મેયર નેહલ શુકલના વોર્ડની આજી નદીમાં ગંદકી
ડૉ. નેહલ શુક્લ જીતી ગયા ત્યારે રામનાથ મંદિરે ધ્વજા ચડાવી પણ આસપાસ શુદ્ધિકરણ ન સૂઝ્યું
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા પ્રિ મોન્સૂનની કામગીરીમાં ઝીરો છે : કોંગ્રેસ કોર્પોરેટર મકબૂલ દાઉદાણી
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની જીવાદોરી સમાન આજી નદીની સફાઈ કરવામાં ન આવતા આજે બુધવારે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ પાવડા અને તગારા લઈને નદીના પટ્ટમાં ઉતર્યા હતા અને સફાઈ કરી હતી. મેયર ડૉ. નેહલ શુક્લ પોતાના વોર્ડ નં.7 માં આવેલી આજી નદીની સફાઈ ન કરાવી શકતા હોય તો શહેરની સફાઈ કેવી રીતે કરાવી શકશે તેવો સવાલ વિરોધ કરતા વોર્ડ નં.15ના કોંગી નગરસેવક મકબૂલ દાઉદાણીએ ઉઠાવ્યો હતો. આ સાથે જ કટાક્ષ કર્યો કે મેયર જ્યારે જીતી ગયા ત્યારે પોતાની માનતા પૂરી કરવા માટે રામનાથ મહાદેવને મંદિરે ધ્વજા ચડાવી હતી. જોકે બાદમાં આ મંદિરની આસપાસ આજી નદીમાં ફેલાયેલી ગંદકી તેમને ન દેખાઈ ત્યારે ભવિષ્યમાં પણ જો તંત્ર નહીં જાગે તો JCB લઈને સફાઈ કરશું તેવું એલાન કર્યું હતું. જોકે તેમના આ વિરોધ પ્રદર્શન દરમિયાન માંડ 10 લોકો હાજર રહ્યા હતા.
- Advertisement -
કોંગ્રેસના કોર્પોરેટર મકબૂલ દાઉદાણીએ જણાવ્યું હતું કે, આજે અમે રામનાથ મંદિરે આવ્યા છીએ અને આ આજી નદી છે. અહીં રામનાથ મહાદેવ બિરાજમાન છે પરંતુ કોઈ દિવસ સફાઈ કરવામાં આવતી નથી જેના કારણે પાણી વધારે આવે છે અને ગત વર્ષે ચોમાસા દરમિયાન વરસાદના કારણે મંદિરમાં નુકસાન થયું હતું. રાજકોટ મહાનગરપાલિકા પ્રિ મોન્સૂનની કામગીરીમાં ઝીરો છે. મેયર ઓફિસમાં બેસીને મોટી મોટી વાતો કરે છે આ એમનો જ વોર્ડ છે અને અહીં રામનાથ મહાદેવ બિરાજમાન છે. ગત વખતે પણ અહીં આજી નદીમાં સફાઈ કરવામાં આવી ન હતી. જેને કારણે નદીનું પાણી મંદિરમાં ઘૂસી જતા નુકસાન થયું હતું. હજુ પણ સફાઈ નહીં કરાવે તો આ વર્ષે વધુ નુકસાન જશે. મેયર દ્વારા નાના નાના નાળા સફાઈ કરવાનું કહેવામાં આવે છે પરંતુ મુખ્ય આજી નદીની જ સફાઈ કરવામાં આવતી નથી. જેને કારણે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જાય છે. મેયર પોતાના વોર્ડમાં જ સફાઈ ન કરાવી શકે તો બીજા વોર્ડમાં જઈને તેઓ શું કરી શકવાના?




