કોર્પોરેટની DisConnection Driveથી બાકીદારોમાં ફફડાટ, 6 મહિનાથી બિલ ન ભરનારા સામે કડક કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.26
- Advertisement -
હળવદ શહેરમાં વીજ બિલના બાકીદારો સામે વીજ કંપની દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. કોર્પોરેટ દ્વારા આયોજિત ખાસ DisConnection Drive અંતર્ગત આજે 13 ટીમોને મેદાનમાં ઉતારી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા છ મહિનાથી વધુ સમયથી બિલના નાણાં બાકી રાખનાર 730 ગ્રાહકોની યાદી તૈયાર કરવામાં આવી હતી, જેમની પાસે કુલ 63.28 લાખ રૂપિયાની રકમ લેણી નીકળતી હતી. આ ઝુંબેશને પગલે આખા શહેરમાં વીજ બાકીદારોમાં ચકચાર મચી ગઈ છે.
દિવસભર ચાલેલી આ સઘન તપાસ દરમિયાન ટીમોએ કાર્યવાહી કરીને 199 વીજ જોડાણો કાપી નાખ્યા હતા, જેની બાકી રકમ અંદાજે 14.15 લાખ રૂપિયા હતી. વીજ જોડાણ કપાયા બાદ તાત્કાલિક અસર જોવા મળી હતી અને 125 ગ્રાહકોએ સ્થળ પર જ 6.97 લાખ રૂપિયાના બિલની ભરપાઈ કરી દીધી હતી. સમગ્ર દિવસ દરમિયાન કુલ 660 ગ્રાહકોએ નાણાં જમા કરાવતા વિભાગને 44.67 લાખની વસૂલાત કરવામાં સફળતા મળી છે. વીજ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ યથાવત્ રહેશે અને જે ગ્રાહકો નિયમિત બિલ નહીં ભરે તેમના જોડાણો કોઈપણ શેહશરમ વગર કાપી નાખવામાં આવશે.



