ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
સોમનાથ-જેતપુર નેશનલ હાઈવે પર આવેલ ગડુ નજીકના વ્રજમી નદી પર આવેલા બે મહત્વપૂર્ણ પુલોના રીસ્ટોરેશનનું કાર્ય હવે પૂર્ણ થવાની કગાર પર છે. જૂનાગઢ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ પુલોનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પાસેથી કામગીરી અંગેની ટેકનિકલ માહિતી મેળવી હતી.
આ પુલોમાંથી એક 73.2 મીટર અને બીજો 99 મીટર લંબાઈનો છે. છેલ્લા ચાર મહિનાથી આ પુલો પર સમારકામ અને પુનર્વસનનું કાર્ય ચાલી રહ્યું હતું, જે હવે આવતીકાલે પૂર્ણ થવા જઈ રહ્યું છે. ત્યારબાદ બંને પુલો નાગરિકો અને વાહન વ્યવહાર માટે ખુલ્લા મુકવામાં આવશે. કલેક્ટરે જણાવ્યું કે રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ, જિલ્લાના વરસાદથી નુકસાન પામેલા રસ્તા અને પુલોની તાત્કાલિક મરામત કરવામાં આવી રહી છે. તેમણે અધિકારીઓને માર્ગ પર રેડિયમ રિફ્લેક્ટર લગાડવા સૂચના આપી હતી જેથી રાત્રે વાહનચાલકો માટે વધુ સુરક્ષા સુનિશ્ચિત થાય. રૂ. 171 કરોડના સોમનાથ-જેતપુર હાઈવે રિહેબિલિટેશન પ્રોજેક્ટ અંતર્ગત પુલોના રીસ્ટોરેશન સહિતના કામો ઝડપથી ચાલી રહ્યા છે. હવે માત્ર સોરઠ ચોકી પાસેના મેજર બ્રિજનું કામ બાકી છે, જે આગામી 10 દિવસમાં પૂર્ણ થવાની શક્યતા છે. આ પુલો ખુલ્લા થતાં સોમનાથ તરફ જતા મુસાફરો માટે યાતાયાત સરળ બનશે અને લોકોને મોટુ રાહત મળશે.