માતાની છત્રછાયા ગુમાવનાર માસૂમ બાળકના હસ્તે મનપા કચેરીએ આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ
ડ્રેનેજની કુંડી સાથે અથડાતા ગંભીર રીતે ઘાયલ થયેલા મિતાલીબેન કેસરિયાનું અઢી માસની સારવાર બાદ નિધનઃ તંત્ર સામે રોષ
- Advertisement -
‘મનપા પૂરો ટેક્સ વસૂલે છે પણ સુવિધા આપતી નથી, મારા પૌત્રનું ભવિષ્ય સુરક્ષિત જોઈએ’: મૃતકના માતાનો હૈયાફાટ વલોપાત
રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં રસ્તા પર ઊંચી રાખવામાં આવેલી ડ્રેનેજની કુંડીને કારણે સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા પરિણીતા મિતાલીબેન કેસરિયાનું અઢી માસની લાંબી સારવાર બાદ હેમરેજને કારણે કરુણ મૃત્યુ નીપજતાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટનાના વિરોધમાં અને મૃતકને ન્યાય અપાવવા માટે રઘુવંશી સમાજ મેદાને આવ્યો છે. આજે શહેરના ત્રિકોણબાગથી મહાનગરપાલિકા કચેરી સુધી વિશાળ રેલી કાઢવામાં આવી હતી, જ્યાં માતાની મમતા ગુમાવનાર માસૂમ બાળકના હસ્તે નાયબ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી.મૃતકના માતાનો વલોપાત મહાનગરપાલિકા કચેરી ખાતે રજૂઆત દરમિયાન મૃતક મિતાલીબેનના માતા અંજનાબેન ચોધાર આંસુએ રડી પડ્યા હતા અને હૈયાફાટ વલોપાત ઠાલવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “સાતમ-આઠમના તહેવારની રાત્રે બાળક સૂઈ ગયું હોવાથી મારી દીકરી અને જમાઈ બહાર જમવા જતા હતા, ત્યારે રસ્તા વચ્ચે બેનર કે ડાયવર્ઝનના બોર્ડ વગરની કાળમુખી કુંડી નડતા અકસ્માત સર્જાયો હતો. ગઈકાલે જ મારા પૌત્રનો પ્રથમ જન્મદિવસ હતો ત્યારે તે પોતાની માતાને યાદ કરતો હતો. અઢી મહિના સુધી મારી દીકરી સિવિલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી રહી, પરંતુ તંત્રનો એક પણ અધિકારી ખબર પૂછવા આવ્યો નથી. મનપા પૂરો ટેક્સ વસૂલે છે પણ સુવિધા આપતી નથી. અમારા જમાઈ હજુ નાના છે, ત્યારે મારા પૌત્રનું ભવિષ્ય સુરક્ષિત થાય અને જવાબદાર અધિકારીઓ-કોન્ટ્રાક્ટરને કડક સજા થાય તેવી અમારી માંગ છે.”
વોર્ડ નં. ૧ના અધિકારી અને એજન્સીના નામ જાહેર કરવા માંગ: કે.ડી. રઘુવંશી
- Advertisement -
રઘુવંશી યુવા શક્તિ સંઘના આગેવાન કે.ડી. રઘુવંશીએ તંત્રની બેદરકારી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગત ૬ સપ્ટેમ્બરના રોજ ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ઘંટેશ્વર પાર્ક પાસે ઊભી કરાયેલી મોતની કુંડી સાથે અથડાવાથી મિતાલીબેનને ગંભીર ઈજા થઈ હતી. આ દુર્ઘટના માટે વોર્ડ નંબર ૧ના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટ એજન્સી સીધી રીતે જવાબદાર છે, છતાં તંત્ર દ્વારા તેમના નામ જાહેર કરવામાં આવ્યા નથી. જવાબદારો સામે તાત્કાલિક કડક કાર્યવાહી થવી જોઈએ.
કોન્ટ્રાક્ટર એજન્સીને નોટિસ અપાઈ છે: નાયબ કમિશનર
આ સમગ્ર મામલે મહાનગરપાલિકાના નાયબ કમિશનર ચેતન નંદાણીએ જણાવ્યું હતું કે, એસઆરપી કેમ્પથી રીંગ રોડ-૨ને જોડતા રસ્તા પર બનેલી આ દુખદ ઘટનામાં કોન્ટ્રાક્ટર, નિયમિત દેખરેખ રાખવાની જવાબદારી ધરાવતી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એજન્સી અને સુપરવિઝન કરતા મનપાના સ્ટાફની જવાબદારી બને છે. આ ઢાંકણું ડામરની નીચે હોવાનું સામે આવ્યું છે, તેમ છતાં કોન્ટ્રાક્ટર એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે અને તપાસના અંતે જે પણ કસૂરવાર ઠરશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.




