વિપક્ષી પાર્ટી મુસ્લિમોને અનામત આપવા માંગે છે
બ્લોગમાં બંધારણીય સુધારા અને નક્સલવાદનો ઉલ્લેખઃ 15 ડિસેમ્બર પહેલાં સંસદનું સત્ર બોલાવાશે
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બ્લોગમાં બંધારણ, મહિલા સશક્તિકરણ, નક્સલવાદ અને ઐતિહાસિક બંધારણીય સુધારાઓ અંગે મહત્વપૂર્ણ વિચારો રજૂ કર્યા છે. તેમણે લખ્યું કે આ વર્ષની શરૂઆતમાં જે બન્યું તેનાથી સૌ શરમમાં મુકાયા, પરંતુ બંધારણ નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનાર મહિલાઓને યાદ કર્યા વિના બંધારણની યાત્રા પૂર્ણ ન થઈ શકે. તેમણે નારીશક્તિને વિશ્વાસ અપાવ્યો કે તેમને ન્યાય અપાવવાના સંકલ્પને દુનિયાની કોઈ તાકાત રોકી શકશે નહીં. બ્લોગમાં નક્સલવાદનો ઉલ્લેખ કરતા મોદીએ જણાવ્યું કે દાયકાઓ સુધી આદિવાસી વિસ્તારો સહિત દેશના અનેક ભાગોમાં નક્સલવાદીઓએ બંદૂકના જોરે ગરીબોને બંધારણીય અધિકારોથી વંચિત રાખ્યા હતા, પરંતુ આ વર્ષે નક્સલવાદના અંતથી તેમને વિશેષ સંતોષ મળ્યો છે.
વધુમાં, તેમણે ૧૯૫૧ના પ્રથમ બંધારણીય સુધારા અને ઈમરજન્સી દરમિયાન થયેલા ૪૨મા સુધારાની ટીકા કરતા કહ્યું કે તેનાથી નાગરિકોની મૂળભૂત સ્વતંત્રતા અને ન્યાયિક સમીક્ષાની શક્તિ પ્રભાવિત થઈ હતી. તત્કાલીન સરકારોએ ચૂંટાયેલી રાજ્ય સરકારોને બરતરફ કરવા કલમ ૩૫૬નો લગભગ ૧૦૦ વખત દુરુપયોગ કર્યો હોવાનો આરોપ પણ તેમણે મૂક્યો હતો.
૧૯૫૦ પછી પ્રથમ વખત બંધારણનું અપડેટેડ સંસ્કરણ આઠમી અનુસૂચિની તમામ ૨૨ ભાષાઓમાં ઉપલબ્ધ કરાવાયું હોવાનું જણાવી મોદીએ ઉમેર્યું કે તેનાથી બંધારણ સામાન્ય નાગરિકોની વધુ નજીક આવ્યું છે. ઉપરાંત, અંગ્રેજોના સમયની દંડ સંહિતાના સ્થાને અમલમાં આવેલી ભારતીય ન્યાય સંહિતા દ્વારા દંડને બદલે નાગરિકો અને ન્યાયને પ્રાધાન્ય અપાયું છે. બીજી તરફ, સરકાર મહિલા અનામત લાગુ કરવા અને સીમાંકન અંતર્ગત લોકસભાની બેઠકો વધારીને ૮૫૦ કરવાની તૈયારી કરી રહી છે. અગાઉ ૧૫થી ૧૭ એપ્રિલ દરમિયાન બોલાવાયેલા વિશેષ સત્રમાં ૫૨૮ સાંસદોના મતદાનમાં ૨૯૮ તરફેણમાં અને ૨૩૦ વિરોધમાં મત પડ્યા હતા, જેથી જરૂરી ૩૫૨ મતો (બે-તૃતીયાંશ બહુમતી) ના અભાવે બિલો ૫૪ મતોથી અટક્યા હતા. દરમિયાન, બુધવારે કેબિનેટ બેઠકમાં વડાપ્રધાને મંત્રીઓને ૧૫ ડિસેમ્બર પહેલાં આગામી સંસદ સત્રની તૈયારીઓ પૂર્ણ કરવા અને વિદેશ પ્રવાસ ટાળવા સૂચના આપી છે.



