રાજકોટ લોધીકા સહકારી સંઘની ચૂંટણીની જાહેરાત
રાજકોટ જિલ્લાના સહકારી રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. ચર્ચાસ્પદ બનેલી રાજકોટ લોધિકા સહકારી સંઘ (રાલો સંઘ)ની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય ગલિયારામાં ખેંચતાણ તેજ બની છે. ખાસ
કરીને ભાજપના આગેવાનો માટે આ ચૂંટણી હવે પ્રતિષ્ઠાનો મોટો જંગ બની રહી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
- Advertisement -
રાલો સંઘની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર થતાં જ વિવિધ મતજૂથોમાંથી ઉમેદવારી માટેની દોડ શરૂ થઈ છે. આ દરમિયાન રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળી ગામમાંથી જ ભાજપની
વિરુદ્ધમાં ફોર્મ ઉપાડવામાં આવ્યું હોવાની ચર્ચાએ રાજકીય માહોલ ગરમાવી દીધો છે. પક્ષની ના હોવા છતાં મહામંત્રીના પોતાના ગામમાંથી જ ઉમેદવારી માટે ફોર્મ ઉપડ્યાની વાત સામે આવતા સહકારી ક્ષેત્રની સાથે ભાજપના
સંગઠનમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
રાલો સંઘની ચૂંટણીને સામાન્ય સહકારી ચૂંટણી કરતાં વધુ રાજકીય મહત્વ આપવામાં આવી રહ્યું છે. સંઘ સાથે જોડાયેલી સહકારી મંડળીઓ અને મતદારો પર પ્રભાવ જમાવવા માટે વિવિધ જૂથો સક્રિય બન્યા હોવાનું માનવામાં
આવી રહ્યું છે. આગામી દિવસોમાં ઉમેદવારી પત્રોની રજૂઆત સાથે ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ થશે અને કયા જૂથો સામસામે આવે છે તેના પર સૌની નજર રહેશે.
નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપની વિરુદ્ધમાં ફોર્મ ઉપડ્યાની ચર્ચાએ ખાસ ધ્યાન ખેંચ્યું છે. પક્ષ સંગઠનના આગેવાનના પોતાના ગામમાં જ આ પ્રકારની હલચલ જોવા મળતાં સહકારી રાજકારણમાં આંતરિક
સમીકરણો અંગે અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. જોકે, ઉમેદવારીની અંતિમ યાદી જાહેર થયા બાદ જ આ ચર્ચાનું વાસ્તવિક રાજકીય સ્વરૂપ સ્પષ્ટ થશે.
- Advertisement -
રાલો સંઘની ચૂંટણીમાં સ્થાનિક સહકારી આગેવાનો ઉપરાંત ભાજપના સંગઠન સાથે જોડાયેલા નેતાઓ માટે પણ આ ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહી છે. ખાસ કરીને પક્ષની સંગઠનાત્મક પકડ, સહકારી ક્ષેત્રમાં પ્રભાવ અને
સ્થાનિક જૂથબંધીના સમીકરણો આ ચૂંટણીમાં કેટલી અસર કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
રાલો સંઘની કુલ 16 બેઠક માટે ચૂંટણી યોજાશે
રાલો સંઘની કુલ 16 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી કાર્યક્રમ અનુસાર તેમાં 15 બેઠકો મંડળી મતજૂથની, જ્યારે એક બેઠક વ્યક્તિગત મતજૂથની રહેશે. આ બેઠકો માટે વિવિધ દાવેદારો દ્વારા ઉમેદવારી નોંધાવવાની
તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ચૂંટણી કાર્યક્રમ મુજબ 17 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી ઉમેદવારી પત્રો રજૂ કરી શકાશે. ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા આગળ વધશે અને 29 ઓગસ્ટે અંતિમ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં
આવશે. ઉમેદવારી પરત ખેંચવાની અને અંતિમ ચિત્ર સ્પષ્ટ થવાની પ્રક્રિયા બાદ 8 સપ્ટેમ્બરે મતદાન અને ચૂંટણી યોજાશે.
8 સપ્ટેમ્બરના મતદાન પર સૌની નજર
હાલ ઉમેદવારી પ્રક્રિયા ચાલી રહી હોવાથી આગામી દિવસોમાં રાલો સંઘની ચૂંટણીનું રાજકીય ચિત્ર વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે. કોણ કોની સામે મેદાનમાં ઉતરે છે, કેટલા ઉમેદવારો ફોર્મ ભરે છે અને અંતે કેટલા ઉમેદવારો
ચૂંટણી જંગમાં રહે છે તેના આધારે ચૂંટણીનો ખરાખરો મુકાબલો નક્કી થશે. 16 બેઠકોની આ ચૂંટણીમાં ખાસ કરીને ભાજપના આંતરિક સમીકરણો અને સહકારી ક્ષેત્રના જૂથવાદની કસોટી થવાની હોવાથી 8 સપ્ટેમ્બરના મતદાન
અને ત્યારબાદના પરિણામો પર રાજકોટ જિલ્લાના સહકારી તથા રાજકીય વર્તુળોની વિશેષ નજર રહેશે.




