પિતાની હત્યાનું મન દુ:ખ રાખી આરોપીનાં પુત્રને ટ્રક હડફેટે લઈ હત્યા કરાઈ
ખાસ-ખબર સંવાદદાતા
ગઈકાલે સવારે એક ટ્રક ચાલકે સામેથી બાઈક પર આવતા યુવાન પર ટ્રક ચડાવી તેની હત્યા કરી નાખી હતી. ઉનાના રફિક હુસેન વાકોટ નામનો યુવાન સવારે 9 વાગ્યે ડોળાસા તરફ આવેલી સીમમાં પોતાની વાડીએ ગયો હતો, અને 11 વાગ્યે પરત ફરતો હતો તે સીમાસી ગામ નજીક રૂપેણ નદીના પુલ પર પહોંચ્યો એ વખતે સામેથી આવતી જીજે 11 ઝેડ 8369 નંબરની ટ્રકના ચાલક તેની બાઇક પર ટ્રકચડાવી દીધી હતી. બનાવ વખતે રફિકનો કાકાનો દીકરો નજીર આદમભાઇ વાકોટ પાછળ પોતાની બાઇક લઈને આવતો હોઇ બનાવની ખબર પડી હતી. આથી તેણે બૂમાબૂમ કરીને સીમાસી ગામના સમીરભાઇ ગનીભાઇ વાકોટ સહિતના લોકોને બોલાવ્યા હતા. અને રકિકને 108માં ઉના સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આથી નજીરે ટ્રક ચડાવનાર એઝાઝ અબ્બાસભાઇ જુણેજા અને તેની બાજુમાં બેઠેલા એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે, અગાઉ એઝાઝના પિતા અબ્બાસભાઇની હત્યા થઇ હતી એ ગુનામાં મૃતક રફિકના પિતા હુસેનભાઇ હાલ રાજકોટ જેલમાં છે. એ બનાવમાં 22 લોકો સામે ગુનો નોંધાયો હતો. અને હાલ આરોપીઓ જેલહવાલે છે. એ ગુનાનું મનદુ:ખ રાખી આ બનાવને અંજામ અપાયો છે. અત્રે નોંધનીય છેકે, મૃતક રફિક અગાઉ 2012માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે સૂત્રાપાડા પોલીસ મથકમાં 1 વર્ષ ફરજ બજાવી ચૂક્યો છે. પણ બાદમાં જીપીએસસી પરીક્ષાની તૈયારી માટે તેણે રાજીનામું આપ્યું હતું. અકસ્માત નિપજાવ્યા બાદ આરોપી ટ્રકચાલક ફરાર થઇ ગયો હતો.