આતંકવાદીઓએ મજૂરોનાં નામ પૂછ્યા, બે હિન્દુને અલગ કરીને ગોળી મારી
છત્તીસગઢના બે યુવકનાં મોત નીપજ્યા, એક આતંકી પાકિસ્તાની હોવાની આશંકા
- Advertisement -
દક્ષિણ કાશ્મીરના કુલગામમાં શુક્રવારે પહેલગામ જેવો હુમલો થયો. આતંકવાદીઓએ ઈંટ-ભઠ્ઠા પર કામ કરી રહેલા પ્રવાસી મજૂરોના નામ પૂછ્યા, પછી છત્તીસગઢના બે હિંદુ મજૂરોને જૂથમાંથી અલગ કરીને ગોળી મારી દીધી. હુમલામાં એક મજૂરનું ઘટનાસ્થળે અને બીજા મજૂરનું હોસ્પિટલમાં મૃત્યુ થયું. મૃત્યુ પામેલા યુવકોની ઓળખ ૨૪ વર્ષના દીપક અને ૨૮ વર્ષના ભૂપેન્દ્ર તરીકે થઈ છે. અધિકારીઓ અનુસાર, હુમલો કુલગામથી લગભગ ૨૦ કિલોમીટર દૂર કેલામમાં થયો. સ્થાનિક લોકોના મતે, ૧૦-૧૨ રાઉન્ડ ફાયરનો અવાજ સંભળાયો. આતંકવાદીઓએ હુમલા પહેલા રેકી કરીને આ વિસ્તાર પસંદ કર્યો હતો. ઘટના સમયે ત્યાં ઘણા પ્રવાસી મજૂરો હાજર હતા, પરંતુ હિંદુ ફક્ત આ બંને જ હતા. આતંકવાદી હુમલાના સમાચાર મળતાની સાથે જ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે પોલીસની ગાડીઓ આતંકવાદીઓની શોધમાં લાગી ગઈ છે.
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ બંને પરિવારોને ૧૦-૧૦ લાખ રૂપિયાની સહાય રાશિ આપવાની જાહેરાત કરી છે. સૂત્રોએ જણાવ્યું કે તપાસ એજન્સીઓને હુમલામાં એક સ્થાનિક અને એક પાકિસ્તાની આતંકવાદી સામેલ હોવાની શંકા છે. પ્રારંભિક તપાસ મોહમ્મદ લતીફ પર કેન્દ્રિત છે. તે ગયા વર્ષે લશ્કર-એ-તૈયબા/ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) માં જોડાયો હતો. આ મામલે તપાસ ચાલુ છે. હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું કે મૃતકોના પરિવારને પહેલેથી આપવામાં આવી રહેલા ૬ લાખના વળતર ઉપરાંત મુખ્યમંત્રી રાહત કોષમાંથી પણ રૂ.૧૦ લાખની રકમ આપવામાં આવશે.




