યુવાનોના જુસ્સા સામે હિમાલયની ઊંચાઈ પણ ટૂંકી પડી
ધનરાજ ઠાકોર, અક્ષય વાઢેર, યશપાલ વાઢેર, જયદીપ ડોડિયા, કરણ હેરમા અને રણવીરસિંહ ચૌહાણે હાડ થીજવતી ઠંડી અને બરફાચ્છાદિત કપરા રસ્તાઓને માત આપી સફળતા મેળવી
- Advertisement -
સાહસ, હિંમત અને મજબૂત મનોબળ હોય તો ગમે તેવા પડકારને પણ પાર કરી શકાય છે. આ વાતને રાજકોટ સ્થિત સમસ્ત બ્રહ્મ સમાજના યુવાન ધનરાજ ઠાકોરે સાબિત કરી બતાવી છે. મૂળ જૂનાગઢના અને હાલ રાજકોટમાં વસવાટ કરતા ધનરાજ ઠાકોરે પોતાના પાંચ મિત્રો સાથે ઉત્તરાખંડના હિમાલયની પર્વતમાળાઓમાં આવેલો આશરે 12,500 ફૂટ ઊંચાઈ ધરાવતો અત્યંત કઠિન અને પડકારજનક બ્રહ્મતાલ ટ્રેક સફળતાપૂર્વક સર કરી સિદ્ધિ હાંસલ કરી છે. આ સાહસપૂર્ણ સિદ્ધિ બદલ સમગ્ર બ્રહ્મ સમાજ, પરિવારજનો અને મિત્રવર્તુળમાં ગૌરવની લાગણી છવાઈ છે. સ્વ. મેહુલભાઈ અને અસ્મિતાબેનના પુત્ર તથા મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલા ચૈતન્ય ઠાકોરના નાના ભાઈ ધનરાજ ઠાકોરે આ સાહસિક અભિયાનમાં પોતાની ક્ષમતા, હિંમત અને અડગ મનોબળનો પરિચય આપ્યો હતો. તેમની સાથે અક્ષય વાઢેર, યશપાલ વાઢેર, જયદીપ ડોડિયા, કરણ હેરમા અને રણવીરસિંહ ચૌહાણે પણ આ સાહસિક સફરમાં જોડાઈને સફળતાપૂર્વક બ્રહ્મતાલ ટ્રેક પૂર્ણ કર્યો હતો.
બ્રહ્મતાલ ટ્રેક દરમિયાન આ છ યુવાનોએ હાડ થીજવતી ઠંડી, માઇનસ ડિગ્રી તાપમાન, બરફથી ઢંકાયેલા રસ્તાઓ અને વિષમ ભૌગોલિક પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. અનેક પડકારો વચ્ચે પણ એકબીજાનો સાથ અને હિંમત જાળવી રાખીને તેમણે પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. બરફાચ્છાદિત પર્વતીય માર્ગો પર પગપાળા આગળ વધવાની કઠિન સફર દરમિયાન શારીરિક થાક અને પ્રતિકૂળ હવામાન વચ્ચે પણ યુવાનોએ હાર માની નહોતી. અંતે 12,500 ફૂટની ઊંચાઈએ આવેલા બ્રહ્મતાલ સુધી પહોંચીને તેમણે પોતાની આ સાહસિક સફરને યાદગાર બનાવી હતી.
ધનરાજ ઠાકોર સહિત છ યુવાનોએ હિમાલયની કઠિન પરિસ્થિતિઓ વચ્ચે હાંસલ કરેલી આ સિદ્ધિ માત્ર એક ટ્રેક પૂર્ણ કરવાની સફળતા નથી, પરંતુ યુવા પેઢી માટે સાહસ, આત્મવિશ્વાસ અને સંકલ્પશક્તિનું પ્રેરણાદાયી ઉદાહરણ પણ છે. ધનરાજ ઠાકોર અને તેમના સાથીઓની આ સાહસિક સફર અન્ય યુવાનોને પણ પ્રકૃતિ સાથે જોડાવા અને જીવનમાં નવા પડકારો ઝીલવા માટે ચોક્કસ પ્રેરણા પૂરી પાડશે. તેમની આ સિદ્ધિના સમાચાર મળતાં જ બ્રહ્મ સમાજના અગ્રણીઓ, સ્નેહીઓ, પરિવારજનો અને મિત્રોએ અભિનંદન પાઠવી યુવાનોની હિંમતને બિરદાવી છે.
- Advertisement -
બ્રહ્મતાલ : હિમાલયની ગોદમાં કુદરતનો અદભુત નજારો
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલો બ્રહ્મતાલ ટ્રેક દેશના સાહસિકો માટે શિયાળાનું સ્વર્ગ ગણાય છે. દરિયાઈ સપાટીથી આશરે 12,500 ફૂટની ઊંચાઈએ આવેલા આ સ્થળની વિશેષતા એ છે કે અહીંથી હિમાલયનાં ભવ્ય ત્રિશૂલ અને નંદઘુંટી પર્વતશિખરોનું અદભુત વિહંગાવલોકન થાય છે. પૌરાણિક માન્યતા અનુસાર, આ સ્થળે બ્રહ્માજીએ તપસ્યા કરી હતી, જેના કારણે આ સરોવરનું નામ બ્રહ્મતાલ પડ્યું હોવાનું માનવામાં આવે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં અહીંનું સૌંદર્ય અનોખું બની જાય છે. બરફથી ઢંકાયેલા પર્વતો, થીજી ગયેલું સરોવર, ગાઢ દેવદારનાં જંગલો અને ચારે તરફ પથરાયેલી સફેદ બરફની ચાદર ટ્રેકર્સ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.



