.
- Advertisement -
આજે અમદાવાદ-રાજકોટ સહિત ૬ જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી-ગાંધીનગર સહિત ૧૧ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને જૂનાગઢ, વડોદરા, સુરત સહિત ૧૩ જિલ્લામાં યલો એલર્ટ જારી કરાયું છે. માછીમારોને ૧ અને ૨ ઓગસ્ટએ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
રાજકોટ શહેરમાં માત્ર બે ઈંચ વરસાદ વરસતા શહેરના પોપટપરા વિસ્તારમાં આવેલ ગરનાળામાં પાણી ભરાવવાની શરૂઆત થઇ ચુકી છે. ગરનાળામાં પાણી ભરાવાની સાથે જ ગરનાળું તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે અને પોલીસ તેમજ મનપા સ્ટાફને ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યો છે. બન્ને તરફથી ગરનાળું બંધ કરી દેવામાં આવતા રેલનગર, પોપટપરા, રેફ્યુજી કોલોની, અડિયાપરા વિસ્તારના ૫૦,૦૦૦ જેટલા લોકોને અવરજવર કરવામાં અસર પહોંચી શકે છે અને તેઓને ફરીને એક તરફથી બીજી તરફ અવરજવર કરવી પડે છે. વર્ષો જૂની આ વિસ્તારની સમસ્યા છે અને નજીવા એકથી બે ઇંચ વરસાદમાં જ ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
લાલપરી ડેમ 90% ભરાયો
રાજકોટમાં વરસાદથી પાણીની આવક વધતાં રાજકોટ તાલુકા પાસે આવેલો લાલપરી ડેમ ૯૦ ટકા ભરાઈ ગયો છે. ડેમ પૂર્ણ સપાટીએ ભરાય કે ડેમમાં જળસ્તર જાળવી રાખવા માટે નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના જારી કરવામાં આવી છે. આ સાથે રાજકોટ તાલુકાના નવાગામ અને બેડી ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે. ડેમની પૂર્ણ જળસપાટી ૧૩૭.૪૬ મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર ૧૩૭.૧૬ મીટર છે. ડેમમાં હાલ કુલ જળજથ્થો ૪.૬ ઘનમીટર છે. ડેમમાં નીરની આવક ૪૭૪ ક્યુસેક છે અને જાવક નથી.
વાલીયાના સોડગામમાં 70થી વધુ લોકોનું રેસ્ક્યુ
ભારે વરસાદના કારણે વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સોડગામ ખાતે પૂરની વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં ગામના ૭૦ થી વધુ લોકો પાણી વચ્ચે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે ત્વરિત કામગીરી હાથ ધરીને તમામ ફસાયેલા ગ્રામજનોને સલામત રીતે પૂરના પાણીમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડયા હતા.
નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા, નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા
સુરેન્દ્રનગરના નાયકા ડેમમાં ૨૨,૬૬૬ ક્યુસેક પાણીની નવી આવક થતાં ડેમના ૧૦ દરવાજા ૧.૮૨ મીટર સુધી ખોલવામાં આવ્યા છે, જેમાંથી હાલ ૨૦,૦૦૦ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા ડેમના નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના ગામોના લોકોને સાવચેત તેમજ સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું કે, ચોટીલા તાલુકામાં જાંબુરી નદી પર આવેલ ત્રિવેણી ઠાંગા ડેમ હાલ ૭૦ ટકા ભરાઈ ગયો છે અને હાલમાં ડેમમાં ૧૨૨ ક્યુસેક પાણીની આવક ચાલુ છે. પરિસ્થિતિ પર વહીવટી તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. જેના પગલે ડેમના નીચાણવાસમાં આવેલા ડાક વડલા, રામપરા, ખાટડી, શેખલીયા, લામાંકોટડી, મેવાસા અને ભારવણ ગામોના રહેવાસીઓએ સાવચેત રહેવું, નદીના પટમાં જવાનું ટાળવું તથા સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું. પરિસ્થિતિમાં કોઈપણ ફેરફાર થશે તો તાત્કાલિક જાણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
ખેડાના વસોમાં 17 ઇંચ વરસાદથી તારાજીઃ બજારો-ઘરોમાં પાણી ઘૂસ્યા
ખેડા જિલ્લાના વસો તાલુકામાં ખાબકેલા ૧૭ ઇંચ અતિભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો છે. મુશળધાર વરસાદથી ગામનું મુખ્ય બજાર, વેપારી મથકો, કાછિયા પટેલની પોળ, ઇન્દિરા નગરી અને ખરી કુઈ જેવા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઘરો અને દુકાનોમાં ઊંડાણ સુધી પાણી ઘૂસી જતાં દૈનિક જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સુરક્ષાના ભાગરૂપે ગ્રામ પંચાયતમાં રાખવામાં આવેલા ખાતરના જથ્થાને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો છે. પાણીના નિકાલ માટે યોગ્ય કાંસનો અભાવ હોવાથી સર્જાયેલી આ વિકટ સ્થિતિ વચ્ચે તંત્રનો કોઈ પણ પ્રતિનિધિ સ્થળ પર ન પહોંચતાં સ્થાનિકો અને વેપારીઓમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. વેપારી મયુરભાઈ કાછીયાએ જણાવ્યું હતું કે દુકાનોમાં પાણી ભરાવાથી કિંમતી માલસામાન પલળી જતાં વેપારીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. સ્થાનિકોએ તંત્ર પાસે કાયમી ઉકેલ રૂપે ખુલ્લા કાંસ બનાવવાની અને વહેલી તકે પાણી નિકાલ કરવાની માંગ કરી છે.



