Energy Drink કહીને પ્રોડક્ટ વેચવી કે તે જ નામે તેની જાહેરાત કરવી એ નિયમોની વિરુદ્ધ
શું તમે પણ એનર્જી ડ્રિંક પીવો છો? તો તમારે જાણવું જરૂરી છે કે ફૂડ સેફ્ટી રેગ્યુલેટર FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ ભ્રામક પ્રચાર અને ખોટા દાવા કરવાના આરોપમાં Red Bull, Sting અને Monster સહિત છ એનર્જી ડ્રિંક કંપનીઓને ખોટી બ્રાન્ડિંગ અને ગેરમાર્ગે દોરતા દાવાઓ બદલ નોટિસ ફટકારી છે. FSSAIએ કહ્યું કે, તેણે એનર્જી ડ્રિંક્સ માટે કોઈ ધોરણો સૂચિત કર્યા નથી. ડ્રિંકિંગ બ્રાન્ડ્સને નોટિસ ફટકારી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે – FSSAIએ એનર્જી ડ્રિંક્સ હોવાનો દાવો કરતી ઘણી ડ્રિંકિંગ બ્રાન્ડ્સને નોટિસ ફટકારી છે, જેમાં તેમના પર ખોટી બ્રાન્ડિંગ અને ભ્રામક દાવા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
- Advertisement -
FSSAI તરફથી છ બ્રાન્ડ્સને નોટિસ ફટકારવામાં આવી છે. આ છ બ્રાન્ડ્સમાં રેડબુલ એનર્જી ડ્રિંક, પેપ્સિકો એડ્રેનાલિન રશ એનર્જી ડ્રિંક, રિલાયન્સ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સનું કેમ્પા એનર્જી ડ્રિંક – ગોલ્ડ બૂસ્ટ, સ્ટિંગ એનર્જી ડ્રિંક, હેલ એનર્જી અને કોકા-કોલાનું મોન્સ્ટર એનર્જી ડ્રિંકનો સમાવેશ થાય છે. તાજેતરના દિવસોમાં, FSSAIએ ઘણા ફૂડ બિઝનેસ ઓપરેટરો (FBOs) ને ખોટી બ્રાન્ડિંગ અને ગેરમાર્ગે દોરતા દાવાઓ અને જાહેરાતો માટે નોટિસ ફટકારી છે. તેણે ગ્રાહકોની ફરિયાદોના આધારે નોટિસ પણ ફટકારી છે.
નોંધનીય છે કે, આ નોટિસનો અર્થ એ નથી કે આ પ્રોડક્ટ્સના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. હાલ પૂરતું FSSAIએ આ કંપનીઓ પાસે જવાબ માંગ્યો છે અને લેબલિંગ તેમજ માર્કેટિંગને નિયમો અનુસાર સુધારવાની સૂચના આપી છે. આ વિવાદ એ બાબત પર છે કે કંપનીઓ કયા નામે અને કેવા દાવા સાથે પ્રોડક્ટ વેચે છે, નહીં કે પ્રોડક્ટના વેચાણ પર પ્રતિબંધ અંગે. હવે દરેકની નજર કંપનીઓ દ્વારા અપાનારા જવાબ પર રહેશે. જો કંપનીઓનો જવાબ સંતોષકારક નહીં હોય તો FSSAI દ્વારા આગળ કડક કાનૂની અને નિયમનકારી કાર્યવાહી કરવામાં આવી શકે છે. હાલમાં આ મામલે કંપનીઓ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.
FSSAI ને કઈ બાબત પર વાંધો છે?
FSSAI નું કહેવું છે કે ભારતમાં અત્યાર સુધી ‘Energy Drink’ (એનર્જી ડ્રિંક) નામની કોઈ સત્તાવાર ફૂડ કેટેગરી કે તેના માટે કોઈ અલગ માપદંડ નક્કી કરવામાં આવ્યા નથી. આનો અર્થ એ થાય કે કોઈ પ્રોડક્ટને માત્ર ‘Energy Drink’ કહીને વેચવી કે તે જ નામે તેની જાહેરાત કરવી એ નિયમોની વિરુદ્ધ છે. ફૂડ રેગ્યુલેટરના જણાવ્યા મુજબ, ફૂડ કેટેગરી સિસ્ટમ માત્ર વહીવટી વર્ગીકરણ માટે છે, તેનો ઉપયોગ પ્રોડક્ટના નામ કે માર્કેટિંગ ટર્મ તરીકે ન કરી શકાય.
- Advertisement -
માત્ર નામ પર જ નહીં, દાવાઓ પર પણ સવાલ
FSSAI એ માત્ર ‘Energy Drink’ શબ્દ સામે જ વાંધો નથી ઉઠાવ્યો, પરંતુ આ કંપનીઓ દ્વારા કરવામાં આવતા દાવાઓ પર પણ સવાલ કર્યા છે. જાહેરાતોમાં દાવો કરવામાં આવે છે કે આ ડ્રિંક પીવાથી એનર્જી (ઊર્જા) વધે છે, ફોકસ (એકાગ્રતા) સારો થાય છે અથવા થાક/નબળાઈ દૂર થાય છે. નિયમો અનુસાર, યોગ્ય પરવાનગી વગર ફૂડ પ્રોડક્ટ્સ માટે આ પ્રકારના સ્વાસ્થ્ય સંબંધી કે થેરાપ્યુટિક (રોગનિવારક) દાવા કરવા ગેરકાયદેસર છે.
કઈ-કઈ બ્રાન્ડ્સને નોટિસ મળી છે?
Red Bull, Sting, Monster Energy, Campa Energy, Adrenaline Rush, Hell Energy, Gold Boost




