રાજકોટના શીતલ પાર્ક ખાતે ધમધમતાં પ્રાઈવેટ મેળામાં વગર મંજુરીએ જીવલેણ રાઈડ્સ પણ શરૂ
લાગવગીયાઓના હાથીને હાથી સોઈના નાકામાંથી પસાર થઈ જાય છે, સામાન્ય માનવીનું પૂંછડું પણ અટકી જાય છે…
- Advertisement -
સૌરાષ્ટ્રનાં લોકપ્રિય તહેવાર જન્માષ્ટમી પૂર્વે રાજકોટમાં ખાનગી મેળાઓના આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ TRP ગેમઝોન અગ્નિકાંડની ભયાનક દુર્ઘટના બાદ પણ વહીવટી તંત્રના વલણમાં કોઈ ગંભીરતા જોવા મળતી નથી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી કડક એસઓપી અને પોલીસ કમિશનર દ્વારા રચાયેલી ૧૩ સભ્યોની સિટી રાઇડ્સ સેફ્ટી અને ઇન્સ્પેક્શન કમિટીની
ગ્રાઉન્ડ ચકાસણી કે સકારાત્મક અભિપ્રાય વગર કોઈને મંજૂરી ન આપવાનો કડક નિયમ કર્યો હોવા છતાં કેટલીયે જગ્યાએ તેનો સરેઆમ છેદ ઉડી રહ્યો છે. હાલની સ્થિતિએ શહેરના એક પણ ખાનગી મેળાને સત્તાવાર મંજૂરી આપવામાં આવી નથી, તેમ છતાં શીતલ પાર્ક ચોક ખાતે કોઈપણ જાતના ડર વગર ‘રોયલ મેળો’ ધમધમતો જોવા મળ્યો હતો.
રાજકોટના શીતલ પાર્ક ચોકમાં આવેલા રોયલ મેળામાં નિયમોને નેવે મૂકીને ₹૧૦૦ની પ્રવેશ ટિકિટ વસૂલી બાળકોની રાઈડ્સ, વોટર ફોલ, જલપરી શો અને રમકડાંના સ્ટોલ જેવા આકર્ષણો બેરોકટોક ચલાવવામાં આવી રહ્યા હતા. અહીં સૌથી મોટો સવાલ એ છે કે, જો રાજકોટમાં એકપણ મેળાને હજુ સત્તાવાર મંજૂરી જ મળી નથી તો લોકો પાસેથી પ્રવેશ ફી વસૂલીને વ્યવસાયિક પ્રવૃત્તિ કેવી રીતે શરૂ થઈ ગઈ? મંજૂરી વિના આટલા મોટા પાયે મેળો શરૂ થઈ ગયો છતાં સ્થાનિક પોલીસ કે વહીવટી તંત્રને તેની જાણ કેમ ન થઈ તે બાબત તંત્રની શંકાસ્પદ કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરે છે. સેફ્ટી સર્ટિફિકેટ વગર હજારો લોકોના જીવ જોખમમાં મૂકતા આ ગેરકાયદે મેળાઓ સામે કડક ફોજદારી કાર્યવાહી કરવામાં નહીં આવે તો શું તંત્ર ફરી કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું હતું કે શું તેવો રોષ શહેરીજનોમાં ફેલાયો છે.
રાજકોટમાં એકપણ મેળાને મંજુરી અપાઈ નથી: PI વાછાણી
‘ખાસ-ખબર’ દ્વારા લાયસન્સ શાખાના પીઆઈ વાછાણીનો સંપર્ક કરવામા આવતા તેઓએ જણાવ્યું હતું કે, પોલીસ કમિશનરના માર્ગદર્શનમાં ૧૩ સભ્યોની કમિટીની મંજૂરી વિના એકપણ મેળો શ= ન થઈ શકે. હજુ ખાનગી મેળાનાની મંજૂરીઓ અંડરપ્રોસેસ છે. તમામ ચકાસણી કર્યા બાદ જ મંજૂરી આપવામાં આવશે એવું તેઓએ જણાવ્યું હતું તો હવે પ્રશ્ન એ છે કે, રોયલ મેળો કોની મંજૂરીથી શરુ કેવી દેવામાં આવ્યો હતો અને આ નિયમનો ભંગ કરનાર મેળાના આયોજકો તેમજ તેનું પ્રમોશન કરનારા કહેવાતા સોશિયલ મીડિયા સેલિબ્રિટી પર શું કાર્યવાહી કરવામાં આવશે.
માત્ર 500-1000 માટે લોકોનાં જીવ જોખમમાં મૂકતાં ઈન્ફન્ફ્લુએન્સર્સ
- Advertisement -
મંજુરી વગરના મેળાઓના વિડીયો બનાવી લોકોને ગેરમાર્ગે દોરનારા ઈસમો વિરુદ્ધ તંત્ર કાર્યવાહી કરશે?
રોયલ મેળાની જાત-જાતની પ્રમોશનલ રીલ્સ જોઈ લોકો દોડી ગયા
મેળાના સંચાલકોએ લોકોની ભીડ ભેગી કરવા માટે ૫૦૦-૧૦૦૦ રૂપિયામાં ગમે તે બોલવા-કરવા તૈયાર થઈ જતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સનો સહારો લીધો હતો. ઈન્ફ્લુએન્સર્સએ પણ સુરક્ષાના કોઈ ઠેકાણા વગરના આ મેળાની ચમકદમક દર્શાવતી રીલ્સ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી લોકોના જીવ જોખમમાં મૂકવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. આ વીડિયો જોઈ ગત રવિવારે જ કેટલાય પરિવારોએ ૧૦૦-૧૦૦ રૂપિયાની ટિકિટ લઈ બાળકો સાથે મેળાની મુલાકાત લીધી અને અંદર જઈ ૩૦-૩૦ રૂપિયાની નાની રાઇડ્સ તેમજ વોટર ફોલ સહિતના આકર્ષણોની મજા માણી. જોકે, મેળાને સત્તાવાર મંજૂરી મળી છે કે નહીં તે અંગેની સ્પષ્ટતા વિના લોકો ત્યાં પહોંચ્યા હોવાના કારણે જાહેર સલામતી સામે ગંભીર સવાલ ઊભા થયા છે. મંજૂરી અને સલામતી ચકાસણી પૂર્ણ થઈ છે કે નહીં તેની જાણકારી વિના માત્ર સોશિયલ મીડિયા પ્રમોશનના આધારે લોકો મેળામાં પહોંચે તો તેમની સુરક્ષાની જવાબદારી કોની? તંત્રએ પણ આવા પ્રમોશનલ વીડિયો અને ગેરકાયદે પ્રવૃત્તિ સામે નજર રાખવી ઈન્ફ્લુએન્સર્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી છે.




