રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં હુમલા વધુ તેજ બન્યા
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં હુમલા વધુ તેજ બન્યા છે. યુક્રેને દાવો કર્યો છે કે તેની સેનાએ રશિયાના સવાસ્લેયકા સૈન્ય એરબેઝ પર હુમલો કરીને ૫ લડાકુ વિમાનોને નુકસાન પહોંચાડ્યું છે. આ એરબેઝ મોસ્કોની પૂર્વમાં નિઝની નોવગોરોડ વિસ્તારમાં આવેલું છે. યુક્રેનના જણાવ્યા મુજબ, આ હુમલામાં ૩ ખશત્રઃ ૩૧ અને ૨ જી-૩૪ વિમાનોને નિશાન બનાવવામાં આવ્યા છે. યુક્રેનના જનરલ સ્ટાફે બુધવારે જણાવ્યું હતું કે લાંબા અંતર સુધી પ્રહાર કરતા હથિયારોથી સવાસ્લેયકા એરબેઝને નિશાન બનાવવામાં આવ્યું હતું. અધિકારીઓના મતે, નુકસાન થવાથી આ વિમાનોને હાલ પૂરતા ઓપરેશનમાંથી બહાર કરાયા છે. MiG-31નો ઉપયોગ હાઇપરસોનિક મિસાઇલ છોડવા અને Su-34નો ઉપયોગ ફાઇટર-બોમ્બર તરીકે થાય છે. રશિયાએ હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી, તેથી નુકસાનની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.
બીજી તરફ, રશિયાએ ૨૫ નવેમ્બરની મોડી રાત્રે યુક્રેનની રાજધાની કીવ પર બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો હતો. કીવના મેયર વિતાલી ક્લિચકોના જણાવ્યા મુજબ, મિસાઇલો એક શોપિંગ સેન્ટર અને અન્ય બે ઇમારતો સાથે ટકરાઈ હતી. ધડાકાઓ બાદ મેયરે નાગરિકોને સુરક્ષિત સ્થળો અને બંકરોમાં રહેવાની સલાહ આપી હતી. આ હુમલામાં ૩થી ૪ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાં એકની હાલત ગંભીર છે. નીપર નદીના પૂર્વ ભાગમાં આવેલી ઇમારતો અને ઔદ્યોગિક વિસ્તારની એક ઇમારતને પણ નુકસાન થયું છે.
આ તણાવ વચ્ચે અમેરિકાએ યુક્રેનને F-16 લડાકુ વિમાનોના સમારકામ અને જાળવણી સંબંધિત ઉપકરણો તથા સેવાઓ વેચવાની સંભવિત મંજૂરી આપી છે. અમેરિકન વિદેશ વિભાગ મુજબ, આ સોદાની અંદાજિત કિંમત ૬૨૧.૯ મિલિયન ડોલર છે. દરમિયાન, યુક્રેનના સંરક્ષણ મંત્રી યેવહેન ખમારાએ જણાવ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં યુક્રેની સેનાએ રશિયાના ૧૬ બેલિસ્ટિક મિસાઇલ લોન્ચરોને નષ્ટ કર્યા છે.



