નૈનીતાલમાં જન્મેલા વિખ્યાત શિકારીએ 1952માં કેન્યામાં રહીને લખ્યા હતા ભારતના ગરીબો સાથેના સંસ્મરણો
કેટલાક મહિના પહેલા નવનીત સમર્પણમાં એક લેખ છપાયો હતો. પુસ્તકમાં જિમ કોર્બેટના અંગ્રેજી પુસ્તક માય ઇંડિયાની વાત કરવામાં આવી હતી. એમાં એક પ્રકરણ ચમારી નામના વ્યક્તિ ઉપર છે જે જિમ કોર્બેટને ત્યાં કામ કરતો હતો અને તેનો ખાસ વિશ્વાસુ હતો. આ વ્યક્તિ અને જિમ કોર્બેટના ગાઢ સંબંધો વિશે જ લેખમાં વાત કરવામાં આવી હતી. આખા પુસ્તકમાં તેના રેફરન્સ તરીકે અંગ્રેજી પુસ્તકનો જ ઉલ્લેખ થયો હતો. ત્યારે મને યાદ આવ્યું કે તેનો ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદ ‘મારું ભારત’ નામે થયો છે. થોડા સમય પહેલાં જ તેનો ગુજરાતી અનુવાદ મેં વાંચ્યો હતો. આજે વાત કરવી છે જિમ કોર્બેટના પુસ્તકના મારું ભારત વિશે.
જિમ કોર્બેટનો જન્મ ભારતમાં જ નૈનીતાલમાં થયો હતો. આજે તેમના નામે ભારતનો સૌથી પ્રખ્યાત નેશનલ પાર્ક છે. 1973માં પ્રોજેક્ટ ટાઇગર અમલમાં મુકાયો ત્યારે તેમને શ્રધ્ધાંજલિ રૂપે આ નેશનલ પાર્કનું નામ આપવામાં આવ્યું હતું. તેમનું બાળપણ નૈનીતાલમાં જ વીત્યું હતું. તે એક નામી શિકારી હતા. તેમણે કેટલાય માનવભક્ષી વાઘ અને દિપડાંનો શિકાર કરી લોકોને આફતમાંથી બચાવ્યાં હતાં. તેમના શિકારના દિલધડક વર્ણન ધરાવતા ત્રણ પુસ્તકો ખૂબ જ પ્રખ્યાત છે. મેન ઇટર્સ ઓફ કુમાઉ, મેન ઈટીંગ લેપર્ડ ઓફ રુદ્રપ્રયાગ અને ટેમ્પલ ટાઇગર. પરંતુ મારું ભારત તેમના આ પુસ્તકો કરતાં ખૂબ જ જુદા પ્રકારનું પુસ્તક છે. આમાં શિકારના જીવસટોસટના વર્ણનો ઓછા છે. આ આખું પુસ્તક તેમના જીવનાના સંસ્મરણો ખાસ કહી શકાય. એ સમયનું બ્રિટિશ ભારત, જેમાં એક એવી બ્રિટિશ વ્યક્તિ જેનો જન્મ જ ભારતમાં થયો છે. અખા જીવન દરમિયાન તેમને થયેલા ભારતના ગામડાં અને તેના લોકજીવન વિશેના તેમના અનુભવો આ પુસ્તકમાં સમાવવામાં આવ્યા છે.જિમ કોર્બેટ બન્ને વિશ્વયુધ્ધમાં જોડાયા હતા. તેમણે 23 વર્ષની ઉમરે આફ્રિકાના બોઅર વિગ્રહમાં પણ ભાગ લીધો હતો. પણ તેઓ 1947માં ભારત છોડી કાયમી ધોરણે કેન્યા તેમની બહેન સાથે સ્થાયી થયા હતા. ત્યાં જ તેમણે 1952માં મારું ભારત પુસ્તક લખ્યું હતું. નૈનિતાલમાં વીતેલું તેમનું બાળપણ, શિક્ષણ, શાળા છોડ્યા બાદ તેમણે કરેલી વિવિધ નાની-મોટી નોકરી, તે નોકરીઓ દરમિયાન તેમને થયેલા અનુભવો ‘મારું ભારત’ પુસ્તકમાં તેમણે વણી લીધા છે. લેખકે પોતાનું જીવન જંગલો અને પહાડોમાં વસતા ગરીબો વચ્ચે વિતાવ્યું હતું. ત્યારના ભારતીય લોકોના જીવન, રીતરિવાજો, માન્યતાઓ, સાદાઈ, પ્રેમ, પ્રામાણિકતા, રહેણી-કરણી, પ્રાણીઓ અને જંગલ સાથેનું સહિયારું જીવન, તેમની મુશ્કેલીઓ, ગરીબાઈ, મુશ્કેલીમાં પણ હસતા રહેવાની તેમની આવડત જેવી બાબતોથી તેઓ અભિભૂત હતા. આ પુસ્તક ભારતના ગરીબોના જીવનને ઉજાગર કરે છે. આઝાદી પહેલાં, ઉત્તર ભારતના પહાડોમાં, શહેરી જીવનની સુવિધાઓથી દૂર રહેતા ભારતીય સમાજની ઝલક આ પુસ્તકમાં મળી રહે છે. પુસ્તકમાં નાની-નાની વાર્તાઓ છે. વાર્તાના પ્રત્યેક પાત્ર સાથે લેખક અંગત રીતે જોડાયેલા હતા. બાળપણથી શરૂ કરી નિવૃત્ત થયા ત્યાં સુધીના કિસ્સા તેમણે આ પુસ્તકમાં સામેલ કર્યા છે. આ પુસ્તક તેમણે ભારતના ગરીબોને જ અર્પણ કર્યું છે. પુસ્તકમાં કુલ બાર પ્રકરણો છે. દરેક પ્રકરણમાં વાચકને બ્રિટિશ ઇંડિયાના, ભારતીય ગામડાંઓની ઝલક મળશે. જિમ કોર્બેટના પુસ્તકો વાંચ્યા હોય કે ન વાંચ્યા હોય ચારેય પુસ્તકો ગુજરાતીમાં પ્રાપ્ય છે. મેં બધા પુસ્તકો એકથી વધુ વાર વાંચ્યા છે. જેને દરેક વાચકે વાંચવા રહ્યા.




