કોરોનાની મહામારી વચ્ચે પેટ્રોલ, ડિઝલ. રાંધણગેસ તેમજ જીવન જરૃરિયાતની તમામ ચીજવસ્તુઓના કુદકે ને ભૂસકે વધી રહેલા ભાવ વધારાના વિરોધમાં આજે સુરતમાં મોટી સંખ્યામાં મોરચો કાઢીને જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી.
સુરત શહેરમાં કોરોનાના શરૃ થયા બાદ આજે દોઢ વર્ષથી વધુ સમય થયો હોવાછતા હજુ સુધી લોકોના રોજગાર ધંધા થાળે પડયા નથી. ત્યાં તો જીવન જરૃરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. જેને લઇને આજે પરિવર્તન ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરાઇ હતી કે પેટ્રોલ, ડિઝલ, ખાદ્યતેલ, રાંધણગેસ, સી.એન.જી ગેસ વિજળી, સરકારી વેરાઓ શિક્ષણ ફી, દૂધ સહિતની જીવન જરૃરિયાતની વસ્તુઓમાં જંગી વધારો થતા લોકોનુ જીવવાનું મુશ્કેલ બન્યુ છે. આજે લોકોેને નોકરી મળતી નથી. કમાણીનું સાધન છીનવાઇ જતા ગંભીર બેદરકારીનો સામનો કરવો પડી રહ્યો છે. આર્થિક તંગીના કારણે આપધાતના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે લોકોની સુખાકારી માટે તાકીદે ભાવ ઘટાડો કરવા માંગ કરાઇ છે.


