શૈલેષ સગપરિયા : શૈલવાણી
હીરાનો વેપાર કરનારા એક ભાઈનું અકસ્માતમાં મૃત્યુ થયું. ધંધામાં ખોટ જવાના કારણે કુટુંબની સ્થિતિ બહુ સારી નહોતી અને પરિવારમાં બીજું કોઈ નહીં, આ મૃત્યુ પામનાર ભાઈની પત્ની અને એક ૭-૮ વર્ષની ઉંમરનો દીકરો એમ બે જ વ્યક્તિ. કુટુંબના નિભાવની તમામ જવાબદારી આ વિધવા પર આવી પડી. એણે પોતાના પતિનો અંગત કબાટ તપાસવાનું શરૂ કર્યું. એ આશાએ કે કદાચ કંઈક એવું છુપાવીને રાખ્યું હોય, જેનાથી પરિવાર સરળતાથી ચલાવી શકાય. કબાટ ફંફોસતા એક બહુ મોટું પેકેટ મળ્યું. ખોલ્યું તો આનંદનો પાર નહીં. એકદમ ચળકતા હીરા હતા. એ પેકેટ મળતા પેલા બેન પતિની વિદાયનો વિયોગ પણ ભૂલી ગયા. એમણે વિચાર્યું કે, આ કિંમતી હીરા જો બીજાને આપીશ તો કદાચ મને છેતરીને પૂરતા નાણાં નહીં આપે. મારો સગો ભાઈ પણ હીરાનો વેપાર કરે છે, તો આ હીરા એને જઈને જ વેચું. બાળકને સાથે લઈને એ વિધવા બાઈ પોતાના ભાઈના ઘેર ગઈ અને ભાઈને બધી જ વાત કરીને કહ્યું, જો ભાઈ, આ કિંમતી હીરાનું કેવડું મોટું પેકેટ છે. હવે આખી જિંદગી મારે શાંતિ. ભાઈ, આ પેકેટ વેચીને તું મને રકમ લાવી આપ.
- Advertisement -
ભાઈએ કહ્યું. બહેન. આ હીરા ખૂબ કિંમતી છે. અત્યારે નથી વેચવા. ભાણાને મોટો થવા દે. અત્યારે તું ઘર ચલાવાવાની ચિંતા ન કર. હું મદદ કરીશ અને ભાણાને પણ મારી સાથે રાખીને હીરાના વેપારમાં નિષ્ણાત બનાવીશ. ભાણો પૂરેપૂરો તૈયાર થઈ જાય પછી આપણે આ હીરા વેચશું. ત્યાં સુધી તું એને સાચવીને તારી પાસે જ રાખ અને આ બાબતની ભાણાભાઈને ક્યારેય વાત ન કરતી. પેલી બેન હીરા પાછા લઈને રાજી થતી જતી રહી.
ઘણાં વર્ષો પસાર થયાં હવે પેલો ૭-૮ વર્ષનો નાનો બાળક ૨૧ વર્ષનો ફટડો યુવાન બની ગયો હતો. એના મામાએ હીરાની પરખ કરવામાં ભાણાને ખૂબ મોટો નિષ્ણાત બનાવ્યો હતો. એક દિવસ મામા ભાણાભાઈના ઘેર ગયા. ભાણાભાઈને કહ્યું, બેટા તારી માએ તારા પિતાની અમૂલ્ય મૂડી સાચવીને રાખી છે. આજે એ મૂડી તને આપવી છે. પછી પોતાની બહેનને કહ્યું, બહેન, પેલા હીરા લઈ આવ અને ભાણાને આપ. વિધવા બહેન ઘરમાં જઈને વર્ષોથી સાચવી રાખેલા હીરાનું પેકેટ લાવી અને આનંદ સાથે પોતાના યુવાન દીકરાના હાથમાં મૂક્યું. છોકરાએ પેકેટ ખોલ્યું. હીરા હાથમાં લઈને જોયા અને પછી ફળિયામાં ફેંકી દીધા. એની મા તો જોતી જ રહી. માંડ એટલું બોલી શકી, બેટા, આ શું કર્યું ?
છોકરાએ કહ્યું, અરે મા, આ હીરા નહીં માત્ર કાચના ટુકડા છે. જેની કિંમત કોડીની પણ નથી. બહેને પોતાના ભાઈની સામે જોઈને કહ્યું. આ શું બકવાસ કરે છે ? ત્યારે ભાઈએ કહ્યું, બહેન, એ બિલકુલ સાચું કહે છે. તેં મને પેકેટ બતાવ્યું ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે આ કાચના ટુકડા છે. પણ મેં ત્યારે તને એમ કહ્યું હોત તો તને એમ થાત કે મારા ભાઈને મારા હીરા પાણીના ભાવે પડાવી લેવા છે;
- Advertisement -
માટે આમ કહે છે. એટલે મેં યોગ્ય સમયની રાહ જોઈ. દરેક વાત કહેવાનો એક યોગ્ય સમય હોય છે. સત્ય વાત પણ જો અયોગ્ય સમયે કહેવામાં આવે તો સંબંધો તૂટવાની શક્યતાઓ પૂરેપૂરી છે.
સમય સૌથી બુદ્ધિમાન સલાહકાર છે. – પેરિક્લિસ




