ભારે વાહનોના સતત ધસારા અને ચોમાસામાં પાણી ભરાવાને કારણે ડામરના સર્વિસ રોડ વારંવાર બિસ્માર બનતા હોવાની ફરિયાદ
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે (NH-27) પર ગ્રીનલેન્ડ ચોકડીથી વાંકાનેર બાઉન્ડ્રી સુધીના અંદાજે ૩૫ થી ૪૦ કિલોમીટરના પટ્ટામાં આવેલા તમામ ઓવરબ્રિજ અને અન્ડરપાસની બંને બાજુના સર્વિસ રોડને ડામરના બદલે સિમેન્ટ કોંક્રિટ (CC) રોડ બનાવવા માટે કુવાડવા GIDC ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે. એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ સોનવાણી અને સેક્રેટરી વિનોદભાઈ કાછડિયાએ ગાંધીનગર સ્થિત માર્ગ અને મકાન વિભાગના સચિવશ્રીને લેખિત પત્ર પાઠવીને આ અંગે કાયમી ઉકેલ લાવવાની માંગણી કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, ગ્રીનલેન્ડ ચોકડીથી વાંકાનેર બાઉન્ડ્રી સુધીનો વિસ્તાર અતિ સઘન ઔદ્યોગિક અને ટ્રાન્સપોર્ટ કોરિડોર છે, જેમાં ૩,૦૦૦ થી વધુ ઔદ્યોગિક એકમો, અનેક ગામડાંઓ તેમજ રાજકોટનું નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આવેલું છે. આ ઉપરાંત બેડી માર્કેટ યાર્ડ, કુવાડવા અને બામણબોર GIDC, સોખડા રોડ-નવા મેડિકલ પાર્ક ક્લસ્ટર તેમજ મોરબી સિરામિક ઝોન તરફ જતા ૧૬ થી ૨૨ વ્હીલર ટ્રકો અને એક્સપોર્ટ કન્ટેનરો સહિતના ભારે વાહનોની આ માર્ગ પર સતત અવરજવર રહે છે.હાઈવે પર ટ્રાફિક જામ કે ડાયવર્ઝન વખતે તમામ વાહનોનું ભારણ સર્વિસ રોડ પર આવે છે. હાલના ડામરના સર્વિસ રોડ ભારે વાહનોના વજન અને ચોમાસામાં પાણી ભરાવાને કારણે વારંવાર તૂટી જાય છે, જેનાથી ખાડા પડવા અને અકસ્માતની ભીતિ રહે છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સમગ્ર પટ્ટાના સર્વિસ રોડને ડ્રેનેજ સુવિધા સાથે ‘M-40 PQC રિજિડ પેવમેન્ટ’ (સીસી રોડ) તરીકે મંજૂર કરવામાં આવે તો ૩,૦૦૦થી વધુ ઉદ્યોગો, ગ્રામજનો અને એરપોર્ટ જતા મુસાફરોને સુરક્ષિત અને ટકાઉ માર્ગ સુવિધા મળી રહેશે તેમ એસોસિએશને ઉમેર્યું છે.




