વિન બિઝ’ અને ‘ઓલ પેનલ 777’ આઈડી મળી આવીઃ ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબીની ટીમની કાર્યવાહી
રાજકોટના રેસકોર્સ રિંગરોડ પર પોલીસ હેડક્વાર્ટરના ગેટની સામે ફૂટબોલ મેચમાં સટ્ટો રમતા કાપડના વેપારી અને બહુમાળી ભવન પાછળ ક્રિકેટ મેચ પર દાવ લગાવતા શખ્સને ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબીની ટીમે દરોડા પાડી ઝડપી લીધા છે.રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ ડી.પી. ઝાલા, હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ગોહિલ અને અમિત ટૂંડિયાની ટીમે બાતમી આધારે પોલીસ ક્વાર્ટરના ગેટ સામેથી ધરમનગરના પરાગ દિલીપ કાનાણીને પકડ્યો હતો. તેના મોબાઈલમાં ‘વિન બિઝ’ એપની આઈડી પર ફૂટબોલ સટ્ટો રમાતો હોવાનું ખૂલ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં પરાગ કાનાણી ટેલિગ્રામની લીંક પરથી ફૂટબોલનો સટ્ટો ખેલતો હોવાનું ખુલ્યું છે જયારે બીજા દરોડામાં પીસીબી પીઆઈ એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ સંતોષભાઈ મોરી અને કોન્સ્ટેબલ દેવરાજભાઈ કળોતરાની ટીમે બહુમાળી ભવન પાછળ શક્તિ ટી સ્ટોલ સામેની શેરીમાંથી રેલનગરના જયદીપસિંહ પ્રતાપસિંહ જાડેજાને ઝડપ્યો હતો. તે ‘ઓલ પેનલ 777′ આઈડી મારફત એશિયા કપ રાઈઝીંગ સ્ટાર 2026ની ભારત-શ્રીલંકા ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જયદીપસિંહ જાડેજા પાસે લીંક આપનાર તરીકે એક ઇન્ટરનેશનલ નંબર મળી આવ્યો છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે.




