એકલ-દોકલ શાકભાજી વેચતા લોકો પણ હવે અહીંથી સ્થળાંતર કરવા મજબૂર
ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
નગરપાલિકા દ્વારા સાવરકુંડલા શહેરના દેવળા ગેઇટ વિસ્તારમાં લોકોને શાકભાજી ખરીદવા માટે સરળતા રહે તે ઉદેશથી અહીં નગરપાલિકા દ્વારા વર્ષો પહેલાં બનેલી શાકમાર્કેટ શાકભાજી વેપારીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી. પરંતુ હાલ આ શાકમાર્કેટમાં બે ત્રણ શાકભાજીના વેપારીઓ જ શાકભાજી વેચતા જોવા મળે છે. તેમને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ઘણાં મહિના ઘરના રોટલા ખાઈને અહીં શાકભાજી વેચવા પ્રયાસ કર્યો પરંતુ અહીં શાકભાજી ખરીદવા માટે ખૂબ ઓછા લોકો આવતા હોય સતત ધંધો ખોટમાં જ હાલતો હોય કેટલા સમય સુધી ખોટ ખાવાનું પોસાય.?? અને આનાથી કંટાળીને પછી મેઈન ચોક કે અન્ય સ્થળે જ્યાં શાકભાજી ખરીદવા લોકો આવે એવા વિસ્તારમાં ધંધો કરવા મજબૂર થયાં. જો કે આ શાકમાર્કેટ બઝારથી થોડી અંદર હોય લોકો પણ અહીં શાકભાજી ખરીદવાનું ટાળતાં જોવા મળેલ. કોઈ એકલદોકલ ખરીદનાર અહીં આવતાં એટલે ફરજિયાત કઠણ મન કરીને આ શાકમાર્કેટમાંથી શાકભાજી વેચતા લોકો સ્થળાંતર કરવા મજબૂર થયાં. સાવરકુંડલા નગરપાલિકાએ પણ આ બાબતે સંશોધન કરવું જોઈએ કે આવી સરસ માર્કેટમાં શાકભાજી વેચવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા છતાં શાકભાજીના વેપારીઓ અને ગ્રાહકો માટે કંઈ સમસ્યા છે અને તેનું યોગ્ય નિરાકરણ શું હોય શકે. શા માટે લોકો અહીં ખરીદી માટે આવતાં નહીં હોય અને લોકો આ શાકમાર્કેટમાં હોશે હોશે શાકભાજી ખરીદી કરવા આવે અને શાકભાજી વેચનારા લોકોનો વ્યવસાય ધમધોકાર ચાલે એ માટે કઈ બાબત ખૂંટે છે એ માટે સંશોધન કરી થોડો સુધારો કરી ફરી ધમધમતી થાય એવા સહિયારા પ્રયાસો કરવા જોઈએ.



