પતિના બાર ઓપરેશન કરાવતા આર્થિક ભીંસ પણ ઉભી થઇ હતી
રાજકોટના કોઠારીયા રોડના વિવેકાનંદનગરમાં રહેતાં મહિલાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે પતિને કેન્સર હોઇ બિમારી પાછળ મોટો ખર્ચ થતો હોઇ આર્થિક ભીંસ ઉભી થતાં આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.રાજકોટના વિવેકાનંદનગરમાં રહેતા આશાબેન જગદીશભાઈ વિરાણી ઉ.49એ ગઇકાલે સવારે ઘરે ઝેરી દવા પી લેતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં ભક્તિનગર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક આશાબેનના પતિ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે તેમના પતિને કેન્સર હોઇ સારવાર પાછળ ખુબ ખર્ચ થતો હતો. મોઢાના કેન્સરને કારણે અગાઉ બારથી વધુ ઓપરેશન કરાવ્યા હતાં. વધુ એક ઓપરેશન અમદાવાદ હોસ્પિટલ ખાતે કરાવવાનું હતું. પતિનું દર્દ અને તેમની સારવાર પાછળ થઇ રહેલા ખર્ચને કારણે ઉભી થયેલી આર્થિક ભીંસને કારણે આશાબેને આ પગલુ ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.




