વોર્ડ નં-11ના રહેવાસીઓએ રસ્તા પર ઉતરી વિરોધ કર્યો: શહેરીજનો પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ વસુલતુ રાજકોટ મનપા તંત્ર નામ માત્રની પણ સુવિધા પણ નથી આપી શકતુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરના તમામ રસ્તા પર ખાડા પડી ગયા છે અથવા તો રસ્તા પરથી ડામર ગાયબ થઈ ગયો છે. શહેરના મુખ્ય માર્ગ 150 ફૂટ રીંગ રોડ પર દોઢ-દોઢ ફુટના ખાડા પડી ગયા છે. આ રોડ ખખડધજ બનતા વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે વોર્ડ નં-11ના બાલાજી હોલ પાસે સ્થાનિક લોકોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો હતો. સ્થાનિકોનો વિરોધ છે કે, મહાનગરપાલિકાને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં રસ્તાની હાલત સુધરતી નથી. સ્થાનિક લોકો ખરાબ રસ્તાને લઈને ભારે પરેશાની વેઠી રહ્યા છે. ખાડાઓમાંથી પસાર થતા વાહન ચાલકોને કમર અને મણકાના દુખાવા સહિતની સમસ્યાનો ભોગ બની રહ્યા છે. અહીંથી વાહન લઈને નીકળવુ એ જીવ પડીકે બાંધીને નીકળવા જેવુ છે. સહેજ પણ જો આમતેમ થયા તો વાહનસાથે તમે ધબાય નમ: થઈ શકો છે. ખાડાગ્રસ્ત રોડમાં વાહનો ચલાવવાથી લોકોના વાહનોને પણ પારાવાર નુકસાન થઈ રહ્યુ છે. શહેરીજનો પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ વસુલતુ રાજકોટ મનપા તંત્ર નામ માત્રની પણ સુવિધા પણ નથી આપી શકતુ. દર વર્ષે ચોમાસે આ પ્રકારે જ રોડ બેસી જવા, રસ્તા ધોવાઈ જવા, રસ્તા પર મસમોટા ખાડા પડવા સહિતની સમસ્યાઓનો શહેરીજનોને સામનો કરવો પડે છે. પરંતુ તંત્ર તેના ભ્રષ્ટ વહીવટમાંથી બહાર નથી આવતુ.



