સફાઈ કામદારોએ સફાઈ કોન્ટ્રાક્ટર જી.ડી. અજમેરા સામે કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો: કામદાર યુનિયન દ્વારા મ્યુ. કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી
532 સફાઈ કામદારોની ભરતી, માનદ વેતન પ્રથા નાબૂદ, રકમ સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે સહિતની માગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા હજારો સફાઈ કામદારોએ આજે પોતાની પડતર માંગણીઓ મુદ્દે મનપા કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. ’બંધ કરો બંધ કરો, લોહી ચૂસવાનું બંધ કરો’ અને ’ભ્રષ્ટાચાર બંધ કરો’ના નારા સાથે સફાઈ કામદારોની વિશાળ રેલી મનપા કચેરીએ પહોંચી હતી, જેના કારણે કચેરી સંકુલમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. મુખ્ય માંગણીઓ અને અલ્ટીમેટમ: રાજકોટ કામદાર યુનિયન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે નીચે મુજબની માંગો કરવામાં આવી છે 532 સફાઈ કામદારોની નવી ભરતી અને સ્વૈચ્છિક રાજીનામાની પ્રક્રિયા આગામી 90 દિવસમાં પૂર્ણ કરવામાં આવે, માનદ વેતન પ્રથા નાબૂદ કરી લઘુત્તમ વેતન, પીએફ (ઙઋ) અને બોનસની રકમ સીધી કામદારોના બેંક ખાતામાં જમા કરવામાં આવે. જો આ માંગણીઓ ટૂંક સમયમાં સંતોષવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ભૂખ હડતાળ અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. યુનિયનના આગેવાનોએ સફાઈ કોન્ટ્રાક્ટર જી.ડી. અજમેરા સામે મોરચો માંડતા ગંભીર આક્ષેપ કર્યો છે કે, સફાઈ કામગીરીના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. શ્રમિકોના હકનું નાણું હડપ કરી જનાર કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ (ઋઈંછ) નોંધવા પણ ઉગ્ર માંગ કરવામાં આવી છે. યુનિયનના જણાવ્યા અનુસાર, મનપામાં 5000થી વધુ સફાઈ કામદારો છે છતાં ડો. બાબાસાહેબ આંબેડકરના નામ સાથે જોડાયેલા ભવનમાં જ શ્રમિકોનું શોષણ થઈ રહ્યું છે. મિત્ર મંડળ અને કોન્ટ્રાક્ટ પ્રથા હેઠળ ચાલતા શોષણને બંધ કરી, શ્રમિકોને કાયદેસરના લાભો આપવા માટે લડત તેજ બનાવવામાં આવી છે.



