સરકારી નોકરીની તૈયારી કરતાં યુવાનની હત્યાથી ગોંડલના ભરવાડ પરિવારમાં માતમ
ઘટનાને આપઘાતમાં ખપાવવાનો માતા-પિતાનો પ્રયાસ
- Advertisement -
મૃતકની પત્નીએ સાસુ-સસરા વિરુધ્ધ ફરિયાદ લખાવતા બંનેની ધરપકડ
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાં ૩૦ જૂનના રોજ બનેલા ૨૩ વર્ષીય ભરવોડ યુવાનના રહસ્યમય મોતના કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો. છે. શરૂઆતમાં જેને આપઘાત તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તે હકીકતમાં સગા માતા-પિતાએ જ પોતાના પુત્રની ઘાતકી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે મૃતક યુવકની પત્નીની ફરિયાદને આધારે તેના સાસુ-સસરાની ધરપકડ કરી છે. હત્યારા માતા-પિતાએ પહેલા એવું ફેલાવ્યું હતું કે પુત્ર દારૂડિયો હતો અને ઘરમાં સતત થતા ઝઘડાઓથી કંટાળીને માતા-પિતાએ આ ભયાનક કૃત્ય આચર્યું, જો કે વાસ્તવિકતા અલગ જ સામે આવી છે.
પોલીસ તપાસ મુજબ, મૃતક યુવાન રામને તેના પિતા બાબુભાઈ ઉર્ફે અતુલભાઈ ઘુથાભાઈ બાંભવા અને માતા મનીષાબેન ઉર્ફે મોતીબેન સાથે વારંવાર વિવાદ થતો હતો. ૩૦ જૂનના રોજ પણ આ જ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડો વધતાં માતાએ પુત્રને બળજબરીથી એસિડ પીવડાવ્યું હતું, જ્યારે પિતાએ માર માર્યા બાદ ગળેટૂંપો આપી તેની હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
- Advertisement -
ઘટનાને આપઘાતનો રંગ આપવા માટે આરોપી પિતાએ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ઝડપથી પેનલ પોસ્ટમોર્ટમ થઈ જાય તે માટે કેટલાક રાજકીય આગેવાનો અને સ્થાનિક નેતાઓ મારફતે ભલામણો પણ કરાવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જોકે, પોલીસની સઘન તપાસમાં સમગ્ર કાવતરાનો ભાંડો ફૂટતાં આરોપીઓ કાયદાની પકડમાંથી બચી શક્યા નહોતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી મૂજબ મૃતક યુવક રામ ભણવામાં હોશિયાર હતો અને ખેડબ્રહ્માની એક કૉલેજમાંથી એગ્રીકલ્ચરમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. રામનું લક્ષ્ય સરકારી નોકરી મેળવવાનું હતું અને તેની તૈયારી કરતો હતો. પણ પિતા બાબુભાઈને આ મંજૂર ન હતું અને રામને પોતાની ચાની દુકાન પર બેસાડવા માંગતા હતા. પિતા-પુત્ર વચ્ચેના આ મતભેદના કારણે અવાર-નવાર ઝઘડા થતાં હતા. આખરે ૩૦ જૂને માતાપિતાએ મળી રામની હત્યા કરી અને પહેલા આ ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો. જો કે એમાં સફળ ન થતાં એવી વાત એવી ફેલાવી કે રામ દારૂ પીતો હતો અને ઘરમાં ઝઘડા કરતો હતો.
આ સમગ્ર મામલે મૃતકની ચાર મહિના પહેલાં જ પરણેલી પત્ની બંશીબેન બાંભવાએ પોતાના સાસુ સસરા વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૧૦૩(૧), ૧૨૪ અને ૫૪ હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે. પુત્રની હત્યા કરનાર નિષ્ઠુર માતા કેમેરા સામે રડી પડી હતી. ગુંદાળા ગામમાં બનેલી આ ઘટનાએ સમગ્ર રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં અરેરાટી ફેલાવી છે. પોતાના જ માતા-પિતા દ્વારા પુત્રની હત્યાની ઘટના સામે આવતાં સમાજમાં પણ ભારે ચકચાર મચી છે.




