એક રાજા પોતાના પ્રધાન સાથે જંગલમાં શિકાર માટે નીકળ્યો. બંને જંગલમાં ખૂબ રખડ્યા પણ શિકાર ન મળ્યો. એક જગ્યાએ શેરડીના થોડા સાંઠા ઉગેલા જોયા એટલે પ્રધાન રાજા માટે એ કાપી લાવ્યો. રાજા પોતાની પાસેની કટારથી એ શેરડી છોલવાનો પ્રયાસ કરતો હતો. ત્યાં કટાર આંગળી પર વાગી અને આંગળી કપાઈ ગઈ. રાજા દર્દની ચીસો પાડવા લાગ્યો. પ્રધાને પાટો બાંધી આપ્યો અને બોલ્યો, “મહારાજ, ચિંતા ન કરો. જે થયું તે સારા માટે જ થયું.”
રાજાને ખૂબ ગુસ્સો આવ્યો કે, પોતાની આંગળી કપાઈ ગઈ તો પણ પ્રધાનને એ સારું લાગ્યું. એણે પ્રધાનને તાત્કાલિક અસરથી નોકરીમાંથી છૂટો કર્યો અને અત્યારે જ ચાલ્યા જવાનું કહ્યું. પ્રધાને રાજાને પ્રણામ કરીને કહ્યું, “મહારાજ જેવી આપની આજ્ઞા. આપે ભલે મને નોકરીમાંથી કાઢી મૂક્યો પણ જે થયું તે સારા માટે જ થયું હશે.” પ્રધાન તો ચાલ્યો ગયો.થોડીવારમાં જંગલમાં વસતી જંગલી પ્રજાતિના લોકો આવ્યા અને રાજાને બંદી બનાવીને લઈ ગયા. રાજાએ બંદી બનાવવાનું કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે, એના કુળદેવીને માનવ બલિ ચડાવવાની છે. રાજા તો ગભરાઈ ગયો. એને જ્યારે કબીલાના સરદાર પાસે લાવવામાં આવ્યો ત્યારે કબીલાના સરદારે રાજાની આંગળી પરનો પાટો ખોલાવ્યો અને કપાયેલી આંગળી જોઈને કહ્યું, “આ બલિ માટે યોગ્ય નથી. કારણ કે એની આંગળી કપાયેલી છે. એને જવા દો.”રાજા તો જીવ બચાવીને ભાગ્યો. નગરમાં આવીને એણે પેલા પ્રધાનને બોલાવ્યો. અને માફી માંગીને કહ્યું, “તું સાચો હતો. મારી આંગળી કપાઈ એ મારા સારા માટે જ હતી. જો આંગળી ન કપાઈ હોત તો આજે હું પોતે જ આખેઆખો કપાઈ ગયો હોત. પણ મેં તને નોકરીમાંથી કાઢી મૂક્યો ત્યારે પણ તેં કહ્યું હતું કે, જે થયું તે સારા માટે થયું. એમાં તારું શું સારું થયું?”પ્રધાને રાજાની સામે જોઈને કહ્યું, “મહારાજ, તમે મને નોકરીમાંથી ન કાઢી મૂક્યો હોત તો હું પણ તમારી સાથે જ હોત. જે લોકો તમને ઉપાડી ગયા એ તમારી સાથે મને પણ ઉપાડી ગયા હોત. તમારી આંગળી તો કપાયેલી હતી એટલે તમને છોડી દીધા; પણ હું તો અખંડ હતો એટલે મારા તો કટકા કરી જ નાંખત.”આવી પડેલી પરિસ્થિતિને પ્રેમથી સ્વીકારતા શીખીએ. કુદરત આપણને જોઈએ છે એ નહીં, જરૂર છે એ આપવા માંગતું હશે.જે થતું હોય તે થવા દેવું. જ્યાં ઉપાય ન થાય ત્યાં ખેદ કરવો યોગ્ય જ નથી.
જે થયું તે સારું થયુંઃ આવી પડેલી પરિસ્થિતિને પ્રેમથી સ્વીકારતા શીખીએ




