એક જ દિવસમાં ભારતે જીત્યા 1 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ, પેરા પાવરલિફ્ટિંગ બ્રોન્ઝ સાથે દેશના ખાતામાં કુલ 4 મેડલ
ગ્લાસગો ખાતે રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬નો ચોથો દિવસ ભારત માટે અત્યંત વિજયી રહ્યો. ૨૬ જુલાઈના રોજ ભારતીય વેટલિફ્ટર્સે પોતાના શાનદાર પ્રદર્શનથી દેશને એક જ દિવસમાં ૩ મેડલ (૧ ગોલ્ડ અને ૨ સિલ્વર) અપાવ્યા છે. ભારત માટે સૌથી મોટી સફળતા સ્ટાર વેટલિફ્ટર અને ઓલિમ્પિક મેડાલિસ્ટ મીરાબાઈ ચાનુએ અપાવી હતી, જેમણે મહિલાઓની ૪૮ કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ગેમ્સમાં સતત ત્રીજો ગોલ્ડ (હેટ્રિક) પોતાના નામે કર્યો છે. કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં ભારત માટે પહેલો મેડલ પેરા-એથલિટ ઝંડુ કુમારે બ્રોન્ઝ મેડલ સાથે અપાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશભરમાંથી ગોલ્ડ મેડાલિસ્ટ મીરાબાઈ ચાનુ અને તમામ વિજેતા ખેલાડીઓ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.
- Advertisement -
મીરાબાઈ ચાનુનો ઐતિહાસિક ગોલ્ડ : મહિલાઓની ૪૮ કિલોગ્રામ ઈવેન્ટમાં મીરાબાઈ ચાનુએ કુલ ૧૯૦ કિલોગ્રામ વજન ઉઠાવીને ગ્લાસગો ગેમ્સમાં ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. વર્ષ ૨૦૧૮ (ગોલ્ડ કોસ્ટ) અને ૨૦૨૨ (બર્મિંગહામ) પછી ચાનુનો આ સતત ત્રીજો ગોલ્ડ છે.
ઋષિકાંતા સિંહનો સિલ્વર : પુરુષોના ૬૦ કિલોગ્રામ ભારવર્ગમાં ચનામબમ ઋષિકાંતા સિંહે શાનદાર પ્રદર્શન કરીને ભારત માટે દિવસનો પહેલો સિલ્વર મેડલ જીત્યો હતો.
રાજા મુથુપંડીની શાનદાર વાપસી : ૮ વર્ષ બાદ કોમનવેલ્થમાં પરત ફરેલા ૨૬ વર્ષીય રાજા મુથુપંડીએ ૨૮૬ કિલોગ્રામ વજન ઉઠાવીને ભારત માટે – સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો.
- Advertisement -
CWG 2026માં ભારતના મેડલ વિજેતાઓની યાદી
ક્રમ ખેલાડીનું નામ રમત મેડલ
૧. ઝંડુ કુમાર પેરા પાવરલિફ્ટિંગ બ્રોન્ઝ
૨. ઋષિકાંતા સિંહ વેટલિફ્ટિંગ સિલ્વર
3. મીરાબાઈ ચાનુ વેટલિફ્ટિંગ ગોલ્ડ
૪. મુથુપંડી રાજા વેટલિફ્ટિંગ સિલ્વર




