સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-3 ખાતે પ્રતિકાત્મક સફાઈ અભિયાન
સરકારના સ્વચ્છતા દાવા પર ઉઠાવ્યા સવાલ, ઉગ્ર જનઆંદોલનની ચેતવણી
- Advertisement -
સમગ્ર રાજ્યને સ્વચ્છતાના પાઠ ભણાવવાનો દાવો કરતી સરકારની પોતાની જ કચેરીઓની હાલત અત્યંત શરમજનક : ડૉ. રાજદીપસિંહ જાડેજા
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાજકોટ ઝોન-3 સ્થિત સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે સરકારી તંત્રની બેદરકારી સામે અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કચેરીના પરિસરમાં પડેલા કચરાના ઢગલાઓને લઈને
કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ જાતે જ સફાઈ કરી સરકાર અને સ્થાનિક તંત્રના સ્વચ્છતા સંબંધિત દાવાઓ સામે પ્રશ્નો ઊભા કર્યા હતા. કોંગ્રેસના આગેવાનોનું કહેવું હતું કે રાજ્ય સરકાર સતત સ્વચ્છતા અને વિકાસના દાવા
કરીને પોતાની સિદ્ધિઓનો પ્રચાર કરી રહી છે, પરંતુ સરકારી કચેરીઓના પરિસરમાં જ કચરાના ઢગલા જોવા મળતા વાસ્તવિક સ્થિતિ કંઈક જુદી જ હોવાનું સ્પષ્ટ થાય છે. સરકારી તંત્ર પોતાની કચેરીઓમાં પણ સ્વચ્છતા
જાળવી શકતું ન હોય તો શહેરને સ્વચ્છ બનાવવાના દાવા માત્ર કાગળ પૂરતા જ હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યને સ્વચ્છતાના પાઠ ભણાવવાનો દાવો કરતી સરકારની પોતાની જ સરકારી કચેરીઓની હાલત અત્યંત શરમજનક છે. તેમના
જણાવ્યા અનુસાર ભાજપ સરકાર માત્ર જાહેરાતો, પ્રચાર અને ફોટોશૂટમાં વ્યસ્ત છે, જ્યારે વાસ્તવિક સમસ્યાઓના ઉકેલ પ્રત્યે સંપૂર્ણપણે ઉદાસીન બની ગઈ છે. કોંગ્રેસે આજે પ્રતિકાત્મક રીતે સફાઈ કરીને સરકારી તંત્રની પોલ
જનતા સમક્ષ ખુલ્લી પાડી છે. સરકારી કચેરીઓ સહિત સમગ્ર શહેરમાં નિયમિત સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જવાબદાર અધિકારીઓએ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ અને માત્ર કાગળ પરની કામગીરીથી આગળ
વધીને વાસ્તવિક અમલ કરવો જોઈએ.
- Advertisement -
કોંગ્રેસ સમિતિએ ચેતવણી પણ આપી હતી કે જો તંત્ર માત્ર દેખાવ પૂરતી કામગીરી અને ફોટોશૂટ સુધી જ સીમિત રહેશે તેમજ જનતાના મૂળ પ્રશ્નોના નિરાકરણમાં નિષ્ફળ જશે, તો કોંગ્રેસ આગામી સમયમાં જનહિતના મુદ્દાઓને
લઈને વધુ ઉગ્ર જનઆંદોલન શરૂ કરશે. આ વિરોધ કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજા ઉપરાંત ગોપાલ અનડકડ, અતુલ રાજાણી, ડી.પી. મકવાણા, નીતિન ભંડેરી, આદિત્યસિંહ ગોહિલ, ડી.બી.
ગોહિલ, રણજીત મુંધવા, ભાવેશ વાઘેલા, હિરલ રાઠોડ, દીપુ રવિયા, જયદીપ મયાત્રા, નરેન્દ્ર પટેલ, રમેશ જુંજા, ઘનશ્યામસિંહ જાડેજા, અહેસાનભાઈ, સલીમ કારિયાણી, ભૂમિન પટેલ, જયેશ પાટડિયા સહિત કોંગ્રેસના અનેક
હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.




