જિલ્લા પ્રમુખના કાર્યકાળમાં કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
દેશ અને ગુજરાતમાં કોંગ્રેસ જે એક સમયે પ્રથમ નંબરની રાજકીય પાર્ટી ગણાતી તે કોંગ્રેસ પાર્ટીનું હવે અસ્તિત્વ પણ જોખમમાં હોય તેવું નજરે પડે છે ત્યારે હાલમાં જ રાહુલ ગાંધી દ્વારા ગુજરાતના પ્રવાસે રહીને કોંગ્રેસના કેટલાક કામચોર કાર્યકરો અને બની બેઠેલા નેતાઓને નિવૃતિ આપવા માટેનો માસ્ટર પ્લાન બનાવ્યો હોવાનું જાહેર કર્યું હતું પરંતુ હજુય રાહુલ ગાંધીના આ માસ્ટર પ્લાનને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કેટલાક નેતાઓ ચાલવા દેવા રાજી નથી તેવું સ્પષ્ટ નજરે પડે છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગત ટર્મમાં પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીને કાર્યભાર આપવામાં આવ્યો હતો જેઓના કાર્યકાળમાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું હતું. છતાં ફરીથી જિલ્લા પ્રમુખ તરીકે નૌશાદ સોલંકીને આગળ કરતા હવે કાર્યકરોમાં નિરાશા જોવા મળી રહી છે. કોંગ્રેસ કાર્યકરો દ્વારા નૌશાદ સોલંકીને પૂન: જિલ્લા પ્રમુખ બનતાની સાથે જ કેટલાક સોશિયલ મીડિયા પર કોંગ્રેસની હાલતની કારણ આ પ્રકારના નેતાઓને ગણાવ્યા હતા સાથે જ કોંગ્રેસમાં રહેલા લગ્નના ઘોડા અને કાર્યકરો સાથે ખરા સમયે ઊભા કરવાને બદલે અન્ય કામકાજમાં વ્યસ્ત હોવાનો આક્ષેપ કરાયો હતો. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેની ગત ટર્મ દરમિયાન જેટલી પણ ચૂંટણી આવી તેમાં મોટાભાગે કોંગ્રેસનું અસ્તિત્વ જ રહ્યું નથી જેથી સ્પષ્ટ રીતે નૌશાદ સોલંકીને જિલ્લા પ્રમુખનો પુન: કાર્યભાર સોંપ્યા બાદ જિલ્લામાં કોંગ્રેસનું વજુદ હવે ખત્મ થવાના આરે હોય તેવું સ્પષ્ટ નજરે પડે છે.



