અગરિયાઓએ રણમાં કંપનીનું કામ બંધ કરાવ્યું: માટીના પાળા નાખવાનું કામ ચાલતું હતું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
- Advertisement -
કચ્છના નાના રણમાં આજે મોટી સંખ્યામાં અગરિયાઓ પહોંચ્યા હતા અને એક ખાનગી કંપની દ્વારા ચાલી રહેલું માટીના પાળા નાખવાનું કામ બંધ કરાવ્યું હતું. 5,000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવવાના સરકારી નિર્ણય સામે અગરિયાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને જ્યાં સુધી આ મામલે નિવેડો ન આવે ત્યાં સુધી તેઓ ત્યાં બેસી રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
સરકાર હસ્તકની હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા આશરે 5,000 એકર જમીન એક ખાનગી કંપનીને ભાડા પટ્ટે ફાળવવામાં આવતા અગરિયા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી મીઠાના ઉત્પાદન સાથે સંકળાયેલા અગરિયાઓએ આ નિર્ણયને તેમના રોજગાર અને અસ્તિત્વ માટે જોખમી ગણાવ્યો છે.
ખાનગી કંપની દ્વારા ફાળવાયેલી જમીનમાં માટીના વિશાળ પાળા બાંધવાનું કામ શરૂ કરાયું છે. અગરિયાઓનો આક્ષેપ છે કે, આ વિસ્તારમાં તેમના પરંપરાગત મીઠાના પાટા આવેલા છે, જે હવે જોખમમાં મુકાઈ શકે છે. આ ઉપરાંત, ખારાઘોડાથી રણમાં અવરજવર માટે ઉપયોગમાં લેવાતા માર્ગો પણ અવરોધિત થવાની શક્યતા છે.
આ મુદ્દે રજૂઆત કરવા અગરિયાઓ ખારાઘોડા સ્થિત હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડની કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં કોઈ જવાબદાર અધિકારી હાજર ન મળ્યા. છેલ્લા બે દિવસથી સતત રજૂઆતો છતાં યોગ્ય જવાબ ન મળતા, અગરિયાઓએ સીધા રણમાં જઈને ચાલી રહેલું કામ બંધ કરાવ્યું હતું.
અગરિયાઓનું કહેવું છે કે, દાયકાઓથી તેઓ મીઠું પકવવા માટે માત્ર દસ એકર જમીનના અધિકારની માંગ કરી રહ્યા છે, પરંતુ અભયારણ્ય વિસ્તાર હોવાના કારણે તેમની આ માંગણી મંજૂર થતી નથી. બીજી તરફ, હજારો એકર જમીન ખાનગી કંપનીને ફાળવાતા અનેક પ્રશ્નો ઊભા થયા છે.
અગરિયા મહાસંઘના પ્રમુખ બચુભાઈ દેગામાના જણાવ્યા મુજબ, આવતીકાલે અગરિયા આગેવાનો અને સ્થાનિક રાજકીય પ્રતિનિધિઓ હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડના અધિકારીઓ સાથે બેઠક કરશે. આ બેઠકના આધારે આગામી લડતની દિશા નક્કી કરવામાં આવશે.
હાલ રણમાં પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને માટીના પાળા નાખવાનું કામ સંપૂર્ણપણે બંધ કરાવવામાં આવ્યું છે. અગરિયાઓ જ્યાં સુધી તેમની માંગણીઓનો નિવેડો ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા મક્કમ છે.



