બદ્રીનાથ હાઇવે પર ભૂસ્ખલન, 200 મુસાફર ફસાયા
હરિયાણાના અંબાલા-ઝજ્જરમાં રસ્તાઓ તળાવ બન્યા
- Advertisement -
દેશભરમાં વરસાદને કારણે લોકોનું જીવન પણ પ્રભાવિત થયું છે. બિહાર અને પશ્ચિમ બંગાળમાં સોમવારે વીજળી પડવાથી ૧૧ લોકોના મોત થયા છે. ૧૪ લોકો ઘાયલ થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં બિહારના અલગ-અલગ જિલ્લાના ૭ અને બંગાળના હાવડાના ૪ લોકોનો સમાવેશ થાય છે. ઉત્તરાખંડના ચમોલીમાં બદ્રીનાથ હાઈવે પર .ભૂસ્ખલન થયું. રસ્તા પર પહાડી પરથી કાટમાળ અને પથ્થરો પડવાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો. જેના કારણે લગભગ ૨૦૦ મુસાફરો ફસાયા છે. જેઓ સોમવારે રાત્રે ૯ વાગ્યાથી રસ્તો ખુલવાની રાહ જોઈ રહ્યા છે.
આ તરફ, હરિયાણાના અંબાલા અને ઝજજરમાં રાતભર વરસાદ થયો. જેના કારણે રસ્તાઓ તળાવ બની ગયા. દુકાનોમાં પાણી ઘૂસી ગયું. ઉત્તર પ્રદેશના આગ્રામાં રાત્રે ૧ વાગ્યાથી અટકી-અટકીને વરસાદ પડી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં ૨ થી ૩ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. બારાબંકીમાં બે કલાકના ભારે વરસાદથી બસ સ્ટેશનમાં પાણી ભરાઈ ગયું. મધ્ય પ્રદેશમાં અત્યાર સુધી સરેરાશ ૧૫.૪ ઈંચ વરસાદ થયો છે, જે કોટાના અડધાથી પણ ઓછો છે. ભોપાલ, ગ્વાલિયર, ઉજ્જૈન-જબલપુર સહિત ૪૨ જિલ્લાઓમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડયો છે. IMD (હવામાન કેન્દ્ર) અનુસાર, આગામી ૨ દિવસ એટલે કે મંગળવાર અને બુધવારે ક્યાંય પણ ભારે વરસાદનું એલર્ટ નથી. ઉત્તર પ્રદેશમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થઈ ગયું છે. સોમવારે લખનઉ, કાનપુર, વારાણસી, બરેલી, આગ્રામાં વરસાદ થયો. ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે ૭૨ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
IMD એ હિમાચલ પ્રદેશ માટે ૩ થી ૭ ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જોકે, રાજ્ય માટે ફ્લેશ લડની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. પહાડી વિસ્તારોમાં મુસાફરી કરતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. કાશ્મીરના કુપવાડામાં સોમવારે વાદળ ફાટ્યા બાદ આવેલા પૂરથી એક મહિલાનું મોત થયું. પોલીસે જણાવ્યું કે વાદળ ફાટવાને કારણે વિસ્તારમાં અચાનક પાણીનો તેજ પ્રવાહ આવી ગયો હતો. આ પછી સોમવારે બાંદીપોરામાં પણ એક વાદળ ફાટ્યું. પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં સોમવારે અલગ-અલગ જગ્યાએ વીજળી પડવાથી ૪ લોકોના મોત થયા હતા, જયારે ૨ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાઓ જગતબલ્લવપુર, આમતા અને બગનાન પોલીસ સ્ટેશન વિસ્તારોમાં બની હતી. જગતબલ્લવપુરમાં ખેતરોમાં કામ કરી રહેલા લોકો પર વીજળી પડવાથી ૨ ખેડૂતોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને ૨ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જયારે આમતામાં તળાવમાં હાથ-પગ ધોઈ રહેલા ૩૫ વર્ષીય એક ખેડૂતનું વીજળી પડવાથી મોત થયું હતું. બગનાનના કટાપુકુરમાં ખેતરમાં કામ કરી રહેલા અન્ય એક ખેડૂતનું પણ વીજળીની ઝપેટમાં આવવાથી મોત થયું હતું. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.




