ખાસ-ખબર ન્યૂઝના રિયાલિટી ચેકમાં ચોંકાવનારી સ્થિતિ આવી સામે
ખુલ્લા વીજ વાયર, ગંદકી અને રખડતા શ્વાનોથી અરજદારોની સુરક્ષા જોખમમાં
- Advertisement -
ભેજગ્રસ્ત દિવાલો, તૂટેલા બાંકડા અને જાળવણીના અભાવે આધુનિક બિલ્ડિંગની ગુણવત્તા સામે ગંભીર સવાલો
રાજકોટ આરટીઓ કચેરીમાં દરરોજ ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહન નોંધણી, ટ્રાન્સફર સહિતની વિવિધ કામગીરી માટે મોટી સંખ્યામાં અરજદારો પહોંચતા હોય છે. સામાન્ય નાગરિકોને આધુનિક અને સુવિધાસભર સેવાઓ મળી રહે તે
માટે અંદાજે 9 કરોડના ખર્ચે નવા આરટીઓ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ હાલની સ્થિતિ જોતા કરોડો રૂપિયાનો ખર્ચ જાણે પાણીમાં ગયો હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. ‘ખાસ ખબર ન્યૂઝ’ની ટીમે આરટીઓ
કચેરીમાં રિયાલિટી ચેક કરતાં અનેક ગંભીર બેદરકારીઓ કેમેરામાં કેદ કરી હતી. કચેરીના જુના બિલ્ડિંગમાં ઠેરઠેર ગંદકીના ઢગલા, તૂટેલા બાંકડા અને ખુલ્લા વીજ વાયર જોવા મળ્યા હતા. અરજદારો જ્યાં કલાકો સુધી પોતાની
કામગીરી માટે રાહ જોતા હોય છે, ત્યાં આવી જોખમી સ્થિતિ કોઈપણ સમયે અકસ્માતને આમંત્રણ આપી શકે છે.
ચોંકાવનારી બાબત એ છે કે નવા બિલ્ડિંગમાં પણ અનેક જગ્યાએ દિવાલોમાં ભેજ દેખાઈ રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ ટૂંકા સમયમાં જ આવી સ્થિતિ સર્જાતા બિલ્ડિંગની ગુણવત્તા અને કામગીરી પર સવાલો ઊભા થયા
છે. સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ થયો છે કે નહીં અને જાળવણીમાં કોણ બેદરકારી દાખવી રહ્યું છે તે અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. આ બિલ્ડિંગમાં મહત્વના વિભાગોની કચેરીઓ આવેલી હોવાથી રોજ મોટી સંખ્યામાં મહિલાઓ,
વરિષ્ઠ નાગરિકો અને યુવાનો સહિતના અરજદારો અવરજવર કરતા હોય છે. તેમ છતાં કચેરીમાં જોવા મળતી અવ્યવસ્થા અને જોખમી માહોલ અરજદારોમાં ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યો છે. ખુલ્લા વીજ વાયર કે તૂટેલી
સુવિધાઓના કારણે જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે, તે મોટો પ્રશ્ન છે.
- Advertisement -
આધુનિક સુવિધાઓ ધરાવતી કહેવાતી આરટીઓ કચેરીમાં રખડતા શ્વાનના આંટાફેરા પણ જોવા મળ્યા હતા. જાહેર કચેરીમાં શ્વાનની અવરજવર માત્ર સ્વચ્છતા માટે જ નહીં પરંતુ અરજદારોની સુરક્ષા માટે પણ ચિંતાજનક છે.
ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વૃદ્ધ અરજદારો માટે આવી સ્થિતિ અસુરક્ષાની લાગણી ઉભી કરે છે. આ સમગ્ર ઘટનાએ કચેરીની સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. જો કચેરીમાં સુરક્ષા ગાર્ડની વ્યવસ્થા છે
તો રખડતા શ્વાન અંદર સુધી કેવી રીતે પહોંચી જાય છે? અને જો સુરક્ષા વ્યવસ્થા અસરકારક નથી તો અરજદારોની સલામતીની જવાબદારી કોણ નિભાવશે? આવા અનેક સવાલોના જવાબ હવે જવાબદાર તંત્રએ આપવા જરૂરી
બની ગયા છે.
આરટીઓ જેવી જાહેર સેવા આપતી કચેરીમાં કરોડો રૂપિયાના ખર્ચ છતાં જાળવણીનો અભાવ, જોખમી માળખાકીય સ્થિતિ અને સુરક્ષાની ખામીઓ સામે આવતાં હવે સંબંધિત વિભાગ તાત્કાલિક કાર્યવાહી કરશે કે નહીં, તેના પર
સૌની નજર મંડાઈ છે.




