મનપાના આરોગ્ય વિભાગ દ્વારા એક સપ્તાહમાં 91 હજારથી વધુ ઘરોમાં તપાસ
372 ઘરોમાં ફોગિંગ : 809 કોમર્શિયલ પ્રિમાઇસિસની તપાસ, 492ને નોટિસ
- Advertisement -
ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને નિયંત્રણમાં રાખવા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તા. 27 જુલાઈથી 2 ઓગસ્ટ, 2026 દરમિયાન શહેરભરમાં સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. મચ્છરજન્ય રોગો સામેના અભિયાનમાં 91,645 ઘરોમાં પોરાનાશક કામગીરી, હજારો લોકો સુધી આરોગ્ય જાગૃતિ તેમજ પાણીજન્ય રોગોને રોકવા માટે લગભગ 3 લાખ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા રોગો સામે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ડેન્ગ્યુ ફેલાવતો એડીસ મચ્છર દિવસ દરમિયાન કરડતો હોવાથી વધુ ભીડવાળા વિસ્તારોમાં રોગચાળાનું જોખમ વધુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટૂંકું અને પ્રજનન ઝડપથી થતું હોવાથી શહેરી વિસ્તારોમાં પાણી ભરાયેલા સ્વચ્છ પાત્રો, ગંદકી અને બેદરકારી તેના ફેલાવામાં મુખ્ય કારણ બને છે. રોગચાળા અટકાવવા માટે ફિલ્ડ વર્કર, અર્બન આશા અને MPHWની ટીમોએ શહેરના 91,645 ઘરોમાં પોરાનાશક કામગીરી હાથ ધરી હતી. ઉપરાંત 372 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં મચ્છરની ઘનતા વધુ જોવા મળી ત્યાં વાહન આધારિત ફોગિંગ મશીન દ્વારા જાહેર માર્ગો, સંવેદનશીલ સોસાયટીઓ અને વધુ માનવ અવરજવર ધરાવતા વિસ્તારોમાં વિશેષ ફોગિંગ કરવામાં આવ્યું હતું.
મચ્છરના ઉત્પત્તિ સ્થળો સામે કડક કાર્યવાહી અંતર્ગત રહેણાંક વિસ્તારો ઉપરાંત 809 બિન-રહેણાંક પ્રિમાઇસિસ જેવી કે બાંધકામ સાઇટ, શાળાઓ, હોસ્પિટલો, હોટલો, ઉદ્યોગો, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળો, પેટ્રોલ પંપ અને સરકારી કચેરીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મચ્છરના ઉત્પત્તિ સ્થળો મળી આવતા 173 રહેણાંક અને 319 કોમર્શિયલ પ્રિમાઇસિસ સહિત કુલ 492 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી તેમજ બાયલોઝ મુજબ વહીવટી ચાર્જ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




