હત્યારાઓ બાઈક પણ લઇ ગયા, લૂંટના ઇરાદે હત્યા થઇ હોવાની પોલીસને શંકા
હત્યાનો ભેદ ઉકેલવા જિલ્લાભરમાં નાકાબંધી : સીસીટીવી આધારે ભેદ ઉકેલવા તજવીજ
- Advertisement -
રાજકોટ જિલ્લાના ગોંડલમાં વેપારીની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે ચુનારા શેરીમાં આવેલી તેલની દુકાનમાં 61 વર્ષીય વૃદ્ધ વેપારીની અજાણ્યા શખ્સોએ મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા નિપજાવી મૃતકનું બાઈક પણ ગાયબ હોવાથી આ હત્યા લૂંટના ઈરાદે થઈ છે કે અન્ય કોઈ કારણોસર તે દિશામાં પોલીસે નાકાબંધી કરાવી સીસીટીવી આધારે ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ગોંડલના રામ મંદિર પાસે આવેલી અરૂણ કોલોનીમાં રહેતા અને ચુનારા શેરીમાં ‘મહાવીર ટ્રેડર્સ’ નામે તેલનો વેપાર કરતા ભરતભાઈ નાનભા ડાભી ઉ.61 નિત્યક્રમ મુજબ દરરોજ રાત્રે 10 વાગ્યે પોતાની દુકાન વધાવીને ઘરે જતા રહેતા હતા. પરંતુ ગત રાત્રે 11ઃ30 વાગ્યા સુધી તેમની દુકાન ખુલ્લી જણાતા આસપાસના લોકોને શંકા ગઈ હતી. પડોશીઓએ દુકાનમાં તપાસ કરતા ભરતભાઈ લોહીલુહાણ હાલતમાં મૃત પડેલા જોવા મળ્યા હતા હત્યારાઓએ દુકાનની અંદર જ ભરતભાઈના મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ ઘા ઝીંકી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ભરતભાઈનું બાઈક પણ ઘટનાસ્થળેથી ગાયબ છે દુકાનમાંથી રોકડ રકમની લૂંટ થઈ છે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ બાઈક ગાયબ હોવાથી લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે બનાવની જાણ થતા જ એ-ડિવિઝન પીઆઈ જાડેજા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો દુકાનની બહારના ભાગે લાગેલા કેમેરા અને આસપાસના વિસ્તારના ફૂટેજ પોલીસે કબજે કરીને આરોપીઓનું પગેંરૂ મેળવવા તપાસ હાથ ધરી છે વૃદ્ધ વેપારીની હત્યાથી વેપારી આલમમાં રોષ વ્યાપી ગયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ભરતભાઈ છેલ્લા 40 વર્ષથી આ વિસ્તારમાં પોતાનો વ્યવસાય કરતા હતા અને અહીંના જાણીતા વેપારી હતા. મૃતકને સંતાનમાં એક 16 વર્ષનો દીકરો છે, જે સેન્ટ મેરી સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે પોલીસે નાકાબંધી કરી આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.




