ઇન્દિરા સર્કલ પાસે અકસ્માતની ઘટના બાદ શહેરની બસ સેવા ખાડે ગઇ
નવી SOPને કારણે પણ સિટી બસના ડ્રાઇવરો આવવા તૈયાર નથી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં ઇન્દિરા સર્કલ પાસે સિટી બસે ચાર નિર્દોષ વ્યક્તિનો ભોગ લીધાની ઘટના બાદ મહાનગરપાલિકાની પબ્લિક ટ્રાન્સપોર્ટની સેવા ખોરવાઇ ગઇ છે અને તેના પરિણામે સિટી બસ અને બીઆરટીએસ રૂટ પર દોડતી કુલ 224 બસમાંથી હાલ માત્ર 80 બસ જ ચાલુ હોય દરરોજના એવરેજ 35થી 40 હજાર મુસાફરો બસ સુવિધા વગર રઝળી રહ્યા છે અને મજબૂરીવશ રિક્ષા અને અન્ય ખાનગી ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરી લૂંટાઇ રહ્યા છે. સૌથી વધુ મુશ્કેલી સિનિયર સિટિઝનોને પડી રહી છે. હાલની સ્થિતિ જોતા હજુ પણ ટૂંકાગાળામાં આ સેવા શરૂ થાય તેવા કોઇ અણસાર જણાતા નથી અને મનપાના પદાધિકારીઓ આ સેવા શરૂ કરવા કોઇ પ્રયાસ કરતાં ન હોય તે મુદ્દે પણ ભારે આશ્ચર્ય ફેલાયું છે.
રાજકોટ રાજપથ લિ.ના સત્તાવાર સૂત્રોએ જણાવ્યા અનુસાર જંક્શન વિસ્તારમાં મોટી ઉંમરના સિટી બસના ચાલકને હાર્ટએટેકની ઘટના બાદ 60 વર્ષથી વધુ વયના વ્યક્તિને સિટી બસમાં ડ્રાઇવર તરીકે રાખવા નહીં તેવો નિર્ણય લેવાયો હતો. જેના કારણે અનેક મોટી ઉંમરના બસચાલકોને છૂટા કરી દેવાયા હતા. ત્યારબાદ ઇન્દિરા સર્કલ નજીક એક્સિડેન્ટમાં ચાર નિર્દોષ વ્યક્તિનાં મોત નીપજતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા નવી એસઓપી જાહેર કરવામાં આવી હતી અને તેમાં બસના ચાલક તરીકે 25થી 60 વર્ષ વય મર્યાદા નક્કી કરાતા નાની ઉંમરના પણ અનેક બસચાલકોને છૂટા કરી દેવામાં આવ્યા હતા. તેમજ નવી એસઓપીમાં બસચાલકને વધુમાં વધુ આઠ કલાકની નોકરીનો નિયમ અમલમાં મુકાતા અનેક ડ્રાઇવરો આવક ઘટતા નોકરી મૂકી દીધી હતી.
- Advertisement -
હાલમાં ગત 20મી એપ્રિલથી શહેરમાં બીઆરટીએસ રૂટ પર દોડતી કુલ 28 બસમાંથી 15 ચાલુ છે. જ્યારે શહેરના વિવિધ રૂટો પર દોડતી 96 ઇલેક્ટ્રિક બસમાંથી 30 અને 100 સીએનજી બસમાંથી 35 બસ દોડી રહી છે. અગાઉ દરરોજના એવરેજ 55 હજારથી વધુ મુસાફરો સિટી બસ અને બીઆરટીએસ બસની સુવિધાનો લાભ લેતા હતા જેના સ્થાને હાલમાં રોજના 18થી 20 હજાર મુસાફરો જ 80 બસમાં મુસાફરીની સુવિધાનો લાભ લઇ શકે છે. જેનો એવો અર્થ થાય છે કે હાલમાં દૈનિક 35થી 40 હજાર મુસાફરોને સિટી બસ સુવિધાનો લાભ મળતો નથી. હાલ શાળા-કોલેજમાં ઉનાળુ વેકેશન હોવાથી વિદ્યાર્થીઓનો ટ્રાફિક ઓછો રહે છે પરંતુ વેકેશન ખૂલ્યા બાદ બસ સેવા પૂર્વવત નહીં થાય તો સ્થિતિ વધુ કપરી બનશે.
રાજકોટ રાજપથ લિ.ના જનરલ મેનેજર અઢિયાએ બે દિવસ પહેલાં ત્રણેય એજન્સીઓના સંચાલકોને બોલાવીને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ગમે ત્યાંથી બસચાલકોની વ્યવસ્થા કરો. જો રાજકોટમાં ન મળતા હોય તો બહારગામથી વ્યવસ્થા કરો અને સિટી બસને શહેરના માર્ગો પર દોડતી કરો.
224 બસમાંથી હાલ માત્ર
80 બસ જ ચાલુ
60 વર્ષથી વધુ વયના વ્યક્તિની મનાઇ કરાતા અનેક ડ્રાઇવરોને છૂટાં કરાયા
બસચાલકને વધુમાં વધુ આઠ કલાકની નોકરીનો નિયમ અમલમાં મુકાતા અનેક ડ્રાઇવરો આવક ઘટતા નોકરી મૂકી દીધી
બીઆરટીએસ રૂટ પર દોડતી કુલ 28 બસમાંથી 15 ચાલુ
96 ઇલેક્ટ્રિક બસમાંથી 30 અને 100 ઈગૠ બસમાંથી 35 બસ દોડે છે
ત્રણ એજન્સીને પણ રોજના રૂ.14.20 લાખના દંડનો ડામ
મહાનગરપાલિકા સાથે ત્રણેય એજન્સીઓને થયેલા કરાર મુજબ જો એક દિવસ પણ બસ ન દોડે તો બસ દીઠ રૂ.10 હજારનો દંડ લાગુ પડે છે. જે મુજબ હાલમાં ત્રણેય એજન્સીઓને દરરોજના રૂ.14.20 લાખનો દંડ લાગુ પડે છે. જો 20 એપ્રિલથી અત્યાર સુધીના દંડનો હિસાબ કરીએ તો એજન્સીઓને રૂ.3 કરોડથી વધુનો દંડ થઇ ચૂક્યો છે.
ડ્રાઇવરો પાસેથી બે શિફ્ટમાં કામ કરવાની તક છીનવાતા નોકરી મૂકી રહ્યા છે
ભીતરના સૂત્રોએ જણાવ્યા અનુસાર સિટી બસ અને બીઆરટીએસમાં બસ ચલાવતા મોટાભાગના ચાલકો બે શિફ્ટમાં કામ કરતા હતા, પરંતુ 8 કલાકની જ નોકરીના નિયમને કારણે તેમની પાસેથી બે શિફ્ટમાં કામ કરવાની તક છીનવાતા હવે મોટાભાગના બસચાલકો નોકરી મૂકી રહ્યા છે. એજન્સીઓએ પગાર વધારો કરી દીધા બાદ પણ ચાલકો નોકરી કરવા તૈયાર ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



