રાજકોટ મનપાના ફૂડ વિભાગના દરોડા
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી અસ્વચ્છતા અને ભેળસેળ સામે આક્રમક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેના જ ભાગરૂપે હાથ ધરવામાં આવેલા વિશેષ સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ફડ વિભાગની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કુલ ૪૧ જેટલી વેપારી પેઢીઓ, હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ કામગીરી દરમિયાન નાગરિકોના આરોગ્ય માટે અત્યંત હાનિકારક એવો ૩૨ કિલો અખાદ્ય તેમજ વાસી ખોરાકનો જથ્થો અને ૧૨૦ લિટર એક્સપાયરી તારીખ વાળા કોલ્ડડ્રિક્સનો જથ્થો પકડી પાડી તેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ગંભીર ગંદકી, સ્ટોરેજ અને નિયમોના ઉલ્લંઘન બદલ ૧૩ પેઢીઓને કાયદેસરની નોટિસ પાઠવીને રૂ. ૨૪,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. જ્યારે અત્યંત અસ્વચ્છ સ્થિતિ ધરાવતી ૦૧ પેઢીને સીલ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત ફડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ (FSS Act) હેઠળ ચકાસણી અર્થે ૩ શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂના લઈ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે.
- Advertisement -
મનપાના ફૂડ વિભાગ દ્વારા કસ્તુરબા રોડ પર બીલખા પ્લાઝા સામે આવેલી ‘જય હિન્દ મદ્રાસ કાફે’ નામના એકમની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ત્યાંથી વાસી અને અખાદ્ય ખોરાકનો મોટો સંગ્રહ મળી આવ્યો હતો. ફ્રિજમાં ભારે ગંદકી જોવા મળી હતી. તથા કિચનમાં દુર્ગંધયુક્ત અને અસ્વચ્છ વાતાવરણમાં ખુલ્લા મસાલા તેમજ ખુલ્લો રાંધેલો પ્રીપેડ ખોરાક રાખવામાં આવ્યો હતો. આ ગંભીર બેદરકારી બદલ તેમજ લાયસટ્સ અને હાઈજેનિક કન્ડિશન અંગે નોટિસ આપીને આ પેઢીને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી હતી.
બીજી તરફ, જૂના માર્કેટ યાર્ડ સ્થિત ‘શ્યામ એન્ડ કંપની’માંથી લાલ મરચું પાવડર (લૂઝ), ધાણાજીરું પાવડર (લૂઝ) અને શંખ મસાલા ટર્મરિક (હળદર) પાવડરના ૩ શંકાસ્પદ નમૂનાઓ લેબ ટેસ્ટિંગ અર્થે લેવામાં આવ્યા હતા. મવડી બાયપાસ રોડ પર આવેલા ‘ક્રીશ નમકીન’માંથી ૨૨ કિલો દાજીયા (બળેલા) તેલનો નાશ કરી રૂ. ૩૦૦૦ દંડ વસૂલાયો હતો, જ્યારે ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલ ‘સીતારામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ’માંથી ૧૨૦ લિટર એક્સપાયર્ડ કોલ્ડડ્રિક્સ અને ૧૦ કિલો ખરાબ લોટનો નાશ કરી રૂ. ૧૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો. આ સિવાય બાલાજી છોલે ભટુરે, પટેલ પાન, શ્રી મોમાઈ હોટલ, Gj ૫ ગોલા, રામ ડીલક્સ, ઉમા પાન, શ્રી સંત કૃપા ટી સ્ટોલ અને ન્યુ બોમ્બે સ્ટાઈલ ભેળ સહિતની વિવિધ પેઢીઓને નોટિસ પાઠવી સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો.




