આપત્તિ વ્યવસ્થાપન અને ઇમરજન્સી સેવાઓને વધુ સજ્જ બનાવવા પ્રયાસો
વરસાદી પરિસ્થિતિ, ઇમરજન્સી પ્રતિસાદ, સાધનસામગ્રી અને માનવબળની તૈયારીની સમીક્ષા
- Advertisement -
ઇમરજન્સી કોલ અને ફરિયાદોના સમયસર નિકાલ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી
રાજકોટ શહેરમાં ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અને ઇમરજન્સી સેવાઓને વધુ સજ્જ બનાવવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયાએ આજે નાગરિક બેંક ચોક ખાતે આવેલા મુખ્ય ફાયર સ્ટેશનની મુલાકાત લઈ વરસાદી પરિસ્થિતિ દરમિયાન ચાલી રહેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
મુલાકાત દરમિયાન છેલ્લા 24 કલાક દરમિયાન શહેરમાં નોંધાયેલા વરસાદની સ્થિતિ, વિવિધ વિસ્તારોમાં ઊભી થયેલી પરિસ્થિતિ, વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ, વરસાદી પાણીના નિકાલ માટે હાથ ધરાયેલી કામગીરી, હોર્ડિંગ્સ સંબંધિત ફરિયાદો તેમજ અન્ય ઇમરજન્સી કોલ અને ફરિયાદોના સમયસર નિકાલ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી.
- Advertisement -
ચેરમેન પરેશ પીપળીયાએ ફાયર સ્ટેશન ખાતે ઉપલબ્ધ ફાયર ફાઇટિંગ સાધનો, બચાવ માટેના ઉપકરણો, ઇમરજન્સી વાહનો તેમજ ઉપલબ્ધ માનવબળની કામગીરી અને તેમની તૈયારીનું પણ નિરીક્ષણ કર્યું હતું. વરસાદી માહોલમાં કોઈપણ પ્રકારની કુદરતી અથવા અકસ્માતજન્ય પરિસ્થિતિમાં ઝડપી પ્રતિસાદ મળી રહે તે માટે તમામ વ્યવસ્થાઓ સજ્જ રાખવા ભાર મૂકવામાં આવ્યો હતો.
અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે શહેરના તમામ ફાયર સ્ટેશનોને 24 કલાક સ્ટેન્ડબાય સ્થિતિમાં રાખવામાં આવે, તમામ વાહનો અને સાધનસામગ્રી સંપૂર્ણ કાર્યરત સ્થિતિમાં રહે તેમજ સ્ટાફ સતત સતર્ક રહે. કોઈપણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક અસરથી બચાવ અને રાહત કામગીરી શરૂ કરી શકાય તે માટે જરૂરી પૂર્વ તૈયારી સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
આ ઉપરાંત શહેરના તમામ ઝોનમાં સતત મોનિટરિંગ જાળવવા, વરસાદી પરિસ્થિતિ પર નજર રાખવા અને ફાયર બ્રિગેડ, ઇજનેર શાખા, ડ્રેનેજ વિભાગ સહિત સંબંધિત તમામ વિભાગો વચ્ચે સુમેળભર્યું સંકલન જાળવી નાગરિકોને સમયસર સહાય ઉપલબ્ધ કરાવવા પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ચોમાસા દરમિયાન નાગરિકોની સુરક્ષા, ઝડપી રાહત કામગીરી અને શહેરમાં સામાન્ય જનજીવનને અસર ન થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. મનપા તંત્ર દ્વારા વરસાદી સિઝન દરમિયાન કોઈપણ પ્રકારની ઇમરજન્સી પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરવા માટે તમામ વિભાગોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.




