અચાનક વિમાન નીચે ઉતરવા લાગ્યું, હવામાં ભારે આંચકા લાગ્યા, સીલિંગમાં તિરાડો પડી : દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ
એર ઇન્ડિયાની ફુકેટથી દિલ્હી આવતી ફ્લાઇટ AI2379 મંગળવારે ટર્બ્યુલન્સ (તીવ્ર હવાના આંચકા)માં ફસાઈ ગઈ. ભારે આંચકાઓને કારણે ફ્લાઇટ ડોલવા લાગી અને અચાનક નીચે આવવા લાગી. જોકે, પાઇલટે પરિસ્થિતિ
સંભાળી લીધી અને ફ્લાઇટને દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. ન્યૂઝ એજન્સી PTIએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, અકસ્માતમાં વિમાનમાં સવાર 12 લોકો ઘાયલ થયા છે. જેમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર્સનો સમાવેશ
થાય છે. ઘાયલોને દિલ્હી એરપોર્ટના મેડિકલ સેન્ટરમાં તપાસ અને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. એર ઇન્ડિયાએ અગાઉ જણાવ્યું હતું કે તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. કોઈને ગંભીર ઈજા થઈ હોવાના સમાચાર
નથી. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ટર્બ્યુલન્સ પછી ફ્લાઇટની તસવીરો સામે આવી છે, જેમાં પ્લેનની સીલિંગ પેનલમાં તિરાડો જોવા મળી હતી. ફ્લાઇટમાં સવાર એક યાત્રીએ જણાવ્યું કે અચાનક વિમાન ખૂબ જ
ઝડપથી નીચે આવવા લાગ્યું, જેના કારણે ઘણા મુસાફરો ઘાયલ થયા અને તેમને ઇજાઓ પહોંચી. આ અકસ્માત પછી બધા મુસાફરો ડરી ગયા હતા. એક મુસાફરે જણાવ્યું કે ફ્લાઇટ ઉડાન ભરતી વખતે અચાનક ખૂબ નીચે
આવી ગઈ, જેના કારણે ઘણા મુસાફરોના માથા સીધા સીલિંગ સાથે અથડાયા. ઘણા લોકોના માથા પર સોજો પણ આવ્યો છે. એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુસાફરો અને ક્રૂની સુરક્ષા કંપનીની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
ઘાયલ લોકોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે અને ઘટનાની તપાસમાં સંબંધિત અધિકારીઓ સાથે સંપૂર્ણ સહયોગ કરવામાં આવી રહ્યો છે.




