પપ્પુ યાદવ પૂજારી બનીને સંસદ પહોંચ્યા, રાહુલ ગાંધીએ દાન આપ્યું
રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું ભારે વિરોધ પ્રદર્શન-હોબાળો
- Advertisement -
વિરોધ પક્ષના સાંસદોએ શુક્રવારે સંસદ પરિસરમાં રામ મંદિરના દાન ચોરી મામલે વિરોધ પ્રદર્શન કર્યું. સાંસદ પપ્પુ યાદવ પૂજારીના વેશમાં દાનપેટી લઈને પહોંચ્યા હતા. રાહુલ ગાંધી સહિત ઘણા વિરોધ પક્ષના સાંસદોએ તેમાં દાન આપ્યું. સાથે જ સાંસદો બેનર લઈને પહોંચ્યા હતા. જેમાં ‘અમિત શાહ સંસદમાંથી ગાયબ કેમ?’ લખેલું હતું. લોકસભાની કાર્યવાહી આજે ૧૧ વાગ્યે શરૂ થઈ. પરંતુ વિપક્ષના હોબાળાને કારણે લોકસભાને ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. બાદમાં ૧૨ વાગ્યે કાર્યવાહી ફરીથી શરૂ કરવામાં આવી.
આજે લોકસભામાં જન્મ-મૃત્યુ નોંધણી (સુધારા) બિલ, ૨૦૨૬ પસાર થયું. કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે તેનો પ્રસ્તાવ મૂક્યો. વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી ૩ ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવી છે. બિહારના પૂર્ણિયાથી સાંસદ પપ્પુ યાદવે અયોધ્યા રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિના મુદ્દે સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યું. પપ્પુ યાદવ સાધુના વેશમાં પહોંચ્યા હતા અને સંસદ પરિસરની બહાર બેસી ગયા. આ દરમિયાન વિપક્ષી સાંસદો પણ હાજર રહ્યા. લોકસભામાં વિરોધ
પક્ષના નેતા રાહુલ ગાંધીએ પપ્પુ યાદવના પ્રદર્શનમાં સાથ આપ્યો. જ્યારે સમાજવાદી પાર્ટીના સાંસદોએ પણ આ મુદ્દે પપ્પુ યાદવ સાથે પ્રદર્શન કર્યું. કિરણ રિજિજુએ કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે ભવિષ્યમાં આવું ન થાય. તમે ચર્ચામાં ભાગ લેતા નથી અને બહાર જઈને કહો છો કે સરકાર ચર્ચા કરાવતી નથી. આગામી બિલ લઈને આવીશું અને તમે હોબાળો કરશો તો સારું નહીં થાય. ચર્ચા કરો, હોબાળો ન કરો. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન શુક્રવારે રાજ્યસભાની કાર્યવાહી ૩ ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યસભાની આગામી બેઠક હવે ૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સવારે ૧૧ વાગ્યે યોજાશે.




