જુલાઇ મહિનામાં રાજકોટમાં 5 હત્યા, 33 આત્મહત્યા અને અકસ્માતમાં 19 મૃત્યુ
કાયદો તો કાયદાનું કામ કરે છે, લોકોએ સ્વયં જાગવું પડશે
- Advertisement -
આપણે સામાન્ય રીતે કોઈપણ હોનારત કે કરૂણાંતિકા બાદ -આંગળીઓ સીધી પોલીસ સ્ટેશન, કોર્પોરેશન કે સરકાર તરફ ચીંધી દઈએ છીએ, સિસ્ટમ ખરાબ છે, કાયદો-વ્યવસ્થા કથળી ગઈ છે, સામેવાળા બરાબર નથી, સમય સારો નથી વગેરે જેવા બહાનાઓ હેઠળ આપણે આપણી પોતાની જવાબદારીમાંથી છટકવા માટે ટેવાયેલા છીએ. રાજકોટના તાજેતરના કેટલાક આંકડા જુઓ તો સમજાશે કે આ વખતે સવાલ સિસ્ટમ કે સમાજ સામે કરવાનો નથી, સવાલ આપણે અરીસામાં જોઈને આપણને સ્વયંને પૂછવાનો છે.
જુલાઈ મહિનો રાજકોટ માટે માત્ર વરસાદી માહોલ લઈને ન આવ્યો પણ એક ભયાનક આંસુનો દરિયો લઈને આવ્યો. એક જ મહિનામાં ૫ હત્યા, ૩૩ આત્મહત્યા અને અકસ્માતમાં ૧૯ એમ કુલ મળી ૫૦થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા! આ આંકડો માત્ર એક સરકારી ચોપડે નોંધાયેલી સંખ્યા નથી, ૫૦થી વધુ ઘરોના બુઝાઈ ગયેલા ચિરાગ છે. ક્ષણભર રોકાઈને વિચારવા જેવી વાત એ છે કે આમાંથી કેટલી ઘટનાઓ માટે તંત્ર જવાબદાર છે?
૩૩ આત્મહત્યાઓ! કોઈ માણસ જ્યારે પોતાની જીવનલીલા સંકેલી લેવાનું નક્કી કરે છે ત્યારે એ વ્યવસ્થા-વહીવટથી નથી હારતો, એ પોતાની આસપાસના સંવેદનહીન વ્યવહારથી હારે છે. આપણે એટલા બધા સ્વાર્થી અને દોડધામવાળા બની ગયા છીએ કે બાજુના રૂમમાં કે પડોશમાં રહેતો માણસ કયા તણાવમાંથી પસાર થઈ રહ્યો છે એ પૂછવાની આપણી પાસે ફુરસદ નથી. આજે એક કપ ચા સાથે પીને માણસ માણસને સાંભળે એટલી માનવતા કરમાઈ ગઈ છે.
- Advertisement -
૧૯ અકસ્માતો! હેલ્મેટ ન પહેરવું, રોંગ સાઈડમાં વાહન ચલાવવું, ઓવરસ્પીડિંગ કરવું કે ટ્રાફિક સિગ્નલ તોડવું – આમાં સિસ્ટમ ક્યાં વાંકમાં છે? રોડ પર કાયદો પાળવો એ નાગરિક તરીકે આપણી પ્રાથમિક ફરજ છે, પણ આપણે તો નિયમો તોડવામાં જ બહાદુરી સમજીએ છીએ. પરિણામ? ક્ષણિક ઉતાવળ કે બેદરકારીમાં રાહદારીને અડકેટે લેતા કેટલાય પરિવારો અનાથ થઈ જાય છે. અને મર્ડર? વાતે-વાતે ઉશ્કેરાઈ જવું, સહનશક્તિનો અભાવ અને ક્રોધ પરનો કાબૂ ગુમાવી દેવો – આ માનસિકતા કોઈ કડક નિયમના અમલથી બદલાઈ શકાતી નથી. સત્ય બહુ કડવું છે કે વ્યવસ્થા નથી કથળી, આપણી અંદરની માનવતા મરી પરવારી છે. આપણે એક એવા સમાજનું નિર્માણ કરી રહ્યા છીએ જ્યાં ભૌતિક વિકાસ તો થાય છે પણ સંવેદનાઓનો વિનાશ થઈ રહ્યો છે. રોડ સારા બની રહ્યા છે, પણ ડ્રાઈવિંગ સેન્સ શૂન્ય થતી જાય છે. સોશિયલ મીડિયા પર હજારો ‘ફ્રેન્ડ્સ’ છે, પણ દિલનો બોજ હળવો કરવા માટે એક સાચો મિત્ર નથી. આ સમય સિસ્ટમ પર કાદવ ઉછાળવાનો કે બ્લેમ-ગેમ રમવાનો નથી. આ સમય ગંભીર આત્મખોજ કરવાનો છે. આપણે આપણાં બાળકોને કેવા સંસ્કાર આપી રહ્યા છીએ? આપણે આપણા પરિવાર અને મિત્રો સાથે કેટલા સંવેદનશીલ છીએ? આપણે રોડ પર ચાલતી વખતે કેટલા જવાબદાર છીએ? જો આપણે આજે પણ નહીં જાગીએ અને આપણી આંતરિક માનવતાને ફરીથી નહીં ઝંઝોળીએ તો મહિને-દહાડે કેવળ સરકારી ચોપડે આંકડા બદલાશે, આ કરૂણ વાસ્તવિકતા નહીં. રાજકોટને માત્ર સારા રોડ કે પોલીસ બંદોબસ્તની જરૂર નથી. રાજકોટને અને આપણને સૌને એકબીજા માટે થોડી પ્રેમ – ધીરજ સંવેદના ધરાવતા માણસ બનવાની સૌથી વધુ જરૂર છે.
આ સમય કેવો છે?
દરેક ઘટના પછી સમાજનો એક વર્ગ તરત જ વ્યવસ્થા સામે આંગળી ચીંધવાનું શરૂ કરે છે. સરકાર શું કરી રહી છે? પોલીસ શું કરી રહી છે? તંત્ર ક્યાં છે? આવા પ્રશ્નો ઉઠે છે. સવાલ ઉઠાવવાનો અધિકાર દરેક નાગરિકને છે છતાં આ વખતે કદાચ સવાલ તંત્રને નહીં. પોતાને પૂછવાનો સમય છે. વાંધો એ છે કે આપણે દરેક ઘટનામાં જવાબદાર કોઈ બીજાને શોધીએ છીએ. પોતાના વર્તન, પોતાના નિર્ણયો અને પોતાની જવાબદારી વિશે વિચારવા તૈયાર નથી. સમાજનું સ્વાસ્થ્ય માત્ર હોસ્પિટલોથી સારું થતું. નથી. સમાજનું સ્વાસ્થ્ય માણસની નેક કરની-કથનીથી સારું થાય છે. આ સમય આત્મચિંતનનો છે. પોતાના ઘર-પરિવારને વધુ સમય આપવાનો છે. પોતાના મિત્ર-સગાની વાત સાંભળવાનો છે. ગુસ્સા-ગાળો પર નિયંત્રણ રાખવાનો અને સંતોષ-ધીરજ કેળવાનો છે. રસ્તા પર જવાબદારીપૂર્વક વાહન ચલાવવાથી લઈ સંબંધોમાં સત્યનિષ્ઠાના માર્ગ પર ચાલવાનો છે. જીવન પ્રત્યે આદરભાવ કેળવવાનો છે.




